પવન ખેડાએ કહ્યું કે, આ કાંડ છે, કામ નહીં, અને આ આજે નહીં, વર્ષોથી થઈ રહ્યું છે. હું ઇતિહાસમાં જઈશ, આ એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ અધ્યાય છે, મોરારજી દેસાઈને જનસંઘ અને જનતા પાર્ટીએ મળીને વડાપ્રધાન બનાવ્યા હતા, આ ઇતિહાસમાં નોંધાયેલું છે. આ કોઈ બડાઈ કે વોટ્સએપની વાત નથી, જ્યારે મોરારજી દેસાઈ દેશના વડાપ્રધાન હતા, ત્યારે તેમણે જનરલ ઝિયા-ઉલ-હકને ફોન કરીને કહ્યું હતું કે, અમને RAWવાળાઓએ જણાવ્યું છે કે, કાહુટામાં પરમાણુ પ્રોજેક્ટને લઈને પાકિસ્તાનમાં શું તૈયારીઓ ચાલી રહી છે. તેમણે બધી ડિટેલ અને RAWની સમગ્ર ઇન્ફ્રાસ્ટ્રકચર પાકિસ્તાનને બતાવી દીધું.
પવન ખેડાએ કહ્યું કે, આ ઘટનાના થોડા દિવસો બાદ જ, આપણે ઘણા RAWના લોકોને ગુમાવી દીધા. તેમને પાકિસ્તાનમાંથી ગાયબ કરી દેવામાં આવ્યા, મારી નાખ્યા, અમને ખબર નથી કે તેમણે શું કર્યું. અને મોરારજી દેસાઈના ઝિયાને કરેલા એક ફોન કોલને કારણે RAWની દાયકાઓની મહેનત બર્બાદ થઈ ગઈ. એટલે હું કહું છું કે તેમનો જાસૂસીનો ઇતિહાસ છે.’
પાકિસ્તાન દ્વારા મોરારજી દેસાઈને આપવામાં આવેલા 'નિશાન-એ-પાકિસ્તાન' એવોર્ડ પર પવન ખેડાએ કહ્યું કે, આ માહિતી આપનાર મોરારજીને પાકિસ્તાને 'નિશાન-એ-પાકિસ્તાન'થી નવાજ્યા. જેમ ભારતમાં ભારત રત્ન આપવામાં આવે છે, તેવી જ રીતે પાકિસ્તાનમાં 'નિશાન-એ-પાકિસ્તાન' આપવામાં આવે છે.
કોંગ્રેસ નેતાએ કહ્યું કે, આજે પણ મોરારજી દેસાઈના આ પાપની કિંમત દેશ ચૂકવી રહ્યો છે. આ પાપની શ્રેણીમાં આવે છે, જે મોરારજી દેસાઈએ કર્યું, તેવી જ રીતે એસ. જયશંકરે જે કર્યું તે પાપની શ્રેણીમાં આવે છે. અને આ પાપની શ્રેણીમાં આવે છે, જે વડાપ્રધાનનું મૌન છે. તેનાથી મોટું પાપ કોઈ વિદેશ મંત્રી, કોઈ સરકારે આ દેશમાં કર્યું નથી.
ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ કરતા પવન ખેડાએ કહ્યું કે, આપણા સૈનિક પૂરો પરાક્રમ દેખાડીને પાકિસ્તાનને ઘૂંટણિયે લઈ આવે છે. પરંતુ અચાનક ડોનાલ્ડ ટ્રમ્પ આવ્યા અને તેમણે યુદ્ધવિરામની જાહેરાત કરી દીધી. આમ છતા મોદી ચૂપ છે. અમને સિંદૂર સાથેની ડીલ મંજૂર નથી, દેશ સાથે ગદ્દારી મંજૂર નથી, ભલે તેઓ કોઈ પણ હોય, ગમે તે હોદ્દા પર હોય, અમે સવાલ પૂછીશું.
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી પણ આ મુદ્દો ઉઠાવી રહ્યા છે. રાહુલ ગાંધીએ ટ્વીટ કરી છે કે, 'આપણા હુમલાની શરૂઆતમાં પાકિસ્તાનને સૂચિત કરવું એક ગુનો હતો. વિદેશ મંત્રીએ સાર્વજનિક રૂપે સ્વીકાર્યું છે કે ભારત સરકારે આમ કર્યું છે. તેને કોણે અધિકૃત કર્યું? તેના પરિણામે આપણી વાયુસેનાએ કેટલા વિમાનો ગુમાવ્યા? રાહુલ ગાંધીએ 17 મેના રોજ આ ટ્વીટ કરી હતી. ત્યારબાદ, તેમણે 19 મેના રોજ પણ આવી જ ટ્વીટ કરી હતી.