સુરતમાં બની મામા-ભાણેજના સંબંધને શર્મસાર કરતી ક્રૂર હત્યાની ઘટના, આરોપીએ કરેલ કાંડ જાણી હૃદય કંપી ઉઠશે!
સુરત શહેરમાંથી કાળજું કંપાવતો હત્યાનો મામલો સામે આવ્યો છે. આ સનસનાટી ભર્યા બનાવે મામા-ભાણેજના સંબંધને શર્મસાર કરી દીધો છે. ધંધાની અદાવતને લઈને મામા મોહમ્મદ ઈતેકાર વાજીએ પોતાના 25 વર્ષીય ભાણેજ અમીર આલમની ક્રૂરતા પૂર્વક હત્યા કરી નાખી. સિલાઈ મશીનનું સંયુક્ત ખાતું ધરાવતા મામા-ભાણેજના સંબંધોમાં ધંધાકીય હિસાબને લઈને આ કરુણ અંત આવ્યો છે.
તપાસની માહિતી મુજબ, મૂળ બિહારના વતની મામા મોહમ્મદ ઈતેકાર વાજી અને ભાણેજ અમીર આલમ છેલ્લા 15 વર્ષથી સુરતમાં રહેતા હતા. બંને છેલ્લા બે વર્ષથી સિલાઈ મશીનનું ભાગીદારીમાં કારખાનું ચલાવતા હતા. એક મહિના પહેલા જ ભાગીદારીમાંથી અલગ થઈ જતા આરોપી મામાએ મૃતક અમીર આલમને હિસાબ કરવા જણાવ્યું હતું. પરંતુ અમીર આલમએ આનાકાની કરતાં બંને વચ્ચે ઝઘડો થતો હતો.
આ જ કારણે મામા મોહમ્મદ ઈતેકારે ઘાતકી કૃત્ય કરવાનું નક્કી કર્યું. મામાએ ભાણેજની હત્યા કરવા પહેલાં સતત એક મહિના સુધી સર્ચ કર્યું હતું. અને મોકો જોઈ ભાણેજ અમીર આલમ ઘરમાં ઊંઘી રહ્યો હતો, ત્યારે મામાએ હથોડા વડે તેના પર હુમલો કર્યો. આ હુમલામાં ભાણેજનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. હત્યા કર્યા બાદ મામાએ બીજા દિવસે ઘરના જ બાથરૂમમાં ભાણેજ અમીર આલમની લાશના પાંચ ટુકડા કર્યા હતા. આ ટુકડાઓને એક પોટલામાં બાંધીને ઘર પાસે આવેલી ખાડીમાં ફેંકી દીધા હતા.
મૃતક અમીર આલમ ત્રણ દિવસથી ઘરે નહીં આવતા તેના નાના ભાઈએ ઉધના પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ નોંધાયાની જાણ થતાં જ આરોપી મામા મોહમ્મદ ઈતેકાર પોતાનો મોબાઈલ બંધ કરીને ભાગી ગયો હતો. પોલીસને મામા પર શંકા જતાં તેમણે તપાસના ચક્રો ગતિમાન કર્યા અને આરોપી મામાને ઉધના વિસ્તારમાંથી ઝડપી પાડ્યો. પોલીસની પૂછપરછમાં મામા મોહમ્મદ ઈતેકારે સમગ્ર હત્યાકાંડની કબૂલાત કરી હતી. ઉધના પોલીસે ફાયર વિભાગના જવાનોને સાથે રાખીને ખાડીમાં મૃતક અમીર આલમના શરીરના ટુકડાઓની શોધખોળ હાથ ધરી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp