સુરત મહાનગર પાલિકાની સામાન્ય સભામાં વકફનો મુદ્દો ઉછળ્યો, કાયદા સમિતિના ચેરમેન નરેશ રાણાએ રોકડું પરખાવતા કહ્યું કે...
સુરત: હાલમાં દેશભરમાં વકફ સંશોધન એક્ટનો મુદ્દો ગાજી રહ્યો છે. ખુદ વડાપ્રધાન મોદી અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ આ મુદ્દે ઊંડો રસ લઇ રહ્યા છે. એવામાં સુરત મહાનગર પાલિકાની સામાન્ય સભામાં પણ કોર્પોરેટ અને કાયદા સમિતિના ચેરમેન નરેશ રાણાએ વકફ બોર્ડ મુદ્દે કેટલીક રોકડી વાત પરખાવી હતી. એમણે વકફ બાબતે જે આંકડા રજુ કર્યા, એ ચોંકાવનારા છે.
કોર્પોરેટર અને કાયદા સમિતિના અધ્યક્ષ નરેશ રાણાએ મનપાની સામાન્ય સભા દરમિયાન માહિતી આપતા જણાવ્યું કે ભારતના વકફ બોર્ડ પાસે અધધ ગણાય એટલી, 9.4 લાખ એકર જગ્યા છે! વિશ્વના 195 માન્ય દેશોમાંથી 50 દેશો એવા છે, કે તે દેશોનું ક્ષેત્રફળ પણ આટલું મોટું નથી! આંકડાકીય માહિતી આપવાની સાથે જ કોર્પોરેટરે વકફ બોર્ડ સામે ચાલતા કેસિસની વિગતો આપીને કોંગ્રેસને આડે હાથે લીધી હતી.
કોંગ્રેસ સહિતના કેટલાક પક્ષોનો આક્ષેપ છે કે વકફ સંશોધન બિલથી મુસ્લિમ સમાજને ગેરફાયદો થશે. પરંતુ વકફબોર્ડ વિરુદ્ધ હાઈકોર્ટ અને સરકારમાં થયેલ અરજીઓમાં સૌથી વધુ અરજીઓ તો મુસ્લિમ સમાજના લોકો દ્વારા જ કરવામાં આવી છે, જેઓ વકફ બોર્ડથી પીડિત છે! એનો અર્થ એમ થાય કે જો વકફ બોર્ડ સંશોધન બિલ પાસ થશે, તો સૌથી વધુ ફાયદો તો આ મુસ્લિમ પીડિતોને જ થવાનો છે. એમની જે જમીન વકફ બોર્ડ દ્વારા છીનવી લેવામાં આવી છે, એ તેમને – એટલે કે જમીનના મૂળ માલિકોને પાછી મળશે. પરંતુ વકફ સંશોધન બિલનો વિરોધ કરી રહેલા કોંગ્રેસ સહિતના પક્ષો પોતાની પોલિટિકલ વોટ બેંક ખાતર સમગ્ર મુસ્લિમ સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા છે.
રાણાએ વધુમાં ઉમેર્યું કે વિશ્વના તમામ દેશોની વાત છોડો, જેટલા ઇસ્લામિક દેશો છે, ત્યાં પણ ભારત જેવો અન્યાયી વકફ એક્ટ નથી, તો પછી ભારત જેવા બિનસાંપ્રદાયિક દેશમાં આવો અન્યાયી કાયદો શા માટે હોવો જોઈએ? કોંગ્રેસ અને તેના સાથી પક્ષોએ હમેશા દેશને તોડવાનું કામ કર્યું છે. જ્યારે ભાજપે દેશને અતૂટ રાખવા માટે પ્રયત્નો કર્યા છે. કોંગ્રેસ સરકાર દ્વારા બનાવાયેલા વકફ એક્ટથી ભારતના તમામ ધર્મના લોકોને અન્યાય થઇ રહ્યો છે. આથી આવનારા સમયમાં જનતા કોંગ્રેસનું આ ઘોર પાપ માફ નહિ કરે.
એક સમયે સુરત મહાનગર પાલિકાની હેડ ઓફિસ પર પણ વકફ બોર્ડની માલિકી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. ગુજરાત રાજ્ય વકફ બોર્ડ દ્વારા પણ આ અન્વયે આંશિક મંજૂરી આપીને સુરત મહાનગર પાલિકાની મુખ્ય કચેરીને ‘વકફ મિલકત’ જાહેર કરી દેવાઈ હતી. પણ હાઈકોર્ટના વિદ્વાન વકીલ શ્રી કે. ડી. પંડ્યા, કાયદા સમિતિના ચેરમેન નરેશ રાણા, તેમજ મહાનગર પાલિકાનાં અધિકારીઓએ વળતી કાયદાકીય લડત આપી હતી, જે બાદ વકફ ટ્રિબ્યુનલે વકફ બોર્ડનો એકતરફી દાવો ફગાવી દીધો હતો. આ કેસમાં પણ કાયદા સમિતિના ચેરમેનની રૂએ કોર્પોરેટર નરેશ રાણાએ ખાસ્સી જહેમત અને ઊંડો રસ દાખવીને પાલિકાની વડી કચેરી વકફ બોર્ડના હાથમાં જતી અટકાવવામાં મોટો ભાગ ભજવ્યો હતો.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp