મંગળવારે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલાએ આ સુંદર પર્યટન સ્થળની શાંતિને ભંગ કરી દીધી. લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલ આતંકવાદી સંગઠન, રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF)એ આ હુમલાની જવાબદારી લીધી છે. અહેવાલો અનુસાર, આ ભયાનક આતંકવાદી હુમલામાં ઓછામાં ઓછા 26 પ્રવાસીઓ માર્યા ગયા છે જ્યારે ઘણા લોકો ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે. હુમલા દરમિયાન, આતંકવાદીઓએ પ્રવાસીઓને તેમનું નામ અને ધર્મ પૂછ્યું અને પછી ગોળીબાર કર્યો, જેના કારણે આ ઘટના અંગે ચિંતા વધુ વધી ગઈ છે. આ હુમલા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાઉદી અરેબિયાનો પ્રવાસ અધવચ્ચે જ છોડીને પરત ફરી રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી આજે પહેલગામ જશે. દરમિયાન, હુમલાખોરોની શોધખોળ તેજ કરી દેવામાં આવી છે.
હુમલાને જોનાર એક મહિલા પ્રવાસીએ જણાવ્યું કે આતંકવાદીઓએ પહેલા લોકોને તેમના ધર્મ વિશે પૂછ્યું અને પછી ગોળી મારી દીધી. મહિલાએ PCR કોલ પર રડતા રડતા કહ્યું, 'હું ત્યાં ભેલપુરી ખાતી હતી, મારા પતિ નજીકમાં હતા. એક આતંકવાદી આવ્યો, તેણે મારા હાથમાં બંગડીઓ જોઈ અને મારા પતિને તેના ધર્મ પૂછ્યો. પછી તેને ગોળી મારી દીધી. મહિલાએ જણાવ્યું કે આતંકવાદીઓએ 3-5 મિનિટ સુધી ગોળીબાર કર્યો અને ફરાર થઈ ગયા. આ હુમલો પહેલગામના એ વિસ્તારમાં થયો હતો, જ્યાં પ્રવાસીઓ ઘણીવાર ટ્રેકિંગ અને અન્ય પ્રવૃત્તિઓ માટે આવે છે. આતંકવાદીઓએ અચાનક પ્રવાસીઓ પર અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો.
હુમલા બાદ, ભારતીય સેનાની વિક્ટર ફોર્સ, સ્પેશિયલ ફોર્સ, જમ્મુ અને કાશ્મીર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) અને CRPFએ વિસ્તારમાં મોટા પાયે સર્ચ ઓપરેશન શરૂ કર્યું. આતંકવાદીઓની શોધમાં આ વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે, અને સુરક્ષા દળો આતંકીઓને પકડવા માટે શક્ય તમામ પ્રયાસો કરી રહ્યા છે. લશ્કર-એ-તૈયબાના સહયોગી TRFએ આ હુમલાની જવાબદારી લીધી છે. આ સંગઠન તાજેતરના વર્ષોમાં જમ્મુ અને કાશ્મીરમાં ઘણી આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ રહ્યું છે.
TRF એક આતંકવાદી સંગઠન છે, જે વર્ષ 2019માં જમ્મુ અને કાશ્મીરમાં કલમ 370 નાબૂદ થયા બાદ ઉભરી આવ્યું હતું. આ એક રીતે પાકિસ્તાન સમર્થિત જિહાદી આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાનું બીજું નામ છે. TRFએ નાગરિકો ખાસ કરીને કાશ્મીરી પંડિતો જેવા લઘુમતી સમુદાયોના સભ્યો, સરકારી કર્મચારીઓ અને પ્રવાસીઓ પર વારંવાર હુમલો કર્યો છે. આ સંગઠન ભારતીય સુરક્ષા દળો પર પણ હુમલો કરે છે. TRF બિન-ધાર્મિક પ્રતીકોનો ઉપયોગ કરીને પોતાને ધર્મનિરપેક્ષ તરીકે દર્શાવવાનો પ્રયાસ કરે છે, પરંતુ તેનો હેતુ કાશ્મીરમાં આતંક ફેલાવવાનો છે.
12 ઓક્ટોબર 2019ના રોજ શ્રીનગરના લાલ ચોકમાં TRFએ ગ્રેનેડ હુમલો કર્યો, જેમાં 8 નાગરિકો ઇજાગ્રસ્ત થયા હતા. સંગઠનની રચના બાદ આ હુમલો પહેલી મોટી ઘટના હતી, જેને TRFએ ટેલિગ્રામ દ્વારા સ્વીકારી.
8 જૂન 20ના રોજ TRF આતંકવાદીઓએ એક કાશ્મીરી પંડિત સરપંચની હત્યા કરી. આ હુમલો લઘુમતી સમુદાયને નિશાન બનાવવાની રણનીતિનો એક ભાગ હતો.
25 સપ્ટેમ્બર 2020ના રોજ શ્રીનગરમાં TRF આતંકવાદીઓ દ્વારા પ્રખ્યાત વકીલ બાબર કાદરીની હત્યા કરી દીધી હતી. આ હુમલો પ્રભાવશાળી સ્થાનિક વ્યક્તિઓને નિશાન બનાવવાના એક ભાગ તરીકે કરવામાં આવ્યો હતો.
5 ઓક્ટોબર 2021ના રોજ TRFએ શ્રીનગરમાં કાશ્મીરી પંડિત બિઝનેસમેન માખન લાલ બિન્દ્રુની ગોળી મારીને હત્યા કરી દીધી હતી.
7 ઓક્ટોબર 2021ના રોજ શ્રીનગરની એક શાળામાં TRF આતંકવાદીઓએ 2 બિન-મુસ્લિમ શિક્ષકો (એક હિન્દુ અને એક શીખ) ની હત્યા કરી હતી.
31 મે 2022ના રોજ કુલગામમાં TRFએ શાળાના શિક્ષિકા રજની બાલાની લક્ષ્યાંકિત હત્યા કરી દેવામાં આવી હતી. આ હુમલામાં પાકિસ્તાન સ્થિત લશ્કર ઓપરેટિવ અરબાઝ અહેમદ મીર મુખ્ય આરોપી હતો.
28 ફેબ્રુઆરી 2023ના રોજ TRFના આતંકવાદીઓએ કાશ્મીરી પંડિત સંજય શર્માની હત્યા કરી હતી, જેઓ એક સુરક્ષા ગાર્ડ હતા. બાદમાં અવંતીપોરામાં એક એન્કાઉન્ટરમાં હુમલો કરનાર આતંકવાદી આકીબ મુસ્તાક ભટ માર્યો ગયો.
9 જૂન 2024ના રોજ રિયાસી જિલ્લામાં વૈષ્ણોદેવી યાત્રાળુઓને લઈ જતી બસ પર TRFએ હુમલો કર્યો, જેમાં 9 લોકો માર્યા ગયા હતા અને 33 ઇજાગ્રસ્ત થયા હતા. સંગઠને પ્રવાસીઓ અને બિન-સ્થાનિક લોકો પર વધુ હુમલાઓની ધમકી આપી.
22 એપ્રિલ 2025ના રોજ પહેલગામમાં TRFએ પ્રવાસીઓ પર હુમલો કર્યો, જેમાં 26 લોકોના મોત થયા છે, જ્યારે ઘણા લોકો ઇજાગ્રસ્ત થયા છે. આતંકવાદીઓએ ધર્મ પૂછીને ગોળીબાર કર્યો હોવાનું સામે આવ્યું છે.