Gujarat By Election: કડી-વિસવાદરમાં પેટાચૂંટણીનું મતદાન પૂરું, ચૂંટણી પંચે જગાવ્યું- કેટલું મતદાન નોંધાયું
Visavadar-Kadi Assembly By Election: ગુજરાતમાં આજે કડી અને વિસાવદર વિધાનસભા બેઠકો માટે પેટાચૂંટણીનું મતદાન છૂટી છવાઈ એકાદ ઘટનાને બાદ કરતાં શાંતિપૂર્ણ માહોલમાં પૂરું થઈ ગયું અને ઉમેદવારોનું ભવિષ્ય EVMમાં સીલ થઈ ગયું છે. રાજ્ય ચૂંટણી પંચે મતદાન પ્રક્રિયા સુચારુ અને સરળ બનાવવા માટે વિશેષ વ્યવસ્થા કરી હતી, જેના પરિણામે મોટી સંખ્યામાં મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. ચૂંટણી પંચના આંકડા મુજબ, સાંજે 5 વાગ્યા સુધીમાં વિસાવદર બેઠક પર 54.61 ટકા મતદાન થયું હતું, જ્યારે કડી વિધાનસભા બેઠક પર 54.49 ટકા મતદાન નોંધાયું હતું.
આ પેટાચૂંટણીમાં લોકશાહીના પર્વની એક અનોખી ઝલક જોવા મળી. કડી વિધાનસભા બેઠક પર એક વરરાજાએ પોતાની જાન પ્રસ્થાન થાય તે અગાઉ જ મતદાન કેન્દ્ર પર પહોંચીને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આ ઘટનાએ નાગરિક તરીકેની ફરજ નિભાવવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું અને અન્ય મતદારોને પણ પ્રેરણા આપી. કડી અને વિસાવદર બંને બેઠકો પર મતદાન પ્રક્રિયા ખૂબ જ શાંતિપૂર્ણ રહી, જેમાં મતદારોએ લોકશાહી પ્રત્યેની પોતાની શ્રદ્ધા અને જાગૃતિનો પરિચય કરાવ્યો. હવે સૌ કોઈની નજર મતગણતરી પર છે, જે આ બેઠકોના પરિણામો જાહેર કરશે.
મતદાન પૂર્ણ થયા બાદ સાંજે 6:00 વાગ્યે કોંગ્રેસના ઉમેદવાર રમેશ ચાવડા અને ભાજપના ઉમેદવાર રાજેન્દ્રસિંહ ચાવડા એક-બીજાને મળ્યા હતા. આ દરમિયાન બંને નેતાઓએ હાથ મળવ્યા હતા એક-બીજાને ટોણા માર્યા હતા કે કોણ જીતશે અને હારશે તે તો તેમને પહેલાથી જ ખબર છે. જોકે, આ ઘટનાથી બંને પક્ષના કાર્યકર્તાઓમાં નારાજગી જોવા મળી હતી. કેટલાક કાર્યકર્તાઓએ નેતાઓને રાજકારણ બંધ કરવા અને લોકોને હેરાન ન કરવા જણાવ્યું હતું, કારણ કે જો હાથ જ મળાવવાના જ હતા તો સવારે જ મળાવી લેવા જોઈતા હતા. આ મામલે લોકોએ પણ પોતાનો રોષ ઠાલવ્યો હતો.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp