જલદી જ ભારત લાવવામાં આવશે 26/11ના માસ્ટરમાઇન્ડ તહવ્વુર રાણાને? દિલ્હી-મુંબઈમાં સુરક્ષા વધારાઈ, અજીત ડોભાલ..
Tahawwur Rana: 26/11ના મુંબઈ આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ તહવ્વુર રાણાને શક્ય તેટલી વહેલી તકે ભારત લાવી શકાય છે. ભારતને આ મામલે મોટી સફળતા મળવાની અપેક્ષા છે. હાલમાં રાણાના આત્મસમર્પણ માટે, ભારતની ઘણી એજન્સીઓની ટીમો અમેરિકામાં ઉપસ્થિત છે અને પ્રક્રિયા પૂર્ણ કરી રહી છે. અજીત ડોભાલ પણ આ અંગે પળે-પળની માહિતી લઇ રહ્યા છે અને દિલ્હી-મુંબઇમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. તહવ્વુર રાણા પર 2008ના મુંબઈ હુમલામાં સંડોવણીનો આરોપ છે, જેમાં 166 લોકોએ જીવ ગુમાવ્યા હતા. ભારત લાંબા સમયથી તેના પ્રત્યાર્પણની માગ કરી રહ્યું હતું.
તહવ્વુર રાણા ISI અને લશ્કર-એ-તૈયબાનો સભ્ય છે. રાણાને ડેવિડ કોલમેન હેડલીનો ખાસ માનવામાં આવે છે. હુમલા અગાઉ તહવ્વુર અને હેડલી વચ્ચે ઘણી બેઠકો થઈ હતી. ડેવિડ કોલમેન હેડલીએ અમેરિકન તપાસ એજન્સીઓને આપેલા નિવેદનમાં તહવ્વુરનું નામ લીધું હતું. ડેવિડ કોલમેન હેડલી જ એ આતંકવાદી છે, જે હુમલા અગાઉ મુંબઈ આવ્યો હતો અને તાજ હોટલ, ચાબડ હાઉસ, લિયોપોલ્ડ કાફે સહિત મુંબઈના ઘણા મહત્ત્વપૂર્ણ સ્થળોની રેકી કરી હતી. બાદમાં, ISI અને પાકિસ્તાની સેના દ્વારા તાલીમ પામેલા આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના આતંકવાદીઓએ મુંબઈમાં તાજ હોટેલ, બાર, રેસ્ટોરાં અને ચબાડ હાઉસ સહિત અનેક સ્થળોએ હુમલો કર્યો.
તહવ્વુરે ઘણી વખત ડેવિડ હેડલી સાથે મુલાકાત કરી હતી. તહવ્વુરે હેડલી માટે નકલી વિઝા બનાવડાવ્યા હતા. આતંકવાદી ડેવિડ હેડલીને નકલી વિઝા એટલે આપવામાં આવ્યા હતા જેથી તે ભારતમાં નકલી બિઝનેસ કરે, પરંતુ તેનો ખરો હેતુ હુમલા પહેલા રેકી કરવાનો હતો. તહવ્વુરને મુંબઈમાં શું થવાનું છે તે ખૂબ સારી રીતે ખબર હતી.
ભારતમાં તહવ્વુર વિરુદ્ધ દાખલ કરાયેલી ચાર્જશીટ મુજબ, રાણા 26 નવેમ્બરના રોજ થયેલા હુમલા અગાઉ મુંબઈના પવઈમાં એક હોટલ (રેનેસાં)માં બે દિવસ માટે રોકાયો હતો. તહવ્વુર રાણા 11 નવેમ્બર 2008ના રોજ ભારત આવ્યો અને 21 નવેમ્બર સુધી ભારતમાં રહ્યો. આ દરમિયાન, તે 2 દિવસ પવઈની એક હૉટલમાં રહ્યો.
તહવ્વુરે જ પાકિસ્તાની-અમેરિકન આતંકવાદી ડેવિડ કોલમેન હેડલી માટે નકલી દસ્તાવેજોના માધ્યમથી ભારતીય ટૂરિસ્ટ વિઝા મેળવવામાં મદદ કરી હતી. મુંબઈ હુમલાની પ્લાનિંગ દરમિયાન હેડલી અને રાણા વચ્ચે ઈ-મેલના માધ્યમથી થયેલી વાતચીત પણ એજન્સીને મળી હતી. તહવ્વુર અને હેડલી વચ્ચે ઈ-મેલ દ્વારા વાતચીત થઈ હતી, જેમાં હેડલીએ પાકિસ્તાની આર્મી (ISI)ના મેજર ઈકબાલનું ઈ-મેલ ID માગ્યું હતું. મેજર ઇકબાલ પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI સાથે સંકળાયેલો છે. કારણ કે 26/11ના આતંકવાદી હુમલા પાછળ ISIનું કાવતરું હતું. ભારતીય એજન્સીઓએ તહવ્વુર અને કોલમેન હેડલી સાથે મેજર ઇકબાલ પર પણ આરોપી બનાવ્યો છે. મુંબઈ હુમલાનો આરોપી અને ભારતનો વોન્ટેડ તહવ્વુર રાણા, જે પાકિસ્તાની સેનામાં ડૉક્ટર તરીકે સેવા આપી ચૂક્યો છે, તે હાલમાં લોસ એન્જલસ જેલમાં બંધ છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp