AAPના વધુ એક ધારાસભ્યએ દિલ્હીની ચૂંટણી લડવાની ના પાડી દીધી, કારણ પણ જણાવ્યું
Naresh Yadav: આમ આદમી પાર્ટી (AAP)ના મહેરૌલીના ધારાસભ્ય નરેશ યાદવે દિલ્હી વિધાનસભાની ચૂંટણી લડવાનો ઈનકાર કરી દીધો છે. નરેશ યાદવ જેઓ મહેરૌલીs સીટના ધારાસભ્ય છે. તેમણે આ વખતે ચૂંટણી લડવાનો ઇનકાર કર્યા બાદ AAPએ મહેન્દ્ર ચૌધરીને અહીંથી પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. નરેશ યાદવને તાજેતરમાં પાર્ટીએ તેમને ફરીથી ઉમેદવાર બનાવ્યા હતા.
પંજાબમાં કુરાનના અપમાનના કેસમાં નરેશ યાદવની પણ ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં નરેશ યાદવને જામીન મળી ગયા હતા. આ મામલો મુસ્લિમ વિસ્તારોમાં ખૂબ જ ચર્ચામાં રહ્યો હતો, ત્યારબાદ નરેશ યાદવની ટિકિટ રદ કરવાની માગ વધતી રહી હતી.
નરેશ યાદવે સોશિયલ મીડિયા સાઇટ પર પોસ્ટ કરી કે, 'આજથી 12 વર્ષ અગાઉ અરવિંદ કેજરીવાલની ઇમાનદારીની રાજનીતિથી પ્રેરિત થઇને હું આમ આદમી પાર્ટીમાં આવ્યો હતો. આ પાર્ટીએ મને ઘણું બધું આપ્યું છે. આજે અરવિંદ કેજરીવાલને મળીને મેં કહ્યું હતું કે જ્યાં સુધી મને કોર્ટ દ્વારા સન્માનપૂર્વક નિર્દોષ જાહેર કરવામાં ન આવે ત્યાં સુધી હું ચૂંટણી લડીશ નહીં.'
તેમણે આગળ લખ્યું, 'હું સંપૂર્ણપણે નિર્દોષ છું અને મારા પર લગાવવામાં આવેલા આરોપો રાજનીતિથી પ્રેરિત અને ખોટા છે. એટલે, મેં તેમને વિનંતી કરી છે કે મને ચૂંટણી લડવાથી મુક્ત કરો. હું મહેરૌલીના લોકોની સેવા કરવાનું ચાલુ રાખીશ અને એક સામાન્ય કાર્યકરની જેમ જીવ લગાવીને હું અરવિંદ કેજરીવાલને ફરીથી મુખ્યમંત્રી બનાવીશ. જય હિંદ.'
તમને જણાવી દઈએ કે, આમ આદમી પાર્ટીએ દિલ્હીની તમામ 70 વિધાનસભા સીટો માટે ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. તેમાં નરેશ યાદવને પણ ટિકિટ આપવામાં આવી હતી. જોકે, હવે તેમણે ચૂંટણી લડવાનો ઈનકાર કરી દીધો છે. આ અગાઉ પાર્ટીના ધારાસભ્ય અને દિલ્હી વિધાનસભાના અધ્યક્ષ રામનિવાસ ગોયલ અને દિલીપ પાંડેએ પણ ચૂંટણી લડવાનો ઈનકાર કરી દીધો હતો.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp