સુપ્રીમ કોર્ટ કૉલેજિયમે દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ યશવંત વર્માની બદલીની ભલામણ કરી છે. મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાની આગેવાની હેઠળના 3 સૌથી વરિષ્ઠ ન્યાયાધીશોના કૉલેજિયમે જસ્ટિસ વર્માને તેમની મૂળ હાઈકોર્ટ એટલે કે અલ્લાહાબાદ હાઈકોર્ટમાં પાછા મોકલવાની ભલામણ કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર જસ્ટિસ યશવંત વર્માના સરકારી બંગલામાં આગ લાગી હતી, તેને ઓલવવા ગયેલી ટીમને ત્યાં મોટી રકમ રોકડ મળી આવી હતી.
મોટી માત્રામાં રકમની રોકડ મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. મામલાની માહિતી મળ્યા બાદ, CJI સંજીવ ખન્નાના નેતૃત્વમાં સુપ્રીમ કોર્ટ કૉલેજિયમે તેમને ફરીથી અલ્લાહાબાદ હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવાનો નિર્ણય લીધો છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર આગ લાગી ત્યારે જસ્ટિસ વર્મા શહેરમાં નહોતા. તેના પરિવારજનોએ ફાયર બ્રિગેડ અને પોલીસને ફોન કરીને બોલાવ્યા હતા. આગને કાબૂમાં લીધા બાદ ફાયર બ્રિગેડના જવાનોને બંગલાના રૂમમાં રાખેલી મોટી રોકડ રકમ મળી આવી હતી. ત્યારબાદ, રેકોર્ડ બૂકમાં બિનહિસાબી રોકડની જપ્ત કરવાનો સત્તાવાર રેકોર્ડ નોંધવામાં આવ્યો હતો. CJIને આ ઘટના વિશે જાણ કરવામાં આવી હતી, ત્યારબાદ કૉલેજિયમની બેઠકમાં તેમને અલ્લાહાબાદ મોકલવાની ભલામણ કરવામાં આવી હતી.
હાઈકોર્ટના જજની બદલીની ભલામણ કરવા માટે સુપ્રીમ કોર્ટ કૉલેજિયમે ઈમરજન્સી બેઠક યોજી હતી અને ટ્રાન્સફરની ભલામણ કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર જજ વિરુદ્ધના રિપોર્ટ બાદ ગુરુવારે કૉલેજિયમની ઈમરજન્સી બેઠક બોલાવવામાં આવી હતી. ઇનહાઉસ તપાસ પર પણ વિચાર કરવામાં આવી રહ્યો છે. હજુ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર ટ્રાન્સફર સંબંધિત પ્રસ્તાવને જાણી જોઈને અપલોડ કરવામાં આવ્યો નથી.
જસ્ટિસ યશવંત વર્માને ઓક્ટોબર 2021માં અલ્લાહાબાદથી દિલ્હી હાઈકોર્ટમાં મોકલવામાં આવ્યા હતા. હવે, તેમને પાછા મોકલવાની ભલામણ સાથે, તેમની સામે તપાસ અને મહાભિયોગની પ્રક્રિયાની પણ ચર્ચા છે. સુપ્રીમ કોર્ટ કૉલેજિયમના કેટલાક સભ્યોએ આ સમગ્ર ઘટના પર ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે જો જસ્ટિસ વર્માની માત્ર ટ્રાન્સફર કરવામાં આવશે તો તેનાથી ન્યાયતંત્રની છબી ખરાબ થશે.
દેશની ન્યાય વ્યવસ્થામાં લોકોનો વિશ્વાસ નબળો પડી શકે છે. કૉલેજિયમના કેટલાક સભ્યોએ સૂચન કર્યું કે જસ્ટિસ વર્માનું રાજીનામું માગવામાં આવે. જો તેઓ ઇનકાર કરે છે તો તેમને હટાવવા માટે સંસદમાં મહાભિયોગની પ્રક્રિયા શરૂ કરવી જોઈએ.
બંધારણ મુજબ, સુપ્રીમ કોર્ટ દ્વારા 1999માં કોઈપણ હાઈકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ સામે ભ્રષ્ટાચાર, અનિયમિતતા અથવા ગેરવર્તણૂકના આરોપોની તપાસ કરવા માટે ઇન-હાઉસ પ્રક્રિયા તૈયાર કરવામાં આવી હતી. આ પ્રક્રિયા હેઠળ, CJI પહેલા સંબંધિત ન્યાયાધીશ પાસેથી સ્પષ્ટતા માગે છે. જો જવાબ સંતોષકારક ન હોય અથવા મામલામાં સંપૂર્ણ તપાસની જરૂર હોય, તો CJI સુપ્રીમ કોર્ટના જજ અને 2 હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશોની બનેલી ઇન-હાઉસ કમિટી બનાવે છે. ત્યારબાદ તપાસના પરિણામના આધારે તેમનું રાજીનામું અથવા મહાભિયોગ ચાલે.
'ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર એ ગંભીર મુદ્દો'
દિલ્હી હાઈકોર્ટના જજ ટ્રાન્સફર મામલે કપિલ સિબ્બલે કહ્યું, "હું કેસની સુક્ષ્મતાથી વાકેફ નથી પરંતુ ચોક્કસપણે ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચારનો મુદ્દો ખૂબ જ ગંભીર મુદ્દો છે. તેથી મને લાગે છે કે હવે સમય આવી ગયો છે કે સુપ્રીમ કોર્ટ નિમણૂક પ્રક્રિયા કેવી રીતે થવી જોઈએ એ મુદ્દા પર વિચારણા કરવાનું શરૂ કરે. તે વધુ પારદર્શી હોવી જોઇએ અને વધુ કાળજીપૂર્વક કરવી જોઇએ.