3 Indians Kidnapped by Al Qaeda-Linked Terror Group: આ દેશમાં અલ-કાયદા સાથે જોડાયેલા આતંકીઓએ 3 ભારતીયોનું કર્યું અપહરણ, ચાલી રહ્યું છે રેસ્ક્યૂ ઓપરેશન
Mali News: માલીમાં એક સિમેન્ટ ફેક્ટરીમાં કામ કરતા 3 ભારતીય નાગરિકોનું અલ-કાયદા સાથે જોડાયેલા આતંકવાદીઓ દ્વારા અપહરણ કરવામાં આવ્યું છે. એક અહેવાલ મુજબ, અધિકારીઓએ ગુરુવારે આ વાતની પુષ્ટિ કરી છે. પશ્ચિમ આફ્રિકન દેશ માલીના ઘણા ભાગોમાં શ્રેણીબદ્ધ આતંકવાદી હુમલાઓ થયા છે. આ દરમિયાન, ભારતીય નાગરિકોનું અપહરણ કરવામાં આવ્યું હતું. આ અંગે ચિંતા વ્યક્ત કરતા ભારતે માલી સરકારને તેમની મુક્તિ સુનિશ્ચિત કરવા જણાવ્યું છે.
ભારતીયોના અપહરણ બાદ, ભારતે માલી સરકારને તેમની સુરક્ષા અને વહેલી મુક્તિ સુનિશ્ચિત કરવા માટે તમામ જરૂરી પગલાં લેવા કહ્યું. વિદેશ મંત્રાલય (MEA)એ કાયેસ સ્થિત ડાયમંડ સિમેન્ટ ફેક્ટરીમાં કામ કરતા ભારતીયોના અપહરણ અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી. વિદેશ મંત્રાલયે કહ્યું કે, ‘આ ઘટના 1 જુલાઈના રોજ બની હતી, જ્યારે હુમલાખોરોના એક જૂથે ફેક્ટરી પરિસરમાં હુમલો કર્યો અને 3 ભારતીય નાગરિકોને બળજબરીથી બંધક બનાવ્યા.
અલ-કાયદા સાથે જોડાયેલા જમાત નુસરત અલ-ઇસ્લામ વલ-મુસ્લિમીન (JNIM)એ મંગળવારે હુમલાઓની જવાબદારી સ્વીકારી હતી, પરંતુ અપહરણ અંગે કોઈએ પ્રતિક્રિયા આપી નથી. ભારત આ અંગે માલી સરકાર સાથે સતત સંપર્કમાં છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં માલીમાં ઘણા આતંકવાદી હુમલાઓ થયા છે. 1 જુલાઈના રોજ થયેલા આ આતંકવાદી હુમલા અગાઉ, ગયા વર્ષે 17 સપ્ટેમ્બરના રોજ બમાકોમાં ઘણી જગ્યાએ હુમલો થયો હતો. AFP ન્યૂઝ એજન્સીના સમાચાર મુજબ, આ હુમલામાં 77 લોકોએ જીવ ગુમાવ્યા હતા. તો 200 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ અગાઉ 7 સપ્ટેમ્બર 2023ના રોજ, ટિમ્બક્ટુ નજીક નાઇજર નદીમાં એક બોટ પર હુમલો કરવામાં આવ્યો હતો. US ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના રિપોર્ટ મુજબ, આ હુમલામાં 74 લોકો માર્યા ગયા હતા. તેમાં 49 નાગરિકોનો સમાવેશ થાય છે, તો 20 હુમલાખોરો અને બોટની સુરક્ષા ટીમના લોકો હતા.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp