સલમાન ખાનના ઘરે ફાયરિંગ, બાબા સીદ્દિકીની હત્યા, શું સૈફ અલી ખાન પરના હુમલા સાથે કોઈ કનેક્શન છે?
14 એપ્રિલના રોજ સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટમાં ફાયરિંગ થયું હતું. બાબા સીદ્દિકીની 12 ઓક્ટોબરના રોજ હત્યા કરી દેવામાં આવી હતી. હવે 16 જાન્યુઆરીએ સૈફ અલી ખાન પર છરીથી હુમલો કરવામાં આવ્યો. સૈફ અલી ખાન પર તેમના બાંદ્રા સ્થિત ઘરમાં એક હુમલાખોરે છરીથી હુમલો કર્યો હતો. આ હુમલામાં તે ઇજાગ્રસ્ત થયો હતો. હાલમાં, તેની લીલાવતી હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ 3 અલગ-અલગ ઘટનાઓ છે. પણ સવાલ એક જ છે. આખરે મુંબઈમાં શું થઈ રહ્યું છે? હુમલાખોરો આટલી સરળતાથી VIP ને કેવી રીતે નિશાનો બનાવી રહ્યા છે? શું સૈફ અલી ખાન પર થયેલા હુમલાનો સલમાન ખાનના ઘર પર થયેલી ફાયરિંગ અને બાબા સીદ્દિકી હત્યા કેસ સાથે કોઈ સંબંધ છે?
પહેલા આપણે જાણીએ કે સૈફ અલી ખાન સાથે શું થયું. ગુરુવારે વહેલી સવારે સૈફ અલી ખાનના બાંદ્રા સ્થિત ઘરમાં એક ચોર ઘૂસી ગયો હતો. ત્યારે ઘરના બધા સભ્યો સૂતા હતા. સૈફ અલી ખાન પોતે પણ ગાઢ નિંદ્રામાં હતો. હુમલાખોર સૈફના સૌથી નાના દીકરા જહાંગીરના રૂમમાં છૂપાયેલો હતો. આ હુમલાખોરને સૌપ્રથમ સૈફ અલી ખાનના ઘરમાં કામ કરતી નોકરાણીએ જોયો હતો. ત્યારબાદ તેણે જોરથી ચીસો પાડી. અવાજ સાંભળીને સૈફ અલી ખાન દોડીને આવ્યો. સૈફે હુમલાખોર સામે નિઃશસ્ત્ર લડાઈ લડી. તે પોતાના બાળકને અને નોકરાણીને બચાવવામાં સફળ રહ્યો. પરંતુ આ ઝપાઝપીમાં તે ઇજાગ્રસ્ત થઇ ગયો. હુમલાખોરે સૈફ પર 6 વાર છરી વડે હુમલો કર્યો.
જો સૂત્રોનું માનીએ તો, સૈફ અલી ખાને પોતાના નાના પુત્ર જહાંગીર અને તેના પરિવારને બચાવવા માટે કોઈપણ હથિયાર વિના હુમલાખોરનો સામનો કર્યો હતો. ચોર અને સૈફ વચ્ચે મોટી ઝપાઝપી થઈ. ચોરે સૈફ પર વારંવાર છરી વડે હુમલો કર્યો. પોલીસનું કહેવું છે કે ચોર ચોરીના ઇરાદે ઘરમાં ઘૂસ્યો હતો. પરંતુ જે રીતે ઘટના બની છે, તે જોતા એવું લાગતું નથી કે તે ફક્ત ચોરીના ઈરાદાથી કરવામાં આવ્યો હતો. આ ઘટના રાત્રે 2:00 વાગ્યે બની હતી. હાલમાં, પોલીસ આ મામલાની દરેક દૃષ્ટિકોણથી તપાસ કરી રહી છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની 8 ટીમો તપાસ કરી રહી છે. લીલાવતી હૉસ્પિટલના ડૉક્ટરે સ્વાસ્થ્ય અપડેટ આપ્યું અને કહ્યું કે સૈફની હાલત સારી છે. સર્જરી પૂર્ણ થઈ ગઈ છે.
સૈફ અલી ખાન પર થયેલા હુમલાએ ફરી એકવાર સવાલોનો મારો ચલાવ્યો છે. ગુનેગારો મુંબઈ પોલીસથી કેમ ડરતા નથી? આખરે, હુમલાખોર ઉચ્ચ સુરક્ષાવાળા ઘરમાં કેવી રીતે પહોંચ્યો? ચોરીનો હેતુ હતો કે સૈફ અલી ખાનને નુકસાન પહોંચાડવાનો ઇરાદો? શું આમાં સુરક્ષા ગાર્ડ અને ઘરના નોકરો પણ સામેલ છે? કારણ કે હુમલાખોર માટે ઘરમાં પ્રવેશવું એટલું સરળ નહોતું. શું હુમલાખોર ઘરનો સભ્ય હતો કે બહારથી આવ્યો હતો? અત્યાર સુધી આ પ્રશ્નોનું રહસ્ય ઉકેલાયું નથી. આ ઘટનાએ આપણને સલમાન ખાનના ઘરે થયેલી ફાયરિંગના કેસ અને બાબા સીદ્દિકી હત્યા કેસની યાદ અપાવી દીધી છે. સલમાન ખાન અને બાબા સીદ્દિકી હત્યા કેસમાં લોરેન્સ બિશ્નોઈનું કનેક્શન સામે આવ્યું હતું. અત્યાર સુધી સૈફ પરના હુમલા સાથે કોઈ કનેક્શનની કોઈ વાત થઈ નથી.
14 એપ્રિલ, 2024ના રોજ સવારે 5:00 વાગ્યે, 2 બાઇક સવાર હુમલાખોરોએ સલમાન ખાનના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટ પર 4 રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. ફાયરિંગના સમયે સલમાન પોતાના ઘરમાં હતો. આ ઘટનાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી હતી. ત્યારબાદ, સલમાન ખાને પોતાના ઘરને બુલેટપ્રૂફ કરાવ્યું છે.
12 ઓક્ટોબરના રોજ, દશેરાની સાંજે, NCP નેતા બાબા સીદ્દિકીની હત્યા કરવામાં આવી હતી. મુંબઈમાં તેમના પુત્ર ઝિશાન સીદ્દિકીની ઓફિસ સામે હુમલાખોરોએ તેમની ગોળી મારીને હત્યા કરી દીધી હતી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp