Pakistan: આગામી મહિને થવાનું છે મોટું વિરોધ-પ્રદર્શન, ઇમરાનના પુત્રોને મળી ચીમકી
Jemima slams Pakistan: પાકિસ્તાનનું રાજકારણ ફરી એકવાર ગરમાયું છે. પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N) સરકાર અને ઇમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (PTI) વચ્ચે ચાલી રહેલા તણાવમાં એક નવો વળાંક આવ્યો છે. પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનના પુત્રો સુલેમાન અને કાસિમને લઈને વિવાદ ઉભો થયો છે. PML-Nના નેતાઓએ ચીમકી આપી છે કે, જો તેઓ પાકિસ્તાન આવી ને કોઈપણ ‘હિંસક પ્રદર્શન’માં સામેલ થશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
આ ચીમકી એવા સમયે આવી છે જ્યારે PTIએ 5 ઓગસ્ટથી ‘ઇમરાન ખાન ફ્રી આંદોલન’ શરૂ કરવાની જાહેરાત કરી છે. આ દરમિયાન, ઇમરાન ખાનની બહેન અલીમા ખાને કહ્યું કે, તેના ભાઈના પુત્રો આ આંદોલનમાં સામેલ થવા માટે પાકિસ્તાન આવશે. પંજાબ સરકારના સૂચના મંત્રી આઝમા બુખારીએ કહ્યું કે, ‘ઇમરાન ખાનના પુત્રોને દેશમાં અરાજકતા ફેલાવવા દેવામાં નહીં આવે. જ્યારે ખાન ઇજાગ્રસ્ત થયા હતા ત્યારે તેમના પુત્રો પાકિસ્તાન કેમ ન આવ્યા? હવે અચાનક તેમને પાકિસ્તાન કેમ યાદ આવી રહ્યું છે?’
ઇમરાનની પૂર્વ પત્ની જેમીમા ગોલ્ડસ્મિથે સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેણે સોશિયલ મીડિયા પર લખ્યું છે કે, ‘મારા બાળકોને તેમના પિતા સાથે ફોન પર વાત કરવાની પણ મંજૂરી નથી. ઇમરાન ખાન છેલ્લા 2 વર્ષથી જેલમાં એકાંતવાસમાં છે. હવે સરકાર કહી રહી છે કે જો તેઓ પાકિસ્તાન આવશે તો તેમને પણ જેલમાં ધકેલી દેવામાં આવશે. આ રાજકારણ નહીં, પરંતુ વ્યક્તિગત દુશ્મનાવટ છે.’
આ મુદ્દે પર વડાપ્રધાનના સલાહકાર રાણા સનાઉલ્લાહે પણ ચીમકી આપી હતી કે, જો ઇમરાનના પુત્રો કોઈપણ પ્રદર્શનમાં જોડાશે તો તેમની ધરપકડ કરવામાં આવશે. ખૈબર પખ્તુનખ્વાના રાજ્યપાલ ફૈઝલ કરીમ કુંડીએ કહ્યું કે કાયદો દરેકને સમાન રીતે લાગુ પડે છે, પછી ભલે તે કોઈ પણ હોય.
PML-Nના સાંસદ ઇરફાન સીદ્દિકીએ નરમ વલણ અપનાવતા કહ્યું કે જો સુલેમાન અને કાસિમ શાંતિપૂર્ણ રીતે પોતાના પિતાના સમર્થનમાં વિરોધ કરવા માગતા હોય તો તેમને આવવા દેવા જોઈએ, પરંતુ જો તેઓ કાયદો તોડે છે તો કાયદો તેનું કામ કરશે. કાસિમ ખાને X પર પોસ્ટ કરીને કહ્યું કે તેમના પિતાને વકીલો, ડૉક્ટરો અને પરિવારને મળવાની મંજૂરી નથી. આ ન્યાય નહીં, પરંતુ લોકશાહી અને કાયદાના શાસનની હિમાયત કરનારા નેતાને તોડવાનો પ્રયાસ છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp