ફોરેસ્ટ અધિકારીના પત્ની અને સંતાનોની ખાડામાંથી પથ્થર સાથે બાંધેલી લાશ મળી આવી, પોલીસને આ આશંકા, જાણો
ભાવનગરથી અરેરાટી મચાવતા સમાચાર સામે આવ્યા છે. ભાવનગર ખાતે ફોરેસ્ટ ખાતામાં ફરજ બજાવતા ACF શૈલષ ખાંભલાએ 7 નવેમ્બરના રોજ ભરતનગર પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી કે, તેમના પત્ની નયનાબેન તથા દીકરો-દીકરી 5 નવેમ્બરથી ગુમ છે. તેની તપાસમાં ૧૦ દિવસ બાદ ત્રણેયની લાશ મળી આવતાં પોલીસે ફરિયાદ નોંધાવનાર પતિ સામે જ હત્યાની આશંકા વ્યક્ત કરી છે.
ફોરેસ્ટ વિભાગમાં ACF તરીકે ફરજ બજાવતા શૈલેષ ખાંભલા તળાજા રોડ પર કાચના મંદિર પાસે આવેલી ફોરેસ્ટ કોલોનીમાં પોતાને ફાળવાયેલા ક્વાર્ટરમાં રહેતા હતા. જ્યારે તેના પત્ની નયનાબેન, પુત્રી પૃથા અને પુત્ર ભવ્ય સુરતમાં સંયુક્ત પરિવારમાં રહેતા હતા. દિવાળી વેકેશન હોય નયનાબેન બંને સંતાનોને લઈ ભાવનગર પતિ શૈલેષ પાસે આવ્યા હતા.
5 નવેમ્બરના રોજ નયનાબેન પુત્રી પૃથા અને પુત્ર ભવ્ય સાથે 10 દિવસ પહેલા સુરત જવા નીકળ્યા બાદ ગુમ થયા હતા. બાદમાં ત્રણેયની ફોરેસ્ટ કોલોનીમાં આવેલા તેમના ઘરથી 20 ફૂટ દૂરના અંતરેથી ખાડામાં દાટી દીધેલી લાશો મળી આવી હતી. ત્રણેયની હત્યા કરી લાશ દાટી દેવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઇ હતી. પોલીસે ધટના સ્થળેથી મૃતદેહો કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ કેસ અંગે ભાવનગરની સ્થાનિક પોલીસે માહિતી આપતાં જણાવ્યું હતું કે, ઘર પાસે થયેલા ભેદી ખોદકામ અંગે બાતમી મળતા પોલીસે ત્યાં ખોદકામ કર્યું હતું અને ત્યાંથી ત્રણેયની ડેડબોડી મળી આવી હતી. તેથી આ મામલામાં ACF પતિ શૈલેષ ખાંભલા શંકાના દાયરામાં છે.
પોલીસને શંકા છે કે, પત્ની અને સંતાનોની હત્યા ફોરેસ્ટ ઓફિસરે પોતે જ કરી છે, અને બાદમાં પોલીસને શક ન જાય તે માટે તેમના ગુમ થવાની ફરીયાદ નોંધાવી દીધી. પત્ની અને સંતાનો 5 નવેમ્બરે સુરત જવા નીકળ્યા બાદથી ગુમ થયા હોવાનું ફોરેસ્ટ અધિકારીએ અગાઉ પોલીસને જણાવ્યું હતુ. અને બાદમાં પત્ની અને સંતાનોને શોધવાના બહાને પોતે સુરત પણ પહોંચ્યા હતા. જો કે પોલીસે શંકાના આધારે સુરતથી તેમને પકડી લીધા છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp