સૌર ઉર્જાથી 45 હજાર કરોડ રૂપિયા બનાવનાર હિતેશ ચીમનલાલ દોશીએ આ રીતે કર્યો અબજોનો બિઝનેસ
Waaree Energies Limited IPO: હિતેશ ચીમનલાલ દોશીએ મહારાષ્ટ્રના નાનકડા ગામ ટૂંકીથી પોતાની યાત્રા શરૂ કરી હતી. વર્ષ 1985માં, તેણે એક સંબંધી પાસેથી 5,000 રૂપિયા ઉછીના લીધા અને તે પૈસાથી મુંબઈમાં હાર્ડવેર અને ઇલેક્ટ્રોનિક્સનો વ્યવસાય શરૂ કર્યો હતો. તેમાંથી કમાણી કરીને તેણે શ્રી ચિનાઈ કૉલેજ ઓફ કૉમર્સ એન્ડ ઈકોનોમિક્સમાં અભ્યાસ પૂરો કર્યો. આ શરૂઆત તેના માટે મોટી સફળતાનો પાયો સાબિત થઈ.
અભ્યાસ પૂરો કર્યા પછી, તેમણે 1.5 લાખ રૂપિયાની લોન લઈને પોતાનો પ્રથમ મેન્યૂફેક્ચરિંગ વ્યવસાય શરૂ કર્યો. આ વ્યવસાયમાં, પહેલા તેઓ પ્રેશર ગેજ, ઔદ્યોગિક વાલ્વ અને ગેસ સ્ટેશનના સાધનો બનાવતા હતા. બાદમાં એનર્જી સેક્ટરમાં આવેલા બદલાવને જોઈને તેમણે પાવર ઈક્વિપમેન્ટનો બિઝનેસ શરૂ કર્યો અને તેમને અમેરિકા અને યુરોપમાંથી મોટા ઓર્ડર મળ્યા.
દોશીએ 2007માં જર્મનીમાં એક વેપાર પ્રદર્શન દરમિયાન સૌર ઊર્જાની શક્યતા વિશે જાણ્યું. તેનાથી પ્રેરિત થઈને, તેમણે પોતાના થર્મલ સાધનોનો વ્યવસાય વેચીને સૌર ઉર્જા પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કર્યું અને વારી એનર્જીની સ્થાપના કરી. આ નામ તેમના ગામના વારી મંદિરથી પ્રેરિત છે અને તેમના મૂળ સાથે જોડાયેલા રહેવાનું પ્રતિક છે.
આજે વારી એનર્જીસ ભારતની સૌથી મોટી સોલર મોડ્યૂલ મેન્યૂફેક્ચરિંગ કંપની બની ગઈ છે, આ કંપનીની ઉત્પાદન ક્ષમતા 12,000 મેગાવૉટ છે. તાજેતરમાં, કંપનીના IPOમાંથી 514 મિલિયન ડૉલર એકત્ર કરવામાં આવ્યા છે, જેના કારણે દોશી પરિવારની સંપત્તિ અંદાજે 45,000 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. આ રકમ સાથે, તેઓ ઓડિશામાં 6 ગીગાવૉટ મેન્યૂફેક્ચરિંગ પ્લાન્ટ અને અમેરિકામાં સોલાર મોડ્યૂલ યુનિટ ખોલવાની યોજના બનાવી રહ્યા છે. હિતેશ દોશીની આ યાત્રા દર્શાવે છે કે કેવી રીતે સખત મહેનત અને દૂરદર્શિતાથી તેમણે સૌર ઉર્જા ક્ષેત્રે પોતાની ઓળખ બનાવી અને ભારતને ટકાઉ ભવિષ્ય તરફ લઈ જવામાં યોગદાન આપ્યું.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp