'જય શ્રીરામ' કહેવા બદલ બાળકો પાસે માફીપત્ર લખાવનાર શાળાએ આખરે માફી માંગવી પડી!
વાપી: સામાન્ય રીતે વ્યવહારમાં લોકો 'જય માતાજી' કે 'જય શ્રીરામ' જેવા સંબોધનોનો ઉપયોગ કરતા હોય છે. જેમાં કશું ખોટું કે ગેરકાયદે નથી પરંતુ વાપીની એક શાળાએ વિદ્યાર્થીઓને ખાલી 'જય શ્રીરામ' બોલવા બદલ સજા કરી હતી અને કાઢી મૂકવાની ધમકી આપીને તેમની પાસે માફીપત્ર પણ લખાવ્યાં હતાં. જોકે, ભારે વિરોધ બાદ શાળાની શાન ઠેકાણે આવતા સંચાલકોએ લેખિતમાં માફી માંગવી પડી હતી.
વાપી ચાણોદની સેન્ટ મેરી સ્કૂલમાં ધોરણ નવમાં ભણતા બે વિદ્યાર્થીઓએ એકબીજાને 'જય શ્રીરામ' કહીને સંબોધન કર્યું હતું. જે બાદ શાળાની શિસ્તતા સબંધિત સમિતિના અધ્યક્ષે વિદ્યાર્થીઓને બોલાવીને માફીપત્ર લખાવી લીધું હતું. એટલું જ નહીં પરંતુ તેઓ આમ નહીં કરે તો શાળામાંથી કાઢી મૂકવાની પણ ધમકી આપી હતી. જે બાબતની જાણ વાલીઓને થતાં વિવાદનો મધપૂડો છંછેડાયો હતો.
આ મામલે વલસાડ જીલ્લા વિશ્વ હિંદુ પરિષદ અને અન્ય હિંદુ સંગઠનોને જાણ થતા વિહિપ અને બજરંગ દળનાં કાર્યકરો શાળાએ પહોંચ્યા હતા અને 'જય શ્રીરામ' બોલવા બદલ બાળકો પર માફીપત્ર લખાવવા મામલે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો, જે બાદ માહોલ ગરમાયો હતો અને શાળા સંચાલકોને શાન ઠેકાણે આવતા વિવાદનો અંત લાવવાનું કહીને લેખિતમાં માફી માંગી લીધી હતી.
પોલીસની હાજરીમાં શાળા સંચાલકો, વાલીઓ અને હિંદુ સંગઠનોનાં કાર્યકરો વચ્ચે મળેલી બેઠકમાં શાળા સંચાલકોએ ભૂલ સ્વીકારી હતી અને વાલીઓને સંબોધીને શાળાના લેટરહેડ ઉપર લેખિતમાં માફી માંગી હતી.
જોકે, આ પહેલીવાર નથી જ્યારે શાળા વિવાદમાં આવી હોય. અગાઉ પણ આ શાળામાં શ્રાવણ મહિનામાં કે હિંદુ ધર્મના તહેવારોમાં વિદ્યાર્થીઓ મહેંદી લગાવીને આવે કે વિદ્યાર્થીઓનાં માથે તિલક કે હાથમાં લાલ દોરા બાંધેલા હોય તો સજા કરવામાં આવતી હોવાના વાલીઓ અને હિંદુ સંગઠનોએ આક્ષેપો કર્યા છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp