રાહુલ ગાંધી તમારી પણ એવી જ હાલત થશે, જેવી તમારી દાદીની થઇ, ભાજપના નેતાની ધમકી બાદ હોબાળો
કોંગ્રેસ તરફથી એક ભાજપના નેતા દ્વારા રાહુલ ગાંધીને કથિત રીતે ધમકી આપતો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે. પાર્ટીએ કહ્યું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહ આવા ગંભીર મુદ્દા પર મૌન સાધી નહીં શકે. ભાજપના દિલ્હી એકમના સિખ સેલના સભ્યોએ સિખ સમુદાયને સંબંધમાં રાહુલના નિવેદન વિરુદ્ધ બુધવારે રાજધાનીમાં 10 જનપથ ખાતે તેમના નિવાસસ્થાન પાસે પ્રદર્શન કર્યું હતું. પ્રદર્શનકારીઓ કોંગ્રેસ નેતાને અમેરિકામાં સિખ સમુદાય અંગે કરેલી ટિપ્પણી બદલ માફી માંગવાની ડિમાન્ડ કરી રહ્યા હતા. પ્રદર્શનકારીમાં મહિલાઓ પણ સામેલ હતી.
પ્રદર્શનકારીઓ, સૂત્રોચ્ચાર કરતા અને પ્લેકાર્ડ લઈને, વિજ્ઞાન ભવનથી માર્ચ કરતા રાહુલ ગાંધીના નિવાસસ્થાન તરફ જવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ પોલીસે તેમને અટકાવ્યા હતા. કોંગ્રેસના મીડિયા અને પ્રચાર વિભાગના પ્રમુખ પવન ખેડાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં ભાજરના નેતા તરવિંદર સિંહ મારવાહ કથિત રીતે એમ કહેતા જોવા મળી રહ્યા છે કે રાહુલ ગાંધી ઉપર આવી જાવ, નહીં તો આગામી સમયમાં તમારી પણ એવી જ હાલત થશે, જેવી તમારા દાદીની થઇ હતી.
પવન ખેડાએ કહ્યું કે અહીં ભાજપના એક નેતા રાહુલ ગાંધીને ખુલ્લેઆમ ધમકી આપી રહ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહ, શું તેઓ તમારા વતી આ ધમકી આપી રહ્યા છે? શું તમે તેમની સામે કાર્યવાહી કરશો? તો કોંગ્રેસના પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે પણ વીડિયો શેર કર્યો અને કહ્યું કે ભાજપના નેતા દેશના વિપક્ષ નેતાને જીવથી મારી નાખવાની ખુલ્લેઆમ ધમકી આપી રહ્યા છે. ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા, વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી શાહ આ અંગે મૌન નહીં રહી શકે. અમે કોઈપણ કિંમતે આ સહન નહીં કરીએ.
રાહુલ ગાંધીએ સોમવારે વોશિંગ્ટન ડીસીમાં ભારતીય અમેરિકનોની એક સભાને સંબોધિત કરતા આરોપ લગાવ્યો હતો કે આરએસએસ કેટલાક ધર્મો, ભાષાઓ અને સમુદાયોને અન્ય કરતા નીચા માને છે. ભારતમાં, લડાઈ રાજનીતિ માટે નહીં, પરંતુ આજ વસ્તુ માટે લડવામાં આવી રહી છે. ગાંધીએ ત્યાં પહેલી હરોળમાં શ્રોતાઓમાં બેઠા એક સિખ વયક્તિને પૂછ્યું હતું, મારા પાઘડીધારી ભાઈ, તમારું નામ શું છે? કોંગ્રેસ નેતાએ કહ્યું હતું કે, લડાઈ એ વાતની છે કે ભારતમાં સિખોને પાઘડી કે કડા પહેરવાનો અધિકાર છે કે નહીં...અથવા સિખ તરીકે તેઓ ગુરુદ્વારા જઈ શકે છે કે નહીં. તે માટે જ લડાઈ છે અને તે માત્ર તેમના માટે નથી પરંતુ તમામ ધર્મો માટે છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp