ગાંધીનગર: ગુજરાતમાં વધતા કોરોના સંક્રમણ વચ્ચે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ફરી એક વખત સ્પષ્ટતા કરી છે કે રાજ્યમાં ફરીથી લોકડાઉન લાગુ નહીં થાય. તેમણે કહ્યું કે રાજ્યમાં ફરીથી લોકડાઉન લાગુ કરવામાં નહીં આવે. જો પરિસ્થિતિ બગડશે તો જે-તે સ્થિતિને આધારે ઉચિત નિર્ણયો લેવામાં આવશે.
આ પહેલા મુખ્યમંત્રી વિજય રૂપાણી અંબાજી ગયા હતા ત્યારે તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે રાજ્યમાં ફરીથી લોકડાઉન લાગુ કરવાની સરકારની કોઈ યોજના નથી અને લોકો અફવાઓ ઉપર ધ્યાન ન આપે. તેમણે રાજ્યના નાગરિકોને માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા માટે અપીલ કરી હતી. આજે તેમણે કહ્યું હતું કે કોરોના મહામારીને રોકવા માટે સરકાર કટિબદ્ધ છે. રાજ્યના ચાર શહેરોમાં રાત્રિ કર્ફ્યુ લગાવવામાં આવ્યો છે, દિવસે કર્ફ્યુની કોઈ વિચારણા નથી.
વધુમાં, આજરોજ સાંજે ચાર વાગ્યે રાજ્ય સરકારની કોર કમિટીની બેઠક મળવા જઈ રહી છે. જેમાં રાજ્યની હાલની કોરોનાની સ્થિતિને લઈને ચર્ચા કરવામાં આવશે. કેટલાક મીડિયા અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે વધતા કોરોના કેસને લઈને સરકાર ચાર મહાનગરોમાં જ્યાં રાત્રિ કર્ફ્યુ અમલી કરવામાં આવ્યો છે ત્યાં શનિ અને રવિવારે પણ કર્ફ્યુ લગાવવા મુદ્દે આજે બેઠકમાં ચર્ચા કરી શકે છે. પરંતુ આ મુદ્દે સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે આવી કોઈ વિચારણા હાલ ચાલી રહી નથી.
સરકારે ગરીબ અને મધ્યમ વર્ગનું પણ વિચારવું પડે છે : ડેપ્યુટી સીએમ, નીતિન પટેલ
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ બાબતે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે રાજ્યના ચાર મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુ ઉપરાંત દિવસે પણ કર્ફ્યુ લાગુ કરવાની હાલ કોઈ વિચારણા નથી. તેમણે ચાર શહેરોમાં વિક એન્ડ કર્ફ્યુની વાતને અફવા ગણાવીને કહ્યું હતું કે સરકાર હાલ આવી કોઈ યોજના બનાવી રહી નથી. તેમણે કહ્યું કે સરકારે રાજ્યના ગરીબ અને મધ્યમ વર્ગનું પણ વિચારવું પડે છે. જેથી દિવસે કર્ફ્યુ લગાવવામાં નહીં આવે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા ગત સપ્તાહે શનિ અને રવિવાર દરમિયાન દિવસે પણ કર્ફ્યુ લગાવવામાં આવ્યો હતો. પ્રથમ અમદાવાદ શહેરોમાં રાત્રિ કર્ફ્યુ લગાવ્યા બાદ 57 કલાકના કર્ફ્યુનું એલાન કરવામાં આવ્યું હતું. જો કે આ કર્ફ્યુ લંબાવવામાં આવ્યો ન હતો. ત્યારબાદ અન્ય ત્રણ મોટા શહેરોમાં રાત્રે નવથી સવારે છ વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યુ લગાવવામાં આવ્યો છે. જેમાં સુરત, વડોદરા અને રાજકોટનો સમાવેશ થાય છે.
કેન્દ્રની પરવાનગી વગર કોઈ પણ રાજ્ય લોકડાઉન લાગુ કરી શકશે નહીં
નોંધવું મહત્વનું છે કે ગઈકાલે કેન્દ્ર સરકારે દ્વારા 1 થી 31 ડિસેમ્બર સુધી લાગુ થનાર ગાઈડલાઈન જારી કરી હતી. જેમાં રાજ્યોને કન્ટેન્મેન્ટ ઝોનમાં નિયંત્રણો લાદવા અને રાત્રિ કર્ફ્યુ માટે છૂટ આપી હતી. પરંતુ કોઈ પણ રાજ્ય કેન્દ્ર સાથેના પરામર્શ બાદ જ લોકડાઉન લાગુ કરી શકશે. એટલે કે જો કોઈ રાજ્યમાં કોરોનાની વિકટ સ્થિતિને કારણે લોકડાઉન લાગુ કરવું પડે એવી સ્થિતિનું નિર્માણ થાય તો પણ પહેલા કેન્દ્ર સાથે આ બાબતે ચર્ચા કરીને પરવાનગી મેળવવી પડશે.