કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ PM મોદીને લખ્યો પત્ર, જાતિગત વસ્તી ગણતરી પર આપ્યા 3 સૂચન

કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ PM મોદીને લખ્યો પત્ર, જાતિગત વસ્તી ગણતરી પર આપ્યા 3 સૂચન

05/06/2025 Politics

SidhiKhabar

SidhiKhabar

કોંગ્રેસ અધ્યક્ષ  ખડગેએ PM મોદીને લખ્યો પત્ર, જાતિગત વસ્તી ગણતરી પર આપ્યા 3 સૂચન

Congress chief Kharge writes to PM Modi: કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ વડાપ્રધાન મોદીને પત્ર લખ્યો છે. આ પત્રમાં, તેમણે જાતિ વસ્તી ગણતરી અંગે વિચારવા માટે 3 મુદ્દા શેર કર્યા છે. પત્રમાં લખ્યું છે કે, ‘મેં 16 એપ્રિલ 2023ના રોજ તમને એક પત્ર લખ્યો હતો અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા જાતિગત વસ્તી ગણતરી કરાવવાની માગણી તમારી સમક્ષ મૂકી હતી. દુઃખની વાત છે કે, મને તે પત્રનો કોઈ જવાબ મળ્યો નહીં. ત્યારબાદ, તમારા પક્ષના નેતાઓ અને તમે પોતે કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસના નેતૃત્વ પર આ વાજબી માગણી ઉઠાવવા બદલ સતત પ્રહારો કર્યા. આજે તમે પોતે સ્વીકારી રહ્યા છો કે, આ માગ ગહન સામાજિક ન્યાય અને સામાજિક સશક્તિકરણના હિતમાં છે.


ખડગેએ આપ્યા 3 સૂચનો

ખડગેએ આપ્યા 3 સૂચનો

ખડગેએ પોતાના વિચારો વ્યક્ત કરતા પત્રમાં આગળ લખ્યું કે, ‘તમે કોઈ સ્પષ્ટ વિવરણ વિના જાહેરાત કરી છે કે આગામી વસ્તી ગણતરીમાં (જે વાસ્તવમાં 2021માં થવાની હતી) જાતિને પણ એક અલગ શ્રેણી તરીકે સમાવવામાં આવશે. આ સંદર્ભમાં મારા 3 સૂચનો છે, જેના પર તમે કૃપયા વિચાર કરો.

  1. વસ્તી ગણતરી પ્રશ્નાવલીની રચના ખૂબ જ મહત્વપૂર્ણ છે. જાતિની માહિતી ફક્ત ગણતરી માટે જ નહીં, પરંતુ વ્યાપક સામાજિક-આર્થિક લક્ષ્યો પ્રાપ્ત કરવા માટે પણ એકત્રિત કરવી જોઈએ. તાજેતરમાં જ તેલંગાણામાં હાથ ધરાયેલા જાતિ સર્વેક્ષણને આ જ ઉદ્દેશ્યોને ધ્યાનમાં રાખીને રચના અને અમલીકરણ કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે વસ્તી ગણતરીમાં ઉપયોગમાં લેવાતી પ્રશ્નાવલી અને પૂછવામાં આવનારા પ્રશ્નો માટે તેલંગાણા મોડલનો ઉપયોગ કરવો જોઈએ. પ્રક્રિયાના અંતે પ્રકાશિત થનારા અહેવાલમાં કંઈપણ છુપાવવું જોઈએ નહીં જેથી દરેક જાતિનો સંપૂર્ણ સામાજિક-આર્થિક ડેટા જાહેર ક્ષેત્રમાં ઉપલબ્ધ થાય, જેથી તેમની સામાજિક-આર્થિક પ્રગતિ એક વસ્તી ગણતરીથી બીજી વસ્તી ગણતરી સુધી માપી શકાય અને તેમને બંધારણીય અધિકારો આપી શકાય.
  2. ઓગસ્ટ 1994માં આપણા બંધારણની નવમી અનુસૂચિમાં તમિલનાડુ અનામત કાયદો અધિનિયમનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તેવી જ રીતે, બધા રાજ્યો દ્વારા પસાર કરાયેલા અનામત સંબંધિત કાયદાઓને બંધારણની નવમી અનુસૂચિમાં સામેલ કરવા જોઈએ. આ ઉપરાંત, જાતિ વસ્તી ગણતરીના પરિણામો ગમે તે હોય, એ સ્પષ્ટ છે કે SC, ST અને OBC માટે અનામત પરની મનસ્વી 50 ટકા મર્યાદા બંધારણીય સુધારા દ્વારા દૂર કરવી પડશે.
  3. 20 જાન્યુઆરી 2006ના રોજ ભારતીય બંધારણમાં કલમ 15(5)નો સમાવેશ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી હતી. લાંબા વિચાર-વિમર્શ બાદ, સુપ્રીમ કોર્ટે 29 જાન્યુઆરી 2014 ના રોજ તેને માન્ય રાખ્યો. આ નિર્ણય 2014ની લોકસભા ચૂંટણી માટે આચારસંહિતા લાગુ થાય તે પહેલાં આવ્યો હતો. તે ખાનગી શૈક્ષણિક સંસ્થાઓમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગો માટે અનામતની જોગવાઈ કરે છે. ઉચ્ચ શિક્ષણ વિભાગ માટે અનુદાનની માગણીઓ પરના તેના 364મા અહેવાલમાં, જે 25 માર્ચ, 2025ના રોજ રજૂ કરવામાં આવ્યો હતો. શિક્ષણ, મહિલા, બાળકો, યુવા અને રમતગમત અંગેની સંસદીય સ્થાયી સમિતિએ કલમ 15(5)ના અમલ માટે એક નવો કાયદો ઘડવાની ભલામણ પણ કરી હતી.

તમામ પક્ષો સાથે સંવાદની અપીલ

તમામ પક્ષો સાથે સંવાદની અપીલ

આ ઉપરાંત, ખડગેએ લખ્યું કે, ‘જાતિ વસ્તી ગણતરી જેવી કોઈપણ પ્રક્રિયા, જે પછાત, વંચિત અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકોને અધિકારો પૂરા પાડવાનું સાધન બને છે, તેને કોઈપણ રીતે વિભાજનકારી ન ગણવી જોઈએ. આપણું મહાન રાષ્ટ્ર અને આપણા વિશાળ હૃદયવાળા લોકો હંમેશા પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં એકજુથ થઈને ઉભા રહ્યા છે. પહેલગામમાં તાજેતરના કાયર આતંકવાદી હુમલાઓ બાદ, આપણે બધાએ એકતા દર્શાવી. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ માને છે કે સામાજિક અને આર્થિક ન્યાય અને સ્થિતિ અને તકની સમાનતા સુનિશ્ચિત કરવા માટે ઉપર સૂચવેલા સમગ્ર રીતે જાતિ વસ્તી ગણતરી કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ આપણા બંધારણની પ્રસ્તાવનામાં પણ સંકલ્પિત છે. મને વિશ્વાસ છે કે તમે મારા સૂચનો પર વિચાર કરશો. હકીકતમાં, હું તમને જાતિ વસ્તી ગણતરીના મુદ્દા પર ટૂંક સમયમાં તમામ રાજકીય પક્ષો સાથે વાતચીત કરવા વિનંતી કરું છું. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર દ્વારા જાતિગત વસ્તી ગણતરી કરાવવાની જાહેરાત બાદ રાહુલ ગાંધીએ પણ આજ માગો કરી હતી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top