Trump Tariff: ટ્રમ્પે ભારત પર કાઢ્યો રશિયાનો ગુસ્સો! લગાવ્યો 25 ટકા ટેરિફ, દંડની પણ કરી જાહેરાત; ભારત સરકારની પણ આવી પ્રતિક્રિયા
Trump Tariff: અમેરિકાએ ભારત પર 25 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. આ સાથે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ 1 ઑગસ્ટથી ભારત પર દંડ લાદવાની જાહેરાત કરી છે, પરંતુ તેમણે આ દંડ કેટલો હશે અને શા માટે લાદવામાં આવશે તે જણાવ્યું નથી. ટ્રમ્પે કહ્યું કે અમેરિકાને ભારત સાથેના વેપારમાં નુકસાન થયું છે. આ ઉપરાંત ટ્રમ્પે એમ પણ કહ્યું કે, ભારત રશિયા પાસેથી વધુ તેલ અને હથિયાર પણ ખરીદે છે. હવે બંને દેશો વચ્ચે બધું બરાબર નથી અને એટલે ભારત પર 25 ટકા ટેરિફ લાદવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું કે, ભારત ચીન સાથે પણ વેપાર કરે છે અને આપણા કરતા વધુ ટેરિફ વસૂલ કરે છે. ગત વર્ષોમાં ભારત સાથેના વેપારમાં પણ ઘટાડો થયો છે.
ટ્રમ્પે ટ્રૂથ સોશિયલ પોસ્ટમાં લખ્યું કે, ‘જોકે ભારત અમારો મિત્ર છે, અમે છેલ્લા કેટલાક વર્ષોમાં તેમની સાથે પ્રમાણમાં ઓછો વેપાર કર્યો છે કારણ કે તેમના ટેરિફ ખૂબ વધારે છે, દુનિયામાં સૌથી વધુ છે અને તેમની પાસે કોઈપણ દેશ કરતા સૌથી કડક અને અપ્રિય બિન-નાણાકીય વેપાર પ્રતિબંધો છે. તેઓ હંમેશાં રશિયા પાસેથી તેમના લશ્કરી ઉપકરણોનો મોટો હિસ્સો ખરીદે છે અને ચીન સાથે, તેઓ રશિયા પાસેથી ઊર્જાના સૌથી મોટા ખરીદદારો છે, એટલે દરેક ઇચ્છે છે કે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ સમાપ્ત થાય અને રશિયા હત્યાઓ રોકે. બધું બરાબર નથી.’
આ અગાઉ ટ્રમ્પે કહ્યું હતું કે ભારત સાથે વેપાર ડીલને અત્યાર સુધી અંતિમ રૂપ આપ્યું નથી. તેમણે 1 ઑગસ્ટની સમય સીમા અગાઉ ઊંચા ટેરિફની ચેતવણી આપી હતી. ટ્રમ્પે એર ફોર્સ વન પર પત્રકારોને જણાવ્યું હતું કે, ‘ભારત એક સારો મિત્ર રહ્યો છે, પરંતુ ભારતે મૂળભૂત રીતે લગભગ કોઈપણ અન્ય દેશ કરતા વધુ ટેરિફ લાદ્યા છે. આ સિલસિલો હવે સમાપ્ત થશે.
બીજી તરફ ભારતીય અધિકારીઓનું કહેવું છે કે ભારત ઑગસ્ટના મધ્યમાં અમેરિકા સાથે વ્યાપક વેપાર વાટાઘાટો ફરી શરૂ કરવાની યોજના બનાવી રહ્યું છે. એક અમેરિકન પ્રતિનિધિમંડળ ભારતની યાત્રાએ આવવાનું છે. એવી અપેક્ષા છે કે ઓક્ટોબર સુધીમાં એક વ્યાપક દ્વિપક્ષીય વેપાર ડીલ થઈ જશે. એક અધિકારીએ કહ્યું કે, ‘વાટાઘાટો સારી રીતે આગળ વધી રહી છે. ટ્રમ્પ સૌથી ખરાબ પરિસ્થિતિમાં ટેરિફ ઓર્ડર જાહેર કરી શકે છે. પરંતુ, અમે માનીએ છીએ કે આ એક અસ્થાયી ઉપાય હશે, કારણ કે અત્યાર સુધીમાં વેપાર વાટાઘાટોના 5 રાઉન્ડ થયા છે. ટૂંક સમયમાં એક કરાર થશે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય સામાન પર 25% ટેરિફ લાદવાની જાહેરાત કર્યાના કલાકો બાદ, ભારત સરકારે કહ્યું કે, અમેરિકા સાથે વેપાર વાટાઘાટો ચાલુ રાખતા ખેડૂતો, ઉદ્યોગસાહસિકો અને MSMEના હિતોનું રક્ષણ કરવા માટે મજબૂત પગલાં ઉઠાવશે,. સરકાર આપણા ખેડૂતો, ઉદ્યોગસાહસિકો અને MSMEના હિતોની રક્ષા અને સંવર્ધનને સૌથી વધુ મહત્ત્વ આપે છે. સરકાર આપણા રાષ્ટ્રીય હિતોનું રક્ષણ કરવા માટે તમામ જરૂરી પગલાં લેશે, જેમ કે બ્રિટન સાથે આર્થિક અને વેપાર કરાર સહિત અન્ય વેપાર કરારોના કિસ્સામાં કરવામાં આવ્યું છે. વિદેશી ખેલાડીઓ માટે પોતાના બજાર ખોલવાની સાથે, તે સ્થાનિક ખેલાડીઓના હિતોનું રક્ષણ કરવા માટે પણ સંવેદનશીલ છે. એટલે, ભારતે બ્રિટન સાથેના તાજેતરના મુક્ત વેપાર કરારનો ઉલ્લેખ કર્યો.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp