યુપી ચૂંટણી : સીએમ યોગી આદિત્યનાથ અયોધ્યાથી ચૂંટણી લડી શકે, અંતિમ નિર્ણય પીએમ મોદી લેશે

યુપી ચૂંટણી : સીએમ યોગી આદિત્યનાથ અયોધ્યાથી ચૂંટણી લડી શકે, અંતિમ નિર્ણય પીએમ મોદી લેશે

01/12/2022 Politics

SidhiKhabar

SidhiKhabar

યુપી ચૂંટણી : સીએમ યોગી આદિત્યનાથ અયોધ્યાથી ચૂંટણી લડી શકે, અંતિમ નિર્ણય પીએમ મોદી લેશે

પોલિટીકસ ડેસ્ક: દેશનાં સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશની વિધાનસભા ચૂંટણી અધિકારીક રીતે જાહેર થઇ ચૂકી છે અને તેની સાથે રાજનીતિક પક્ષોએ પણ કમર કસી છે. એક તરફ ભારતીય જનતા પાર્ટી પોતાનો કિલ્લો બચાવી રાખવા માટે લડી રહી છે તો બીજી તરફ સમાજવાદી પાર્ટી અન્ય સ્થાનિક નાના પક્ષોને સાથે રાખીને ભાજપનો કિલ્લો ધ્વસ્ત કરવાની ફિરાકમાં છે. 

યુપી વિધાનસભા ચૂંટણીનાં પ્રચાર અને અન્ય ગતિવિધિ વચ્ચે એક પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે કે સીએમ યોગી આદિત્યનાથ પોતે ક્યાંથી ચૂંટણી લડશે. આ પહેલા કહેવામાં આવી રહ્યું હતું કે તેઓ મથુરાથી ચૂંટણી લડી શકે છે, પરંતુ હવે તાજા અહેવાલો જણાવી રહ્યા છે કે પાર્ટી તેમને રામનગરી અયોધ્યાથી ચૂંટણીમાં ઉતારવા જઈ રહી છે. 

દિલ્હીમાં ચાલતી ભાજપની ઉચ્ચ સ્તરીય બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું કહેવાય છે. હિંદુત્વને લઈને પાર્ટીની ચૂંટણી રણનીતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો હોય શકે તેવું અનુમાન છે. જોકે, યોગી આદિત્યનાથ અયોધ્યાથી ચૂંટણી લડશે કે નહીં તે અંગે અંતિમ નિર્ણય CEC બેઠકમાં પીએમ નરેન્દ્ર મોદી લેશે. 

પાર્ટીની સ્થાપના સમયથી અયોધ્યા ભાજપ માટે મહત્વનો મુદ્દો રહ્યો છે. રામમંદિરનો મુદ્દો પાર્ટી માટે દરેક ચૂંટણીમાં મુખ્ય એજન્ડા રહેતો હતો. જોકે, હવે મંદિર નિર્માણનું કામ ચાલી રહ્યું છે ત્યારે પાર્ટી અહીંથી સીએમ યોગીને ઉતારીને પોતાના કોર વોટરોને એક સંદેશ પણ આપી શકે છે. કારણ કે રામમંદિરનો મુદ્દો હિંદુઓ માટે પહેલેથી જ ભાવનાત્મક રહ્યો છે. 

યોગી આદિત્યનાથ વર્ષોથી રામમંદિર આંદોલનનો ભાગ રહ્યા છે. આ બેઠક પર તેમને વિશેષ લગાવ છે તો સ્થાનિક લોકો પણ ઈચ્છે છે કે મુખ્યમંત્રી તેમના વિસ્તારનું પ્રતિનિધિત્વ કરે. જોકે, આ અંગે અંતિમ નિર્ણય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપની કોર કમિટી જ લેશે. 

અયોધ્યા વિધાનસભા બેઠકની વાત કરવામાં આવે તો અહીં 2017 માં ભાજપના વેદ પ્રકાશ ગુપ્તા વિજેતા બન્યા હતા. હજુ પણ આ ક્ષેત્રમાં તેમનો દબદબો યથાવત છે. સાત તબક્કાના મતદાનમાં અયોધ્યામાં પાંચમા તબક્કામાં મતદાન થશે. જે 27 ફેબ્રુઆરીનાં રોજ યોજાશે. જો સીએમ યોગી આદિત્યનાથ અહીંથી ચૂંટણી લડે તો સમાજવાદી પાર્ટી માટે આ બેઠક પર લડવું મુશ્કેલ થઇ પડશે. કારણ કે આ બેઠક પર પહેલેથી જ હિંદુવાદી લહેર જોવા મળી છે, અને જો સીએમ યોગી ચૂંટણી લડે તો એકપક્ષીય મુકાબલો થઇ પડશે. 

અયોધ્યા ઉપરાંત મથુરા અને ગોરખપુર બેઠકો પણ એવી છે જ્યાંથી સીએમ યોગી ચૂંટણી લડે તેવી સંભાવના જોવામાં આવી રહી છે. મથુરા ઉપર ભાજપ અને યુપી સરકાર પહેલેથી જ વધુ ધ્યાન આપી રહી છે તો ગોરખપુર એ બેઠક છે જ્યાંથી યોગી આદિત્યનાથ પાંચ વખત લોકસભા ચૂંટણી જીતીને આવ્યા છે. તેમજ તેઓ ગોરખપુરના મઠના મઠાધિપતિ પણ છે. 

પોતે ક્યાંથી વિધાનસભા ચૂંટણી લડશે તેવા પ્રશ્નના જવાબમાં સીએમ યોગીએ અગાઉ કહ્યું હતું કે પાર્ટી તેમને જ્યાંથી કહેશે ત્યાંથી વિધાનસભા ચૂંટણી લડશે. પાર્ટી તેમને અયોધ્યાથી ઉતારવા જઈ રહી હોવાનું હાલ સૂત્રો જણાવી રહ્યા છે પરંતુ અધિકારીક જાહેરાત થયા બાદ જ સ્પષ્ટ થઇ શકશે.

તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top