વકરી રહી છે દેશમાં કોરોનાની સ્થિતિ : 24 કલાકમાં 1.79 લાખ નવા કેસ, 146 મોત

વકરી રહી છે દેશમાં કોરોનાની સ્થિતિ : 24 કલાકમાં 1.79 લાખ નવા કેસ, 146 મોત

01/10/2022 National

SidhiKhabar

SidhiKhabar

વકરી રહી છે દેશમાં કોરોનાની સ્થિતિ : 24 કલાકમાં 1.79 લાખ નવા કેસ, 146 મોત

નેશનલ ડેસ્ક: દેશમાં ફરીથી કોરોનાનાં કેસ તીવ્ર ગતિએ વધી રહ્યા છે. દરરોજ હજારો નવા કેસ નોંધાવાના કારણે પરિસ્થિતિ ચિંતાજનક બની રહી છે. દેશમાં હાલ બીજી લહેર કરતાં 5 ગણી વધુ ઝડપે નવા કેસ નોંધાઈ રહ્યા છે. સોમવારે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ દેશમાં કોરોનાના એક્ટિવ કેસ હાલમાં વધીને 7,23,619 થઈ ગયા છે. તેમજ ઓમિક્રોનનાં કેસનો આંકડો 4033 પર પહોંચ્યો છે.


દેશમાં 24 કલાકમાં કોરોનાના 1,79,723 નવા કેસ

સોમવારે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ દેશમાં 24 કલાકમાં કોરોના વાયરસના 1,79,723 નવા કેસ નોંધાયા છે. દરમ્યાન, કોરોનાને કારણે વધુ 146 લોકોના મોત થયા છે.


દેશમાં કોરોનાની ત્રીજી લહેર પર આ નિષ્ણાતોએ કહ્યું

દેશમાં કોરોનાની ત્રીજી લહેર પર આ નિષ્ણાતોએ કહ્યું

ઘણા સ્વાસ્થ્ય નિષ્ણાતોનું કહેવું છે કે, ઓમિક્રોનનાં કારણે ભારતમાં કોરોનાની ત્રીજી લહેર શરૂ થઈ ગઈ છે અને ફેબ્રુઆરીમાં આ લહેર પીક પર જોવા મળી શકે છે. વર્તમાન ટ્રેન્ડ અને ડેટાના આધારે IIT કાનપુરના પ્રોફેસર અને ગણિતશાસ્ત્રી મનિંદ અગ્રવાલે મીડિયાને જાણકારી આપી કે, જાન્યુઆરીના અંત સુધીમાં દેશમાં દરરોજ કોરોનાનાં 8 લાખ કેસ જોવા મળી શકે છે. તેમણે કહ્યું કે આગામી 3 થી 4 દિવસમાં ચિત્ર સ્પષ્ટ થશે. તેમજ અમેરિકાના આરોગ્ય નિષ્ણાંત ડૉ. મૂરેના મત અનુસાર, જો સાવચેતી નહીં રાખવામાં આવે તો ફેબ્રુઆરીમાં રોજના 5 લાખ કેસ જોવા મળી શકે છે.


ગુજરાતમાં એક જ દિવસમાં કોરોનના 6,275 કેસ નોંધાયા

ગુજરાતમાં 8 મહિના બાદ પહેલીવાર 6 હજારથી વધુ કેસ આવ્યા છે. રવિવારે ગુજરાતમાં કોવિડ-19ના 6,275 નવા કેસ નોંધાયા હતા, જે 18 મે, 2020 પછી સૌથી વધુ છે. એક અધિકારીએ આપેલી માહિતી અનુસાર, ગયા વર્ષે 18 મેના રોજ કોવિડ-19ના 6,447 કેસ નોંધાયા હતા. રાજ્યમાં રવિવારે કોરોનાનાં ઓમિક્રોન વેરિયન્ટનો કોઈ કેસ નોંધાયો નથી અને ઓમિક્રોનનાં કેસનો આંકડો 236 પર અટકી ગયો છે.

રવિવારે નોંધાયેલા કુલ કેસમાંથી અમદાવાદમાં સૌથી વધુ 2,877 કેસ, જ્યારે સુરતમાં 1,879 કેસ સામે આવ્યા છે. જ્યારે 1263 દર્દીઓ સ્વસ્થ થતાં હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા છે. રાજ્યમાં સતત બીજા દિવસે એકપણ દર્દીનું કોરોનાથી મોત નોંધાયું નથી.


દેશમાં અન્ય રાજ્યોની સ્થિતિ

દેશમાં અન્ય રાજ્યોની સ્થિતિ

બીજી તરફ દિલ્હી, પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં કોરોના વાયરસ સંક્રમણ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે. મહારાષ્ટ્રમાં રવિવારે કોરોનાનાં નવા 44,388 કેસ નોંધાતા ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા વધીને 69,20,044 થઈ ગઈ છે. આ સિવાય 12 દર્દીઓના મોત સાથે મૃતકોની સંખ્યા 1,41,639 પર પહોંચી ગઈ છે. એક દિવસ પહેલા રાજ્યમાં કોરોનાનાં 41,434 કેસ નોંધાયા હતા અને 13 દર્દીઓના મોત થયા હતા.

તદુપરાંત, પશ્ચિમ બંગાળમાં રવિવારે કોરોના વાયરસના ચેપના 24,287 નવા કેસ નોંધાયા હતા, જે પ્રથમ લહેર પછીનાં સૌથી વધુ દૈનિક કેસ છે. રાજ્યમાં કોવિડ-19ના કારણે વધુ 18 દર્દીઓના મોત થયા છે.


દેશમાં બુસ્ટર ડોઝની શરૂઆત

ભારતમાં કોરોના કેસનાં વધતા ગ્રાફ વચ્ચે આજથી ફ્રન્ટ લાઇન વર્કર્સ, હેલ્થકેર વર્કર્સ અને 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને બૂસ્ટર ડોઝ આપવાની શરૂઆત કરવામાં આવશે. કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનને ધ્યાનમાં રાખીને આ બુસ્ટર ડોઝને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top