તથ્ય પટેલના 'હરે શાંતિ' બંગલો પર ફરી વળશે બુલડોઝર? જાણો કેમ ચાલી રહી છે આવી અટકળો
અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માત: બુધવારે રાત્રે સર્જાયેલા અકસ્માત બાદ આખું ગુજરાત હચમચી ગયું છે. 9 લોકોના જીવ લેનાર આરોપીની પોલીસે ધરપકડ કરીને તેના રિમાન્ડ મંજૂર કરાયા છે. આ ઉપરાંત આરોપીના પિતાની પણ ધરપકડ કરીને જેલના સળિયાની પાછળ ધકેલી દેવામાં આવ્યા છે. આ વચ્ચે હવે એવી અટકળો વહેતી થઈ છે કે ગુજરાત રાજ્યનું ગૃહ વિભાગ ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ જેવી પેર્ટન અપનાવવા જઈ રહ્યું છે. એટલે કે ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશની જેમ રાજ્યનું ગૃહ વિભાગ પણ આરોપી તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલના ઘર પર ‘બુલડોઝર’ ફેરવવાનું વિચારી રહ્યું છે.
શહેર પોલીસ અને રાજ્યના ગૃહ વિભાગે જણાવ્યું છે કે, ઇસ્કોનબ્રિજ અકસ્માત કેસના આરોપી તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલ સામે સામૂહિક દુષ્કર્મ, છેતરપિંડી, ખંડણી સહિત 8 કેસ નોંધાયેલા છે. તેની સામે સોલા પોલીસ સ્ટેશનમાં 2, શાહપુર પોલીસ સ્ટેશનમાં 1, રાણીપ પોલસ સ્ટેશનમાં 1, ક્રાઈમ બ્રાન્ચમાં 1, મહિલા ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં 1, ડાંગ પોલીસ સ્ટેશનમાં 1 અને મહેસાણા પોલીસ સ્ટેશનમાં 1 ફરિયાદ નોંધાયેલી છે.
આ મામલે અમદાવાદ શહેરના એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું છે કે, તે (પ્રજ્ઞેશ પટેલ) અને તેનો પાર્ટનર ઘણા ફોજદારી કેસોમાં સંડોવાયેલો છે અને તેમની પાસે બિનહિસાબી આવક પણ છે, એવું લાગી રહ્યું છે કે પ્રજ્ઞેશ પટેલે અમદાવાદના ગોતા વિસ્તારમાં આ કાળી કમાણીથી જ વૈભવી બંગલો 'હરે શાંતિ' ઊભો કર્યો છે. તેથી અમે વિચારી રહ્યા છીએ કે શું તેને પાઠ ભણાવવા માટે તેનું ઘર તોડી પાડવામાં આવે.
પ્રજ્ઞેશ પટેલના બિઝનેસ પાર્ટનર હિમાંશુ વરિયા પણ પ્રજ્ઞેશની જેમ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.હિમાંશુ વરિયા સામે પણ 400 કરોડની ઠગાઈ મામલે CBI તપાસ કરી રહી છે. હિમાંશુએ બેંકમાંથી ક્રેડિટ, ઓવરડ્રાફ્ટ લઈને ઉચાપત કરી હોવાની ફરિયાદ થઈ હતી. આ મામલે સીબીઆઈ તપાસ કરી રહી છે.
હિમાંશુ વરિયા સામે બેંકમાંથી ક્રેડિટ, ઓવરડ્રાફ્ટ લઈને ઉચાપતનો આક્ષેપ છે. તેણે વિવિધ બેંકો સાથે 400 કરોડથી વધુ રકમની છેતરપિંડી આચરી હોવાનો આક્ષેપ છે. તેણે સરકારી કર્મચારીઓની મદદથી દસ્તાવેજોમાં છેડછાડ કરી ઠગાઈ આચરી છે. કરોડોની ઠગાઈ મામલે CBIએ 9 સ્થળે દરોડા પાડ્યા હતા.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp