બ્લેકબેરી ફોન કમબેક માટે તૈયાર, ઇસ ૨૦૨૧માં કંપની લોન્ચ કરશે અદ્યતન ફોન
‘બ્લેકબેરી’ના નામથી ટેક્નોસેવી લોકો વાકેફ છે. મોબાઈલ અને ટેબ્લેટ સહિતની સર્વિસીસની આખી શ્રેણી પૂરી પાડતી કેનેડીયન કંપની ‘બ્લેકબેરી’એ એક સમયે લોકોનું દિલ જીતી લીધેલું. એક સમયે બ્લેક્બેરીએ કોર્પોરેટ્સમાં કામ કરનારા લોકોની ફર્સ્ટ ચોઈસ હતી. પણ ટેકનોલોજીમાં હમેશા ટોચના સ્થાને ટકી રહેવું શક્ય નથી.
બ્લેકબેરીને ચાહનારો એક ચોક્કસ વર્ગ આજે પણ મોજૂદ છે. પરંતુ ૨૦૦૫થી ૨૦૧૨ દરમિયાન વારંવાર બ્લેકબેરી યુઝર્સને સર્વિસની ખામીઓનો અનુભવ થતો રહ્યો. ૧૦ ઓક્ટોબર ૨૦૧૧ના દિવસે યુરોપ, મિડલ ઈસ્ટ અને આફ્રિકાના લાખો બ્લેકબેરી યુઝર્સની સર્વિસ કટ ઓફ થઇ ગયેલી. આ સમસ્યા બીજા દિવસે પણ ચાલુ જ રહી. ૧૨ ઓક્ટોબરના દિવસે આખા નોર્થ અમેરિકામાં બ્લેકબેરીની ઈન્ટરનેટ સર્વિસ ડાઉન થઇ ગઈ. ઈંગ્લેન્ડમાં પણ એની અસર વર્તાઈ.
એક અંદાજ પ્રમાણે ૨૦૧૧માં ઉભા થયેલા આ ટેકનિકલ ઈશ્યુઝને કારણે કોર્પોરેટ્સ અને શેર માર્કેટ સાથે સંકળાયેલા અનેક યુઝર્સને મોટું નુકસાન સહન કરવાનો વારો આવેલો. આર્થિક-તકનીકી નિષ્ણાંતોના મતે ટેકનિકલ ખાનાખરાબીને પ્રતાપે બ્લેકબેરી કંપનીને ખુદને ૫૦થી ૫૪ મિલિયન ડૉલર્સનું ગંજાવર નુકસાન થયેલું.
બીજી તરફ એન્ડ્રોઇડ અને આઈફોન તરફથી બ્લેકબેરી માટે મોટો પડકાર ઉભો થયો હતો.અમેરિકા અને યુરોપમાં મોંઘાદાટ આઈફોન્સ ખરીદવાનો ક્રેઝ વધી રહ્યો હતો. જ્યારે એશિયન દેશોમાં એન્ડ્રોઇડનો ઊંડો પગપેસારો થઇ ચૂક્યો હતો. જો કે આ બધા વચ્ચે કેનેડિયન કંપનીએ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખ્યું. ૨૩ સપ્ટેમ્બર, ૨૦૧૫ના દિવસે બ્લેક્બેરીએ જર્મનીના ફ્રેન્કફર્ટ ખાતે પોતાનો પ્રથમ પોપ-અપ સ્ટોર પણ શરુ કર્યો. (પોપ-અપ સ્ટોર એટલે કોઈ ખાસ ઇવેન્ટ પૂરતો, થોડા દિવસો માટે શરુ કરાયેલો સ્ટોર)
ટેક્સાસ સ્થિત સ્ટાર્ટ-અપ ‘ઓનવર્ડ મોબિલીટી’ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે ઇસ ૨૦૨૧ની શરૂઆતમાં જ ફિઝીકલ કીબોર્ડ અને 5-જી સપોર્ટ સાથેનો એન્ડ્રોઇડ બેઝ્ડ બ્લેકબેરી ફોન સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવશે. કરાર મુજબ ઓનવર્ડ મોબિલીટી ફોનને ડિઝાઈન કરવાનો, બનાવવાનો અને બજારમાં મુકવાનો અધિકાર બ્લેકબેરીને આપવામાં આવ્યો છે.
બ્લેકબેરીના કાર્યકારી અધ્યક્ષ અને સીઈઓ જોન ચેન દ્વારા મીડિયાને જણાવાયું હતું કે ઓનવર્ડ સાથેની આ ડીલથી તેઓ ખૂબ રાજી થયા છે. કારણકે ફિઝીકલ કીબોર્ડ અને 5-જી સપોર્ટ સાથેનો એન્ડ્રોઇડ બેઝ્ડ બ્લેકબેરી ફોન સુરક્ષાની દ્રષ્ટિએ પણ ખાસ્સો બહેતર હશે.
આ અગાઉ જાણીતી કંપની TCL દ્વારા વર્ષ ૨૦૧૬ દરમિયાન બ્લેકબેરી સાથે કરાર કરવામાં આવ્યા હતા. આ ભાગીદારી કરારની મુદત ઓગસ્ટના અંત સુધીમાં પૂરી થઇ જવાની છે.
બીજી તરફ ઓનવર્ડ મોબિલીટીના સીઈઓ પીટર ફ્રેન્કલીને કહ્યું હતું કે બ્લેકબેરી સ્માર્ટ ફોન કનેક્ટીવીટી, પ્રાઈવસી અને ડેટા સિક્યોરીટી માટે પ્રખ્યાત છે. બ્લેકબેરીને સથવારે અદ્યતન ટેકનોલોજીથી સજ્જ 5-જી સપોર્ટ સાથેનો એન્ડ્રોઇડ બેઝ્ડ માર્કેટમાં મૂકવા માટેની એક ઉત્તમ તક કંપનીને મળી છે, જેનો અમને આનંદ છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp