આપણા માટે તો દેશભક્તિ એટલે સીધીસાદી સિવિકસેન્સ, ખરું ને?!

આપણા માટે તો દેશભક્તિ એટલે સીધીસાદી સિવિકસેન્સ, ખરું ને?!

09/28/2020 Magazine

બ્રિન્દા ઠક્કર
છોટી સી બાત
બ્રિન્દા ઠક્કર

આપણા માટે તો દેશભક્તિ એટલે સીધીસાદી સિવિકસેન્સ, ખરું ને?!

सिर्फ हंगामा खड़ा करना मेरा मकसद नहीं,
सारी कोशिश है कि ये सूरत बदलनी चाहिए।
- દુષ્યંત કુમાર

આપણે ગઈ વખતે વાત કરી હતી કે દેશભક્તિ સાબિત કરવા સરહદ પર લડવા જવું, એ જ એકમાત્ર વિકલ્પ નથી! પંદર ઓગસ્ટ કે છવ્વીસ જાન્યુઆરી વખતે અઢળક વિડિયોઝ અને લેખોમાં આપણે જોઈએ છીએ ને વાંચીએ છીએ કે દિવાલ પર થૂંકીએ નહીં અને ટ્રાફિકના નિયમોનું પાલન કરીએ તો એ પણ દેશસેવા જ છે. કેટલી સાચી વાત છે આ! ને તોયે આપણાથી એટલુંય થાય છે?!

ફિલ્મ ‘ઉરી’માં જયારે તિરંગામાં લપેટાયેલું શહીદ જવાનનું શરીર જોયું હતું તે વખતે એક ભયાનક ચીસ ગળામાં અટવાઈ ગયેલી. ફક્ત બે ક્ષણો માટે વિચારી જુઓ, જો એ તિરંગામાં રહેલું શરીર આપણા ભાઈ,પપ્પા કે દીકરાનું હોય તો? શું વીતતી હશે એ મા પર, જે પોતાના જુવાન દીકરાને આમ નિશ્ચેતન પડેલો જોતી હશે ત્યારે? એની પત્નીનો ખાલીપો કેટલી કારમી ચીસ પાડી ઉઠતો હશે? એની દીકરી વિદાય વેળાએ કોને ભેટીને પોતાના આંસુઓ માટે સહારો શોધશે?

આપણે ફક્ત ટીવીમાં અને મોબાઈલના વિડિયોમાં શહીદો જોયા છે, અને બે-ચાર નિસાસા નાખીને આગળ વધી જઈએ છીએ. પરંતુ એ શહીદના ઘરની દરેક વ્યક્તિનું જીવન એ ક્ષણથી સ્થગિત થઇ જતું હોય છે! અને છતાં, એની પત્ની છેલ્લી સલામી વખતે કેટલી સ્થિર હોય છે, એની જિંદગી પણ હવે સ્થિર થઇ ગઈ છે, એવું જાણવા છતાં! એની આંખો સમય સાથે સૂકાય છે, અને એક કોરોકટ્ટ દરિયો આખી જિંદગી ઘૂઘવતો રહે છે. બાપે પોતાના જ દીકરાને વિદાય કરવા કાંધ આપવી પડે એનાથી દર્દનાક બીજું શું હોઈ શકે? દુનિયાની સૌથી વજનદાર ચીજ જો કોઈ હોય, તો એ છે હંમેશ માટે મૌન થઈને બાપના ખભે ગોઠવાઈ ગયેલો યુવાન દીકરો! વર્ષોથી જીભે ચડેલું એક નામ હવે ‘નનામી’ છે. સ્મશાન આવતા ખભેથી નનામી ઉતરે છે પણ બોજ છેલ્લા શ્વાસ સુધી રહે છે! અને એ સિપાહીની મા...

...અને આ બધું જ જાણતા હોવા છતાં, વર્ષોથી અનેક સૈનિકો દેશને સમર્પિત થતા રહ્યા છે. માભોમની હાકલ પડે ત્યારે તેઓ ચૂકતા નથી, પણ આપણે ઘણું ચૂકી જઈએ છીએ, કાયમ! દરેક વ્યક્તિ એવું જ વિચારે છે કે એકલો હું નિયમનું પાલન નહીં કરું તો શું ખાટું-મોળું થઇ જવાનું છે? અને એટલે જ પેલી અકબર-બીરબલની વાર્તા જેવો ઘાટ ઉભો થાય છે, જેમાં રાજા અકબરે આખા શહેરના લોકોને એક ખાલી કૂવામાં એક લોટો દૂધ રેડવાનું કહ્યું હતું.દરેકે એવું વિચાર્યું કે હું એકલો એક લોટો પાણી રેડી આવીશ તો કોઈને શું ખબર પડવાની? અને સવારે જોયું તો આખો કૂવો પાણીથી જ ભરેલો હતો!


મેં થોડા સમય પહેલાં મારા એક આર્ટીકલમાં એક અનુભવ લખેલો. હું એ વખતે બેંગ્લોર રહેતી હતી અને સવારમાં સાતેક વાગ્યે ગાર્ડનમાં ચાલવા જઈ રહી હતી. એ વખતે નાનકડા ચાર રસ્તા પર કોઈ જ ટ્રાફિક નહોતો ને છતાં એક સાઈકલ સિગ્નલ ગ્રીન થાય એ માટે રાહ જોઇને ઉભી હતી. એ સાઈકલ પર એક ભાઈ એમની નાનકડી દીકરીને સ્કૂલે મૂકવા જઈ રહ્યા હતા. રેડ સિગ્નલ હોવાથી એમણે સાઇકલ ઉભી રાખી એટલે પેલી નાની દીકરીએ એમની સામે જોયું તો એમણે સમજાવ્યું કે લાઈટ ગ્રીન થાય પછી જવાનું. આ દૃશ્ય જોઇને મારી આંખે ભેજ બાઝેલો - એક અનેરી ટાઢક વળી હતી. એ વખતે મારાથી લખાયું હતું કે ‘એ ભાઈ કદાચ ક્યારેય સ્કૂલે ભણવા નહીં ગયા હોય, પરંતુ એ એમની દીકરીમાં જે સમજણ રેડી રહ્યા હતા, એ મારફાડ બી.એમ.ડબ્લ્યુ કરતાં ઘણું મૂલ્યવાન હતું. સમજણ અને સંસ્કાર ક્યારેય રૂપિયા કે વાતાવરણના મોહતાજ નથી હોતા.’

કેટલી નાની વાત હતી, પણ કેટલી જરૂરી હતી! આવું કેટલું બધું છે આપણી આસપાસ જેની આપણને ખબર છે છતાં એમાં સુધારો લાવતા નથી. એનું કારણ આળસ હોય કે નફ્ફટાઈ,આપણને સુધરવું નથી જ. પછી જયારે મુસીબતો આવે ત્યારે પડોશીને, તંત્રને, કર્મચારીઓને દોષ દઈને અનોખો સંતોષ પ્રાપ્ત કરી લઈએ છીએ.

આ સમયે દુષ્યંત કુમારની બીજી પંક્તિ ચોક્કસ જ યાદ આવે: 

मेरे सीने में नहीं तो तेरे सीने में सही,
हो कहीं भी आग, लेकिन आग जलनी चाहिए।

 

વધારે કંઈ જ ન થઇ શકે આપણાથી, તો એટ લિસ્ટ પોતાને તો સમજાવી જ શકાય. પોતાની જાતને એટલી તૈયાર તો કરી જ શકાય કે આપણને જોઇને આપણો પરિવાર કોઈક રીતે બદલાય. એક ભૂલ ઓછી કરીશું તો પણ એ ઘણી અગત્યની વાત છે. સ્કૂલમાં જે પાઠ્યપુસ્તકો આવતા હતા એ યાદ છે? એની શરૂઆતમાં જ ‘મૂળભૂત ફરજો’નું એક પાનું હતું. તમે વાંચ્યું છે? આપણે આજકાલ સોશિયલ મીડિયાને કારણે આપણા હકો વિષે બહુ સભાન થઇ ગયા છીએ. એ સારી બાબત છે. પણ પાઠ્યપુસ્તકોમાં જે ભણાવાયેલું એ યાદ કરો જરા, “હક અને ફરજ એક સિક્કાની બે બાજુઓ છે.” અર્થાત હકોનો ભોગવટો એને જ મળે જે પોતાની ફરજ બજાવે!

 

દેશની સેવા કરવા માટે સાવરણો લઈને સેલ્ફી પડાવવા કરતાં જ્યાંને ત્યાં થૂંકવાનું અને કચરો ફેંકવાનું જ બંધ કરી દઈએ તો? શું આ અપેક્ષા વધારે પડતી છે? સરહદ પર લડવા ન જઈએ પણ આપણા ગામ-શહેરને ચોખ્ખા તો રાખી જ શકીએ ને? આખરે આપણે માટે સાચી દેશભક્તિ તો નાગરિકધર્મ નિભાવવામાં જ છે ને! એન્ડ બિલીવ મી, સીધીસાદી સિવિક સેન્સ એ મારા-તમારા જેવા સિવિલીયન્સ માટે ઉચ્ચ પ્રકારની દેશભક્તિ જ છે!

અંતમાં કવિ હિતેન આનંદપરાની પંક્તિઓ...

“વધારે હોય પૈસો યાર, તો માણસને ઊભા કર,
તું ઈશ્વરનાં નવાં મંદિર નવાં આવાસ રહેવા દે.”


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top