ને એમ થયું કે ઘરે જઈને મમ્મીને શું જવાબ આપીશ?

ને એમ થયું કે ઘરે જઈને મમ્મીને શું જવાબ આપીશ?

09/21/2020 Magazine

બ્રિન્દા ઠક્કર
છોટી સી બાત
બ્રિન્દા ઠક્કર

ને એમ થયું કે ઘરે જઈને મમ્મીને શું જવાબ આપીશ?

कलकत्ते के फुटपाथों पर जो आंधी-पानी सहते हैं।

उनसे पूछो, पन्द्रह अगस्त के बारे में क्या कहते हैं॥

~ આદરણીય અટલ બિહારી બાજપાઈ

 

ફિલ્મ ‘કેસરી’નું હૃદયસ્પર્શી ગીત ‘તેરી મિટ્ટી મેં મિલ જાવાં’ જેટલી પણ વાર સાંભળીએ,હ્રદયના તાર ઝણઝણાવી મૂકે છે. એમાંય જયારે આ કડી આવે - ‘તું કહેતી થી તેરા ચાંદ હૂં મૈ,ઔર ચાંદ હમેશાં રહેતા હૈ’ ત્યારે ચોક્કસ જ આંખોના ખૂણે ભેજ બાઝે. હું રોજ એકવાર આ ગીત સાંભળું છું.મોબાઈલની કૉલર ટયુન પણ આ રાખી છે,એટલું મનમાં વસી ગયું છે આ ગીત!

મારો નાનપણનો એક કિસ્સો યાદ આવે છે દેશભક્તિ વિશેની મારી સમજનો,એની વાત આજે કરવી છે. ત્યારથી લઈને આજ સુધી મારી આસપાસ બધું જ બદલાઈ ગયું,હું પણ સાવ બદલાઈ ગઈ પણ એક બેઝિક સમજણ નથી બદલાઈ,અને એ છે ‘નિયત’ની વાત!

હું નવમાં ધોરણમાં હતી ત્યારે આર્મીમાં ભરતી થવાનું એક ઝનૂન મારા પર સવાર હતું.આખો દિવસ સ્કૂલમાં અને ટયુશનમાં દેશભક્તિની વાતો કર્યા કરતી. બંદૂકો અને ટેંક વિશે વિચાર્યા કરતી તો ક્યારેક મહાત્મા ગાંધી સાથે મનમાં ને મનમાં કેટલીયે વાતો -ચર્ચાઓ કર્યા કરતી.ધાર્મિક એકતાની વાતો કરતી.એક બહેનપણી ઘણીવાર રીસેસમાં બોર્ડ પર લખતી ‘દેશ કી બ્રિન્દા,બ્રિન્દા કા દેશ’ અને એમાં એક દિવસ ડસ્ટર ન મળ્યું અને ક્લાસમાં સર આવી ગયા.બોર્ડ પરનું લખાણ વાંચીને મને ઉભી કરી અને કહ્યું કે ‘ખાલી બોલ્યા કરવાથી કશું ન થાય,કશુંક નક્કર કરવું પડે દેશ માટે.’ હું નીચું જોઇને ઉભી હતી. એ ફરી બોલ્યા ‘દેશભક્તિ ગીત ગાવાની સ્પર્ધા છે સ્કૂલમાં,એમાં ભાગ લીધો છે?’ મેં નીચે જોતાં-જોતાં જ માથું હલાવીને ના પાડી, એમણે ફરી પૂછ્યું ‘કેમ?’ મેં કહ્યું કે મને સારું ગાતાં નથી આવડતું એટલે.

