સવાર સવારમાં આ દેશમાં આવ્યો જોરદાર ભૂકંપ, રિક્ટર સ્કેલ પર હતી 6.9 તીવ્રતા, ત્સુનામી એલર્ટ
Papua New Guinea: છેલ્લા કેટલાક સમયથી સતત ભૂકંપના સમાચાર સામે આવી રહ્યા છે. ગઇકાલે રાત્રે નેપાળમાં ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. તો અમેરિકાના જિયોલોજિકલ સર્વે અનુસાર, શનિવારે સવારે (5 એપ્રિલ) સવારે ન્યૂ બ્રિટન આઇલેન્ડના દરિયાકાંઠે 6.9ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. તો, ન્યૂ બ્રિટન આઇલેન્ડના દરિયાકાંઠે આવેલા ભૂકંપ બાદ હવે પાપુઆ ન્યૂ ગિની માટે ત્સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી છે. આ જોરદાર ભૂકંપનું કેન્દ્ર પૃથ્વીની 10 કિલોમીટરની ઊંડાઈએ હતું, જે સ્થાનિક સમય મુજબ સવારે 6.04 વાગ્યે કિમ્બેથી લગભગ 194 કિલોમીટર દક્ષિણ-પૂર્વમાં આવ્યું હતું.
યુએસ પેસિફિક ત્સુનામી વોર્નિંગ સેન્ટરે જણાવ્યું હતું કે, ત્સુનામીના મોજા 1-3 મીટર સુધી ઉછળે તેવી આશંકા છે. આ સિવાય સોલોમન આઇલેન્ડ પર પણ ત્સુનામીના નાના મોજા ઉછળવાની સંભાવના છે. ત્સુનામીની ચેતવણી બાદ જણાવવામાં આવ્યું હતું કે ન્યૂ બ્રિટન આઇલેન્ડ પર 6.9ની તીવ્રતાના ભૂકંપના લગભગ 30 મિનિટ બાદ આ જ વિસ્તારમાં ફરીથી બીજો ઝટકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર આ ઝટકાની તીવ્રતા 5.3 માપવામાં આવી હતી. ન્યૂ બ્રિટન આઇલેન્ડ પર લગભગ 5 લાખ લોકો રહે છે. જોરદાર ભૂકંપના ઝટકા બાદ અત્યાર સુધી કોઈ નુકસાનના સમાચાર નથી.
ઓસ્ટ્રેલિયાના બ્યૂરો ઓફ મેટ્રોલોજીએ કહ્યું કે, પાપુઆ ન્યૂ ગિનીના નજીકના પાડોશીમાં ત્સુનામીનું કોઈ જોખમ નથી. તો, ન્યૂઝીલેન્ડ માટે હજુ સુધી કોઈ ચેતવણી જાહેર કરવામાં આવી નથી. પાપુઆ ન્યુ ગિની પેસિફિક રિંગ ઓફ ફાયર પર સ્થિત છે, જે વારંવાર ભૂકંપ જેવી ગતિવિધિઓ માટે પ્રસિદ્વ છે. આ વિસ્તારમાં ધરતીકંપ અને ભૂસ્ખલન જેવી મોટી સંખ્યામાં ગતિવિધિઓ થવી સામાન્ય બાબત છે.
28 માર્ચ (શુક્રવારે) ભારતના પાડોશી દેશ મ્યાનમારમાં 7.7 અને 6.4ની તીવ્રતાના 2 ભયાનક ભૂકંપ આવ્યા હતા. આ ભૂકંપના કારણે દેશમાં તબાહી મચી ગઈ છે. આ ભયાનક ભૂકંપના કારણે મ્યાનમારમાં મૃત્યુઆંક 3,000ને પાર થઇ ગયો છે, હજારો લોકો ઇજાગ્રસ્ત થયા છે અને સેંકડો લોકો હજુ પણ ગાયબ છે. તો, આ ભૂકંપની અસર મ્યાનમારના પાડોશી દેશ થાઈલેન્ડમાં પણ જોવા મળી હતી. આ ભૂકંપના કારણે થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં ભારે તબાહી મચી ગઈ હતી. ઘણા લોકો મૃત્યુ પામ્યા હતા.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp