ટ્રમ્પે હાર્વર્ડ યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓનું એડમિશન રોક્યું, હવે 788 ભારતીય વિદ્યાર્થીઓનું શું થશે?
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને હાર્વર્ડ યુનિવર્સિટી વચ્ચે ચાલી રહેલો તણાવ બંધ થવાનું નામ લઈ રહ્યો નથી. આ દરમિયાન, ટ્રમ્પ સરકારે એક ચોંકાવનારો નિર્ણય લીધો છે. વિદેશી વિદ્યાર્થીઓને હાલમાં હાર્વર્ડમાં એડમિશન નહીં મળી શકે. ટ્રમ્પ સરકારે યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓના એડમિશન પર રોક લગાવી દીધી છે. તેનાથી ભારત અને વિશ્વના અન્ય દેશોના વિદ્યાર્થીઓની સમસ્યાઓ વધી શકે છે.
ન્યૂ યોર્ક ટાઈમ્સે ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી (DHS) સેક્રેટરી ક્રિસ્ટી નોએમ દ્વારા હાર્વર્ડ યુનિવર્સિટીને મોકલવામાં આવેલા પત્રના સંદર્ભે આ સમાચાર આપ્યા છે. નોઈમે પત્રમાં લખ્યું કે, ‘હું તમને સૂચિત કરવા માટે લખી રહી છું કે હાર્વર્ડ યુનિવર્સિટીના વિદ્યાર્થી અને શૈક્ષણિક વિનિમય પ્રવેશ કાર્યક્રમની માન્યતા તાત્કાલિક ધોરણે રદ કરી દેવામાં આવી છે.’
હાર્વર્ડના સત્તાવાર રેકોર્ડ મુજબ, દર વર્ષે 500-800 ભારતીય વિદ્યાર્થીઓ અહીં એડમિશન લે છે. દુનિયાભરમાંથી લગભગ 6800 વિદ્યાર્થીઓ અહીં આવે છે. આ વર્ષે 788 ભારતીય વિદ્યાર્થીઓએ એડમિશન લીધું. હવે આ વિદ્યાર્થીઓની મુશ્કેલીઓ વધવાની છે. વિદેશી વિદ્યાર્થીઓને કહેવામાં આવ્યું છે કે તેઓ અથવા તો બીજી સંસ્થામાં એડમિશન લે અથવા અમેરિકામાં તેમનો કાયદેસર દરજ્જો ગુમાવે. એવામાં, ભારતીય વિદ્યાર્થીઓ પાસે બીજી સંસ્થામાં એડમિશન લેવાનો વિકલ્પ રહેશે. જો તેઓ આમ નહીં કરે, તો અમેરિકા છોડવું પડી શકે છે.
હાર્વર્ડમાં વર્તમાન સેમેસ્ટર પૂર્ણ કરી ચૂકેલા વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર છે. તેઓ તેમનું ગ્રેજ્યુએશન પૂર્ણ કરી શકશે. ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી (DHS) સેક્રેટરી ક્રિસ્ટી નોએમે તેમના પત્રમાં આ વાતનો ઉલ્લેખ કર્યો છે. તેમણે લખ્યું છે કે, ટ્રમ્પ સરકાર દ્વારા કરવામાં આવેલા ફેરફારો 2025-26ના સ્કૂલ યરથી લાગૂ કરવામાં આવશે.
ટ્રમ્પ અને હાર્વર્ડ વચ્ચે તણાવની સ્થિતિ છે. ટ્રમ્પ સરકાર યુનિવર્સિટીને પોતાની ઇચ્છા મુજબ ચલાવવા માગે છે, પરંતુ હાર્વર્ડ આ માટે સંપૂર્ણપણે તૈયાર નથી. હાર્વર્ડ પર યહૂદીઓ સામે નફરત રોકવામાં નિષ્ફળ જવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. પ્રશાસન તરફથી આરોપ લાગ્યો હતો કે યહૂદી વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો સામે ભેદભાવ કરવામાં આવે છે. હવે ટ્રમ્પ સરકારે વિદેશી વિદ્યાર્થીઓને લઈને લીધેલા નિર્ણયને યુનિવર્સિટીઓ પર વધતા દબાણના દૃષ્ટિકોણથી જોવામાં આવી રહ્યો છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp