શું તમે જાણો છો, એક આયુર્વેદ વૈદ્ય પાસે ક્યારે અને શા માટે જવું જોઈએ?

શું તમે જાણો છો, એક આયુર્વેદ વૈદ્ય પાસે ક્યારે અને શા માટે જવું જોઈએ?

11/30/2020 Magazine

વૈદ્ય પાર્થ ઠક્કર
આયુર્ગાથા : આયુર્વેદની જાણી-અજાણી વાતો
વૈદ્ય પાર્થ ઠક્કર
MD (Ayurved), Ayurved Medical Officer, Class-II

શું તમે જાણો છો, એક આયુર્વેદ વૈદ્ય પાસે ક્યારે અને શા માટે જવું જોઈએ?

આપણે "આયુર્વેદમાં આમ હોય", આયુર્વેદના ગ્રંથોમાં આમ લખેલું છે" એવી વાતો કરતા હોઈએ અને સાંભળતા પણ હોઈએ છીએ. પણ આયુર્વેદના ડિગ્રીધારી ક્વોલિફાઇડ વૈદ્ય હોય, (જે શુદ્ધ આયુર્વેદ પ્રેક્ટિસ કરતા હોય) એમની પાસે શેના-શેના માટે જઇ શકાય, કઈ-કઈ એવી બાબતો છે જેમના માટે એમનું કન્સલ્ટેશન લઈ શકાય- એનાથી મોટાભાગના લોકો અજાણ હોય છે. મોટાભાગે એક જ પ્રકારના લોકો વૈદ્યને કન્સલ્ટ કરે છે, જે કોઈ જૂની કે ગંભીર બીમારીમાં સપડાયેલા હોય, ઘણા દુઃખી થયા હોય, બીજી અનેક જગ્યાઓએ, અનેક પ્રકારની દવાઓ કરી-કરીને થાકી ગયા હોય અને છેલ્લે "ચાલો, આયુર્વેદ સારવારનો પણ પ્રયત્ન કરી જોઈએ.." એવું વિચારીને કોઈ નિષ્ણાત વૈદ્ય પાસે ગયા હોય. એમાં પણ યોગ્ય અને સાચા વૈદ્ય પાસે જવું જરૂરી છે. અમુક ગ્રંથો વાંચીને બની બેઠેલા વૈદ્ય હોય કે રોડ પર બેઠેલા બાબાઓ હોય એમની પાસે સાચી આયુર્વેદ સારવાર નથી મળવાની. એમાં સ્ટીરોઇડની મિલાવટ કે અયોગ્ય દવા થવાનું જોખમ પણ રહે. એટલે જ્યારે તમે વૈદ્યને કન્સલ્ટ કરવાનું વિચારો છો ત્યારે સૌથી પહેલાં એ આયુર્વેદના ડિગ્રીધારક છે, અને શુદ્ધ આયુર્વેદ પ્રેક્ટિસ કરે છે એની પૂરતી ચકાસણી કરીને એ પછી જ કન્સલ્ટ કરવું.

 

હમણાં જ ધન તેરસ એટલે કે "રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ" ગયો. ધન તેરસ આયુર્વેદના ભગવાન ધન્વંતરિનો પ્રાગટ્ય દિવસ છે. એટલે રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી માટે કોઈ તારીખ નહીં, પણ ધન્વંતરિ જયંતિને પસંદ કરવામાં આવી છે. આ દિવસે આપણે વ્યક્તિમાત્રથી માંડીને સમગ્ર વિશ્વના ઉત્તમ સ્વાસ્થ્ય માટે ભગવાન ધન્વંતરિને પ્રાર્થના કરીએ છીએ. ધન તેરશ એ આરોગ્યની કામના માટેનો દિવસ છે.

તો આ વખતની ધન્વંતરિ જયંતિ જે 5 મા "રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ" તરીકે ઉજવાઇ એ નિમિત્તે મને વિચાર આવ્યો કે એક ક્વોલિફાઈડ વૈદ્ય પાસે તમે કઈ કઈ બાબતો માટે જઇ શકો અને કઈ કઈ બાબતોમાં આયુર્વેદ તમને અત્યંત મદદરૂપ થઇ શકે એનું થોડું વિહંગાવલોકન કરીએ. જે તમને જે-તે સમસ્યા કે હેતુ માટે ડિસીઝન લેવામાં કામ આવશે. તો જોઈએ 9 એવી બાબતો જેમાં તમે વૈદ્યને કન્સલ્ટ કરી આયુર્વેદથી લાભાન્વિત થઈ શકો :


(1) સિસ્ટમિક ડિસીઝ :

(1) સિસ્ટમિક ડિસીઝ :

આમ તો આયુર્વેદ રોગોની સારવારના વિવરણ પહેલાં "સ્વસ્થ કેમ રહી શકાય" એ સમજાવે અને શીખવાડે છે. પણ અત્યારે મોટા ભાગે થયેલા રોગની સારવાર માટે આયુર્વેદ તરફ નજર માંડવામાં આવતી હોય છે. આપણું શરીર વિવિધ તંત્રોને આધારે કાર્ય કરે છે. જેમકે શ્વસનતંત્ર, પાચનતંત્ર, રુધિરાભિસરણતંત્ર, પ્રજનનતંત્ર... વગેરે. આ પૈકી કોઈ પણ એક અથવા વધુ તંત્રમાં ખામી ઉદભવે, એને પરિણામે થતા રોગોને જે-તે તંત્રને લગતા રોગ – એટલે કે ‘સિસ્ટમિક ડિસીઝ’ તરીકે ઓળખવામાં આવે છે. શરીરના દરેક પ્રકારના સિસ્ટમિક રોગો માટે તમે વૈદ્યને કન્સલ્ટ કરી શકો. આયુર્વેદ સારવાર શરૂ કર્યા પછી તરત, થોડા જ સમયમાં શરીરની આંતરિક સ્થિતિમાં સુધારો અનુભવી શકશો. પછી જેમ જેમ સારવાર આગળ વધશે એમ તમારા વૈદ્ય નક્કી કરશે કે આગળ શું કરવું. પાચનતંત્ર, શ્વસનતંત્ર, ચેતાતંત્ર, પરિવહન તંત્ર, અંત:સ્ત્રાવી ગ્રંથિઓ, પ્રજનનતંત્ર, ચામડીના રોગો, હાડકાં-સાંધા-સ્નાયુઓના રોગો અને મળમાર્ગ-મૂત્રમાર્ગના રોગો- આ અને આવા અનેક સિસ્ટમિક રોગોમાં તમે વૈદ્યને કન્સલ્ટ કરી શકો છો.


(2) ગર્ભ સંસ્કાર :

(2) ગર્ભ સંસ્કાર :

આપણે કાર ખરીદવાની હોય, મોબાઈલ ખરીદવાનો હોય તો આપણે ઘણી બધી તપાસ અને તૈયારી કરીએ છીએ. પણ આપણે જે બાળક આપણા જીવનમાં લાવીએ છીએ અને આ વિશ્વને ભેટ આપીએ છીએ એના માટે કોઈ જ તૈયારી કે પ્લાનિંગ નથી કરતા હોતા. બાળકને જન્મ આપવો એ એક્સિડેન્ટલ ઘટના નહીં, પણ પૂરતા પ્લાનિંગથી કરવાનું કાર્ય છે. કોઈ પણ વસ્તુ આપણને અકસ્માતે-આકસ્મિક મળે, એની ગુણવત્તા કેવી હશે એ આપણા હાથમાં ન હોય. એ જેવી પણ હોય એ આપણે સ્વીકારવું પડે. જ્યારે પ્લાનિંગથી આપણે જે પણ વસ્તુ લાવીએ એની આપણે ધારતા અને ઇચ્છતા હોઈએ એવી ગુણવત્તા હોય એ શક્ય છે. ટૂંકમાં કહીએ તો "ચાઈલ્ડ બાય ચાન્સ" અને "ચાઈલ્ડ બાય ચોઇસ"- આ બંનેની શારીરિક-માનસિક-આધ્યાત્મિક ગુણવત્તામાં જમીન-આસમાનનો ફરક પડે. આ માટે આયુર્વેદ પાસે ઉત્કૃષ્ટ ગર્ભવિજ્ઞાન છે, જેની તૈયારી બાળકના પ્લાનિંગના વિચાર માત્રથી શરૂ થઈ જાય છે, અને ગર્ભાવસ્થાના વિવિધ સ્ટેજ પર, પહેલાથી લઈને નવમા સુધીના દરેક મહિનામાં શું કરવું-શું ખાવું પીવું- શું અને કેવું વિચરવું એનું ખૂબ જ વિશદ જ્ઞાન આયુર્વેદમાં છે. આ રીતે બાળકને દુનિયામાં લાવવું એક તપસ્યા છે. અને એ તપસ્યા કરી શકો તો એનો દેખીતો ફરક સ્વાસ્થ્ય, બુદ્ધિમત્તા અને મોટા થવાની પ્રક્રિયામાં તમારા બાળકમાં જોઈ શકશો. આ માટે ગર્ભવિજ્ઞાન પર જ પ્રેક્ટિસ કરતા સ્પેશ્યલ વૈદ્યો પણ હોય છે. તમારી આજુબાજુ અને નજીકમાં આવા સ્પેશ્યલિસ્ટ ન મળે તો પણ તમારી નજીકમાં જનરલ આયુર્વેદ પ્રેક્ટિસ કરતા વૈદ્ય પણ તમને આ માટે ચોક્કસ ગાઈડ કરી શકે.


(3) કૌમારભૃત્ય :

(3) કૌમારભૃત્ય :

આયુર્વેદમાં 0 (એટલે કે જન્મ)થી લઈને 16 વર્ષ સુધીના બાળકોના સ્વાસ્થ્ય માટેનું એક સવિશેષ અંગ છે "કૌમારભૃત્ય". તમારા બાળકનું સ્વાસ્થ્ય સારું રહે, બીજી દવાઓ ઓછામાં ઓછી લેવી પડે અને એ ઓછામાં ઓછું બીમાર પડે એ માટે શું કરવું એ માટે તમે વૈદ્યને કન્સલ્ટ કરી શકો છો. સામાન્ય રીતે ગર્ભવિજ્ઞાનની સ્પેશ્યલાઈઝ્ડ પ્રેક્ટિસ જ્યાં થતી હોય ત્યાં કૌમારભૃત્યની બાબતોનો પણ સાથે સમાવેશ થઈ જતો હોય છે અને એના અલગ નિષ્ણાતો પણ હોય છે.


(4) પંચકર્મ :

(4) પંચકર્મ :

પંચકર્મ અત્યારે આયુર્વેદનું સૌથી વધુ ખ્યાતિ પ્રાપ્ત અંગ છે. પણ એના વિશે પ્રાથમિક જાણકારીનો પણ અભાવ હોય છે. સામાન્ય ભાષામાં અમે દર્દીઓને જ્યારે પંચકર્મ માટે સમજાવતા હોઈએ છીએ ત્યારે દિવાળીની સફાઈ અને વાહનના સર્વિસિંગનું ઉદાહરણ આપતા હોઈએ છીએ. આપણું વાહન અમુક કિલોમીટર ચાલે કે અમુક સમય થાય એટલે એની સારી કાર્યક્ષમતા માટે આપણે સર્વિસ કરાવતા હોઈએ છીએ. બીજું આપણા ઘરમાં દરરોજ સફાઈ થતી જ હોય છે. પણ દિવાળી સમયે જ્યારે સફાઈ થાય ત્યારે ખૂણેખાંચરે રહેલો ઘણો બધો કચરો નીકળે છે. એ જ રીતે પંચકર્મમાં એવી ખાસ પ્રક્રિયાઓ છે જેનાથી શરીરમાં અંદર રહેલા જૂના કચરા અને ટોક્સિન્સ દૂર થાય અને શરીર હળવું ફૂલ લાગે. પંચકર્મ રોગ આધારિત પણ કરવી શકાય અને સ્વાસ્થ્યની જાળવણી માટે પણ કરવી શકાય. તમારી નજીકમાં સારું પંચકર્મ સેન્ટર આરામથી મળી રહેશે.


(5) સાયકોલોજીકલ ડિસીઝ :

(5) સાયકોલોજીકલ ડિસીઝ :

આયુર્વેદમાં વિવિધ માનસિક રોગોની ઉત્તમ સારવાર છે. તમે અન્ય દવાઓ લેતા હો તો પણ એની સાથે સાથે વૈદ્યને કન્સલ્ટ કરીને આયુર્વેદની સારવાર પણ ચાલુ રાખી શકો અને સ્વતંત્ર આયુર્વેદ સારવાર પણ લઇ શકો. આ રોગોમાં ધીરજ રાખીને સારવાર લેવી આવશ્યક છે પણ સારા પરિણામ પણ મળશે.


(6) સૌંદર્ય અને પર્સનલ હાઇજિન વિષયક બાબતો :

(6) સૌંદર્ય અને પર્સનલ હાઇજિન વિષયક બાબતો :

ત્વચા અને વાળની સારસંભાળ માટે આયુર્વેદમાં વિવિધ ઉપક્રમો અને દ્રવ્યો છે. આમાં હર્બલ શેમ્પુ, ફેસવોશ, ફેશિયલ એવું બધું અને આયુર્વેદના નામે ચાલતું સ્પા કલ્ચર નથી આવતું એ ખાસ ધ્યાન રાખવું. સાચા આયુર્વેદના સૌંદર્ય પ્રસાધનો અને એ માટેની પ્રક્રિયાઓ બને એટલા નેચરલ અને પ્રાકૃતિક હશે. ઉબટન, સ્નાન માટેના-વાળ માટેના દ્રવ્યો, શિયાળા-ઉનાળામાં વાતાવરણ પ્રમાણેના લેપ, ઋતુ અને પ્રકૃતિ મુજબના અલગ અલગ દાતણ, દંતમંજન, ત્વચા પર લગાવવાના લેપ - આવું ઘણું બધું આયુર્વેદમાં તમને મળશે.


(7) લાઈફસ્ટાઈલ મેનેજમેન્ટ :

(7)  લાઈફસ્ટાઈલ મેનેજમેન્ટ :

આ મોટા ભાગના લોકોને ખબર નથી હોતી, કે વૈદ્ય પાસે રોગ થયા પછી જ જવાય એવું ન હોય, એ તમારા અને તમારા પરિવારના લાઈફસ્ટાઈલ કોચ પણ બની શકે. અત્યારે તમે એકદમ સ્વસ્થ છો, તો આ સ્વાસ્થ્ય આજીવન મહત્તમ સારું રહે એ માટે તમારા રોજિંદા જીવનમાં શું કરવું જોઈએ, શું ટાળવું જોઈએ એની આખી ગાઈડલાઈન તમને તમારા વૈદ્ય આપશે. ઉત્તમ સ્વાસ્થ્ય માટે દિનચર્યા કેવી હોવી જોઈએ, દૈનિક જીવનમાં કઈ કઈ બાબતો સમાવી શકાય એ તમે એમની પાસે જાણી શકો. તમારા કાર્યક્ષેત્ર અને વ્યવસાય પરથી તમારી વ્યક્તિગત દિનચર્યા એમની પાસે બનાવડાવી શકો. આ ઉપરાંત દરેક ઋતુનો આપણા શરીર પર એક ચોક્કસ પ્રભાવ હોય છે. આ ઋતુ એટલે શિયાળો, ઉનાળો અને ચોમાસું એમ ત્રણ નહીં; પણ હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા અને શરદ- એમ છ ઋતુઓ. દરેક ઋતુમાં શું કરવું-શું ન કરવું, શું ખાવું-પીવું -શું ન ખાવું-પીવું અને કઈ રીતે રહેવું એનું બહુ ઊંડાણપૂર્વકનું વિવરણ આયુર્વેદની ઋતુચર્યામાં છે. આ દિનચર્યા-ઋતુચર્યાનું પાલન જેટલું મહત્તમ શક્ય હોય એટલું કરશો તો જરૂર લાંબું અને નિરોગી જીવન જીવી શકશો. આ બાબતોમાં વૈદ્ય કહે રીતે જીવવાનું થોડું થોડું શરૂ કરી તો જોજો, તરત જ એનર્જી લેવલમાં પ્રત્યક્ષ ફરક જરૂર અનુભવાશે.


(8) ડાયેટ મેનેજમેન્ટ :

(8) ડાયેટ મેનેજમેન્ટ :

આપણું શરીર આપણે જે ખોરાક ખાઈએ છીએ એમાંથી જ બને છે અને ટકે છે. ગર્ભાવસ્થા દરમ્યાન માતાએ ખાધેલો ખોરાક જ આપણા શરીરનો વિકાસ કરે છે. એટલે આયુર્વેદ આપણા શરીરની ગુણવત્તામાં આહારના મહત્વને ખૂબ સારી રીતે સમજે છે. ચરકસંહિતાના સૂત્રસ્થાનના 27 મા અધ્યાયનું નામ છે "अन्नपानविधि". એ અધ્યાયમાં વિવિધ ફળો, અનાજ, શાક, કઠોળ, વિવિધ પ્રાણીઓના દૂધ-ઘી-દહીં-છાશ-માખણ-મૂત્ર, વિવિધ તેલ-ઘી, મદ્ય, પાણી (વરસાદનું-નદીનું-તળાવનું-સરોવરનું-વિવિધ ભૂમિપ્રદેશોનું-વિવિધ ઋતુઓનું), ઇક્ષુવિકાર (શેરડી-ગોળ-ખાંડ), અનેક જાતના મદ્ય-સુરા, વિવિધ પ્રાણીઓના માંસ, રોજીંદી રસોઈ (એમાં ખીચડી, ભાત, સૂપ, સક્તુ, માલપુઆ-રોટલી-પૂરી તો ઠીક શ્રીખંડ પણ આવી જાય), બધા મસાલા અને એ સિવાય પણ ઘણી બધી વસ્તુઓના ગુણો અને શરીર પરની અસરોનું વર્ણન છે. આ એકલા અધ્યાયમાં કુલ 352 શ્લોક છે અને એક પણ શ્લોક કોઈ આડવાતનો નહીં, બધા પોઇન્ટ ટુ પોઇન્ટ. (આખી ભગવદ્ ગીતામાં કુલ 700 શ્લોક છે.) આહાર માટે આવા અધ્યાય પાછા દરેક સંહિતામાં છે. એટલે ક્યો અને કેવો આહાર તમારા માટે લેવો જરૂરી છે અને ક્યો ન લેવો જોઈએ એ તમારી અત્યારની પરિસ્થિતિ અને પ્રકૃતિઅનુસાર તમારા વૈદ્ય તમને કહી શકે.


(9) વૃદ્ધત્વની અવસ્થામાં :

(9) વૃદ્ધત્વની અવસ્થામાં :

આયુર્વેદની લાઈફસ્ટાઈલ ફોલો કરતા હોવ અને આયુર્વેદના રસાયન-તંત્ર પ્રમાણે વૈદ્યના માર્ગદર્શન અનુસાર અમુક દ્રવ્યો કે પ્રક્રિયાઓ ફોલો કરી હોય તો વૃદ્ધત્વના લક્ષણો મોડા આવે અને બને એટલા ઓછા આવે. પણ યુવાનીમાં એ નથી કરી શક્યા તો પણ ડોન્ટ વરી, વૈદ્યને કન્સલ્ટ કરીને તમારી ઉંમર પ્રમાણે સારું સ્વાસ્થ્ય રહે એ માટે એમનું માર્ગદર્શન મેળવી શકો છો.

 

***   ***   ***

 

આપણું આયુર્વેદનું જ્ઞાન માત્ર રોગો પૂરતું સીમિત નથી. એ જીવનની દરેક અવસ્થા અને દરેક પરિસ્થિતિમાં ઉત્તમ સ્વાસ્થ્ય સાથે મહત્તમ લાંબું જીવવામાં તમને અત્યંત મદદરૂપ થઇ શકે એમ છે. ઉપર કહી એ બાબતોથી જીવનમાં સૂક્ષ્મ સ્તરે નાના નાના ફેરફારો થઈને સરવાળે ઉત્કૃષ્ટ જીવનનો અનુભવ મેળવી શકાય છે. આયુર્વેદનું જે પોટેન્શિયલ છે, એને બને એટલું વધારે યુટિલાઈઝ કરીએ. અને આની શરૂઆત એક પ્રજા તરીકે આપણે જ કરીએ.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top