જનરલ બિપીન રાવતથી દુશ્મનો કેમ થર થર કાંપતા હતા? જાણો અજાણી વાતો

જનરલ બિપીન રાવતથી દુશ્મનો કેમ થર થર કાંપતા હતા? જાણો અજાણી વાતો

12/08/2021 Specials

SidhiKhabar

SidhiKhabar

જનરલ બિપીન રાવતથી દુશ્મનો કેમ થર થર કાંપતા હતા? જાણો અજાણી વાતો

આજે દેશ આખો સ્તબ્ધ છે. બપોરે અચાનક દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપીન રાવતને લઇ જતા હેલિકોપ્ટરના ક્રેશ થવાના સમાચાર આવ્યા ત્યારથી જ દેશ જનરલના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યો હતો. પરંતુ કમનસીબે આ ભયાનક દુર્ઘટનામાં જનરલ બિપીન રાવત બચી ન શક્યા. તેઓ અને તેમની સાથે સેનાના અન્ય અધિકારીઓ આજે વીરગતિને પ્રાપ્ત થયા છે. જનરલ રાવત સાથે તેમના પત્ની મધુલિકા રાવતનું પણ નિધન થયું છે.


CDS સેનાનો સર્વોચ્ચ હોદ્દો, જનરલ રાવતના બહોળા અનુભવ અને કાબેલિયતને જોતા સરકારે તેમની ઉપર પસંદગી ઉતારી હતી

જનરલ બિપીન રાવત દેશના સર્વપ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ હતા. આ હોદ્દો ભારતીય સેનાનો સર્વોચ્ચ હોદ્દો છે. જે 2019 માં અસ્તિત્વમાં આવ્યો હતો. સેનાની ત્રણેય પાંખોના ત્રણ વડાની ઉપર CDS હોય છે. જનરલ બિપીન રાવતના બહોળા અનુભવ અને કાબેલિયતને જોતા તેઓ સેના પ્રમુખ પદેથી નિવૃત્ત થયા તેના બીજા જ દિવસે તેમને આર્મી સ્ટાફના વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. 

તે સમયે દેશ જે પડકારોનો સામનો કરી રહ્યો હતો તેને જોતા સરકારે પસંદગી જનરલ બિપીન રાવત ઉપર ઉતારી હતી. તેમની પાસે અશાંત વિસ્તારોનો અને સેનાના અનેક હોદ્દાઓનો અનુભવ હતો. તેમજ લાંબી કારકિર્દી દરમિયાન તેઓ સેનાના અનેક અભિયાનોનો ભાગ રહ્યા હતા. 


બંને સર્જિકલ સ્ટ્રાઈકમાં મહત્વનો રોલ ભજવ્યો

બંને સર્જિકલ સ્ટ્રાઈકમાં મહત્વનો રોલ ભજવ્યો

જનરલ બિપીન રાવતને સેનામાં ઊંચાઈ પર જંગ લડવામાં અને કાઉન્ટર ઇન્સર્જ્ન્સી ઓપરેશન એટલે કે જવાબી કાર્યવાહીના એક્સપર્ટ માનવામાં આવતા હતા. સેનામાં રહેતા તેમણે એલઓસી, ચીન સરહદ તેમજ ઉત્તર-પૂર્વ ભારતમાં લાંબો સમય ગાળ્યો હતો અને આ વિસ્તારોનો અનુભવ લીધો હતો. જેનો ઉપયોગ તેમણે આર્મી ચીફ અને ત્યારબાદ CDS પદે બખૂબી રીતે કર્યો હતો.

તેમણે પહેલા કાશ્મીર ખીણમાં નેશનલ રાઈફલ્સમાં બ્રિગેડિયર અને પછી મેજર જનરલના પદ પર રહીને ઇન્ફેન્ટ્રી ડિવીઝનની કમાન સંભાળી હતી. ઉપરાંત તેઓ ચાઇનીઝ સરહદ પર ઇન્ફેન્ટ્રી બટાલિયનના કર્નલ પણ રહ્યા હતા. 

જનરલ બિપીન રાવતને ખાસ કરીને સર્જિકલ સ્ટ્રાઈક માટે દેશ આજીવન યાદ રાખશે. વર્ષ 2016 માં કાશ્મીર સરહદે આવેલ ઉરી બેઝ કેમ્પમાં પાકિસ્તાની આતંકીઓએ પીઠ પાછળ હુમલો કરતા ભારતીય સેનાના અઢાર જવાનો શહીદ થયા હતા. જવાનોની આ શહાદતનો બદલો ભારતે સર્જિકલ સ્ટ્રાઈક કરીને સેંકડો આતંકવાદીઓ ફૂંકી મારીને લીધો હતો. આ સર્જિકલ સ્ટ્રાઈકનો ઘણોખરો શ્રેય જનરલ બિપીન રાવતને પણ જાય છે. આ ઉપરાંત, તેમના સીડીએસ પદે ભારતે બાલાકોટમાં એર સ્ટ્રાઈક પણ કરી હતી, જેમાં 300 થી વધુ આતંકીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા. 


પૂર્વોત્તરમાં ઉગ્રવાદ ડામવામાં અગત્યનો ફાળો રહ્યો, મ્યાનમારમાં ઓપરેશન ચલાવ્યું

પૂર્વોત્તરમાં ઉગ્રવાદ ડામવામાં અગત્યનો ફાળો રહ્યો, મ્યાનમારમાં ઓપરેશન ચલાવ્યું

ઉપરાંત, પૂર્વોત્તરમાં ઉગ્રવાદ ખતમ કરવામાં પણ જનરલ બિપીન રાવતની નોંધપાત્ર ભૂમિકા રહી હતી. તેમણે વર્ષ 2015 માં મ્યાનમારમાં ક્રોસ બોર્ડર ઓપરેશન ચલાવ્યું હતું જેમાં ભારતીય સેનાએ ઉગ્રવાદીઓને જડબાતોડ જવાબ આપ્યો હતો. આ સંપૂર્ણ મિશન જનરલ રાવતની આગેવાનીમાં પાર પાડવામાં આવ્યું હતું. 

સૈન્ય સેવા દરમિયાન તેમના ઉત્કૃષ્ટ પ્રદાન બદલ અનેક એવોર્ડ અને મેડલથી નવાજવામાં આવ્યા હતા. તેમને પરમ વિશિષ્ટ સેવા મેડલ, ઉત્તમ યુદ્ધ સેવા મેડલ, અતિ વિશિષ્ટ સેવા મેડલ, વિશિષ્ટ સેવા મેડલ, યુદ્ધ સેવા મેડલ અને સેના મેડલથી નવાજવામાં આવ્યા હતા. ઉપરાંત, તેમને ઇન્ડિયન મિલીટરી એકેડમીમાં સોર્ડ ઓફ ઓનરથી નવાજવામાં આવ્યા હતા.


1958 માં જન્મ, 1987 માં સેનામાં જોડાયા

1958 માં જન્મ, 1987 માં સેનામાં જોડાયા

ભારતીય સેનાના પહેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અને 27 મા સેનાધ્યક્ષ જનરલ બિપીન રાવતનો જન્મ 1958 માં ઉત્તરાખંડના ગઢવાલના રાજપૂત કુટુંબમાં થયો હતો. બાળપણથી જ તેમની ઈચ્છા સેનામાં જોડાવાની હતી. જે 1987 માં આર્મીમાં જોડાવા સાથે પૂર્ણ થઇ હતી. જોકે, ત્યારબાદ પણ તેમણે અભ્યાસ ચાલુ રાખ્યો અને વર્ષ 2011 માં મિલીટરી મીડિયા સ્ટડીઝમાં પીએચડીની ડિગ્રી મેળવી હતી.


પત્ની AWWA ના અધ્યક્ષ હતા, સંતાનોમાં બે દીકરીઓ

પત્ની AWWA ના અધ્યક્ષ હતા, સંતાનોમાં બે દીકરીઓ

તેમના પત્ની મધુલિકા મધ્ય પ્રદેશના વતની હતા, જેઓ આર્મી વાઈવ્ઝ વેલ્ફેર એસોસિએશનના અધ્યક્ષ પણ હતા. આ ઉપરાંત તેઓ અનેક સામાજીક કાર્યો પણ કરતા હતા, ખાસ કરીને કેન્સર પીડિતો માટે તેઓ ઘણા વર્ષોથી કાર્યરત હતા. દંપતીને સંતાનોમાં બે દીકરી છે. જેમાંથી મોટી દીકરીના લગ્ન થોડા સમય પહેલા જ થયા હતા. આજની હેલિકોપ્ટર ક્રેશની દુર્ઘટનામાં જનરલ બિપીન રાવતના પત્ની મધુલિકા રાવતનું પણ દુઃખદ નિધન થયું છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top