એ હસવા લાગ્યા અને બોલ્યા કે ‘દેશભક્તિ કરવા માટે નિયત જોઈએ,નિયત!’ અને પછી ભણાવવા લાગ્યા. એ વાત મારા મનમાં સખત ચોંટી ગયેલી અને મેં ઘરે જઈને મમ્મીને કહ્યું કે મારે ભાગ લેવો છે. મમ્મી બહુ જ ખુશ થઇ અને બે-ત્રણ સજેશન આપ્યાં કે કયું ગીત ગાઈ શકાય...એમાં પડોશીના એક છોકરા પાસે દેશભક્તિ ગીતોની એક બુક હતી એ મળી અને આ ગીત ફાઈનલ થયું

આઓ બચ્ચોં તુમ્હેં દિખાયે ઝાંકી હિંદુસ્તાન કી,

ઇસ મિટ્ટી સે તિલક કરો યે ધરતી હૈ બલિદાન કી...

વંદે માતરમ...વંદે માતરમ...

મારી પાસે ફક્ત બે દિવસ હતા અને ગીત થોડું લાંબુ હતું,શબ્દો થોડા અઘરા હતા પણ સતત પ્રેક્ટિસ કરાવી મમ્મીએ અને ગીત તૈયાર થઇ શક્યું હતું. મને યાદ છે, મારી મમ્મી રસોડામાં રોટલી કરતી હોય અને મને બૂમ પાડીને બોલાવે ‘ચલ ફટાફટ એકવાર ગીત ગાઈ લે મારી સામે’ અને હું ગાઉં. એ શાક સમારવા બેસે એટલે મને બોલાવે અને ગીત ગવડાવે.

ત્યારે તો સમજણ નહોતી પણ હવે સમજાય છે કે કોઇપણ સંતાનમાં દેશપ્રેમ અને ડિસીપ્લીન સૌથી વધારે જો કોઈ વાવી શકતું હોય તો તે માતા-પિતા છે. ભલે દરેક મા પોતાના બાળકને સરહદ પર લડવા નથી મોકલતી પણ આ દુનિયા સામે તો દરેકે લડવાનું જ છે એ દરેક મા સુપેરે જાણે છે અને એટલે જ સંતાનને મજબૂત બનાવે છે, જેથી એની જિંદગીની લડાઈઓ એ નીડરતાથી લડી શકે, અધવચ્ચે ભાંગી ન પડે!

અને આખરે સ્પર્ધાનો દિવસ આવ્યો. મને યાદ છે, 55 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.સ્કૂલના મોટા ગ્રાઉન્ડમાં બધાં જ વિદ્યાર્થીઓ, શિક્ષકો ભેગા થયા હતા અને મોટા સ્ટેજ પર ચડીને માઈકમાં ગાવાનું હતું. પોણા ત્રણ વર્ષની હતી ત્યારથી સ્ટેજ પર અનેક સ્પર્ધાઓમાં ભાગ લેતી (મમ્મી લેવડાવતી) એટલે સ્ટેજ ફીયર નહોતો પણ બીક એ હતી કે મને ગીત આખું નહી આવડે તો? પછી તો તડકો વધ્યો એટલે સ્કૂલના ચોથા માળે લઇ ગયા અમને અને ત્યાં મારો વારો આવ્યો. સાવ છેલ્લા પાંચ જણામાં મારો નંબર હતો, આગળ બહુ સરસ-સરસ પર્ફોમન્સ થયાં હતાં એટલે મોરલ ડાઉન હતું, મનમાં વિચાર આવ્યો કે ફજેતી થાય એના કરતાં ‘મને પેટમાં દુઃખે છે’ કહીને નામ કઢાવી નાખું.ઉભી થવા જતી’તી ને એમ થયું કે ઘરે જઈને મમ્મીને શું જવાબ આપીશ? કે હું ડરી ગઈ,એમ? અને મમ્મીના શબ્દો યાદ કર્યા ‘જેવું આવડે એવું ગાવાનું, જેટલે સુધી આવડે એટલું ગાવાનું, પણ પાછા નહી પડવાનું.’

બફારાને લીધે નિર્ણાયક સર પણ કંટાળ્યા હતા અને વિદ્યાર્થીઓ પણ.એવામાં મારું નામ બોલાયું અને હું ગઈ.લોબીમાં બેસાડ્યા હોવાથી હું ઉભી’તી એની આજુબાજુ ઠસોઠસ બધાં બેઠા હતાં. એ દિવસે હથેળીમાં જેટલો પરસેવો થયો હતો,તેટલો ફરી ક્યારેય થયો નથી! માંડ માઈક પકડ્યું અને ચાલુ કર્યું ગાવાનું,પણ મેં વિચાર્યું હતું એનાથી એકદમ જ વિરુદ્ધ બન્યું અને મારી સાથે સાથે બધાં વિદ્યાર્થીઓ ‘વંદે માતરમ..વંદે માતરમ..’ જોશથી ગાવા લાગ્યા!મારો કોન્ફીડન્સ એકદમ જ વધી ગયો અને ફુલ મોજમાં મેં આખું ગીત એકપણ લીટી ભૂલ્યા વિના ગાયું.

છેલ્લે-છેલ્લે તો નિર્ણાયક સર પણ તાળી પાડીને વિદ્યાર્થીઓ સાથે ગાતા હતા અને એ જોઇને મારી આંખોમાં આંસુ આવતા આવતા રહી ગયેલું! ઝૂમી ઉઠ્યાં હતાં સૌ કોઈ!બધાંનો થાક,કંટાળો – બધું જ ગાયબ.એ મારી સફળતા હતી,પણ એવું ત્યારે સમજાતું નહીં. એ સમયે જો સ્પર્ધામાં નંબર આવે તો જ સફળ – એવું કંઈક અંશે મગજમાં ફીટ હોય છે.

એ દિવસે રીસેસમાં જે સામે મળે એ કહેતું ‘મજા આવી ગઈ હો,તે સરસ ગાયું’. ઘરે જઈને દોડીને વધાઈ ખાધેલી મમ્મી પાસે અને મમ્મીએ કહેલું કે ‘મેં સાંભળ્યું’તું બેટા, હું એ વખતે તારી સ્કૂલમાં જ હતી અને નીચેના ફ્લોર પર ઉભા રહીને ગીત સાંભળ્યું’તું. બહુ જ સરસ ગાયું તે,વેરી ગુડ.’

એ રાત્રે મેં એવું વિચાર્યું હતું કે જે મમ્મીઓ એમના દીકરા-દીકરીને આર્મીમાં મોકલતી હશે અને ત્યાં દુશ્મન સામે લડવાની બીક લાગે ત્યારે એ વ્યક્તિ એવું જ વિચારતી હશે ને કે ‘હું મારી મમ્મીને શું જવાબ આપીશ?’ ત્યારે આર્મીના જવાનો માટે મા એટલે ‘ભારતમાતા-આ ધરતી’ હોય એટલું સમજી શકવા સક્ષમ નહોતી હું,પણ તોયે ખોટી તો નહોતી જ ને?

બીજા દિવસે સ્પર્ધાનું પરિણામ આવ્યું હતું અને હું પ્રથમ નંબરે વિજેતા બની હતી.એ દિવસે આખા ગ્રાઉન્ડમાં ઉભેલા દરેક વિદ્યાર્થીઓએ અને શિક્ષકોએ જોરજોરથી તાળીઓ પાડી હતી અને ફરી બે લાઈન ગાવા માટે કહ્યું હતું....

હું આર્મીમાં તો ન જઈ શકી પણ એ દિવસની તાળીઓની ગૂંજ હજીયે મારામાં ગાજે છે.

 

સરહદ પર દેશભક્તિ,દેશની રક્ષા ન કરી શકતાં આપણે સૌ,બીજી ઘણી રીતે દેશસેવા કરી શકીએ તેમ છીએ જ!વાત ફક્ત ‘નિયત’ની હોય છે.

(આ જ વિષય પર વધુ આવતા સોમવારે વાત કરીશું. જય હિંદ!)


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top