Kasganj Communal Violence: લખનૌની NIA વિશેષ અદાલતે કાસગંજના બહુચર્ચિત ચંદન ગુપ્તા હત્યા કેસમાં તમામ 28 આરોપીઓને આજીવન કેદની સજા સંભળાવી છે. લગભગ 7 વર્ષ બાદ ગુરુવારે કોર્ટે આ કેસમાં 28 આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા. જ્યારે 2 આરોપીઓને પુરાવાના અભાવે નિર્દોષ છોડી મુકવામાં આવ્યા હતા. કોર્ટના નિર્ણય બાદ ચંદન ગુપ્તાના પરિવારજનોએ સંતોષ વ્યક્ત કર્યો અને કહ્યું હતું કે તેઓ નિર્ણયનું સન્માન કરે છે. ચંદનની બહેન કીર્તિ ગુપ્તાએ કહ્યું કે તે ઈચ્છે છે કે મુખ્ય આરોપીને ફાંસી આપવામાં આવે, પરંતુ તે ચૂકાદાનું સન્માન કરે છે.
ચંદન ગુપ્તા હત્યા કેસમાં 26 આરોપીઓ લખનૌ જેલમાં બંધ છે, જ્યારે એક આરોપી કાસગંજ જેલમાં બંધ છે, જે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જોડાયો હતો. કોર્ટે વસીમ જાવેદ ઉર્ફે વસીમ, નસીમ જાવેદ, મોહમ્મદ ઝાહીદ કુરેશી ઉર્ફે ઝાહીદ ઉર્ફે જગ્ગા, આસિફ કુરેશી ઉર્ફે હિટલર, અસલમ કુરેશી, અકરમ, તૌફિક, ખિલ્લન, શવાબ અલી ખાન, રાહત, સલમાન, મોહસીન, આસિફ જિમવાલા, સાકિબ, બબલૂ, નિશુ ઉર્ફે ઝીશાન, વાસીફ, ઈમરાન, શમશાદ, ઝફર, સાકિર, ખાલિદ પરવેઝ, ફૈઝાન, ઈમરાન, સાકિર, મોહમ્મદ આમિર રફી, કાસગંજ જેલમાં બંધ મુનાજીર અને કોર્ટમાં આત્મસમર્પણ કરનાર સલીમને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.
કાસગંજના ચંદન ગુપ્તા હત્યા કેસમાં તમામ દોષિતોને સજા આપવાના મુદ્દે શુક્રવારે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સરકારી વકીલે તમામ ગુનેગારોને ફાંસીની સજાની માગ કરી હતી. ત્યારબાદ આરોપી સલીમે પોતાની તબીયતની સ્થિતિનો સંદર્ભ આપીને દયાની ભીખ માગી હતી. સલીમ અઠવાડિયામાં 2 વાર ડાયાલિસિસ કરાવે છે. બંને પક્ષોને સાંભળ્યા બાદ કોર્ટે તમામને આજીવન કેદની સજા ફટકારી હતી.
તમને જણાવી દઈએ કે ચંદન ગુપ્તાની હત્યા 26 જાન્યુઆરી 2018ના રોજ કરવામાં આવી હતી. તિરંગા યાત્રા દરમિયાન મુસ્લિમ પ્રભુત્વવાળા વિસ્તારમાં પહેલા પથ્થરમારો અને પછી ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જેમાં ચંદન ગુપ્તાનું ગોળી વાગવાથી મોત થયું હતું. આ ઘટના બાદ કાસગંજમાં હિંસા ફાટી નીકળી હતી અને 3 દિવસ માટે કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ કેસની તપાસ SITને સોંપવામાં આવી હતી.