ભારતમાં TikTok ફરીથી શરૂ થશે કે નહીં? ભારત સરકારે આપી દીધો જવાબ
ચીનનું વીડિયો-બેઝ્ડ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ TikTok 5 વર્ષના પ્રતિબંધ પછી ફરીથી લાઇવ થવા લાગ્યું છે. શુક્રવારે, ભારતમાં કેટલાક યુઝર્સે દાવો કર્યો હતો કે, TikTok વેબસાઇટનું હોમપેજ ખુલી રહ્યું છે. જેના કારણે એવી અટકળો શરૂ થઈ છે કે શું TikTok ફરીથી ભારતમાં પાછું આવી શકે છે? જોકે, સરકારે સ્પષ્ટતા કરી છે કે TikTok ને અનબ્લોક કરવા માટે કોઈ સત્તાવાર આદેશ જહાર કરવામાં આવ્યો નથી.
આ અંગે કોંગ્રેસ પાર્ટીએ ટ્વીટ કરીને સરકાર પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસ પાર્ટીના X હેન્ડલ પરથી પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે, ભારતમાં ‘ચીની કંપની ‘TikTok’ની વેબસાઇટ ચાલવા લાગી છે. ચીન સાથેની અથડામણમાં આપણા 20 બહાદુર સૈનિકો શહીદ થયા હતા. પહેલા તો નરેન્દ્ર મોદીએ ચીનને ક્લીનચીટ આપી, પરંતુ... જ્યારે કોંગ્રેસે દબાણ કર્યું, ત્યારે હેડલાઇન્સ મેનેજ કરવા માટે ‘TikTok’ પર બેન કરી દીધું
કોંગ્રેસ પાર્ટીએ આરોપ લગાવ્યો કે હવે મોદી ફરીથી ચીનને ગળે લગાવી રહ્યા છે. તેઓ ચીનના વિદેશ મંત્રીને મળ્યા છે અને પોતે ચીન જઈ રહ્યા છે અને આ દરમિયાન TikTok સંબંધિત આ સમાચાર આવ્યા છે. સ્પષ્ટ છે કે, નરેન્દ્ર મોદીનો ચીન પ્રત્યેનો પ્રેમ દેશ પ્રત્યેના તેમના પ્રેમ કરતા વધુ છે. પાકિસ્તાન સાથે યુદ્ધવિરામની જેમ, ચીન સાથે શહીદીનો વેપાર કરી દેવામાં આવ્યો છે.
ચીની વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ TikTokનું હોમપેજ ખુલી રહ્યું છે, પરંતુ તે અત્યારે પણ એપ સ્ટોર્સ પર ઉપલબ્ધ નથી. વેબસાઇટ પર લોગિન, વીડિયો અપલોડ અથવા જોવાની સુવિધા પણ કામ કરી રહી નથી. ટેલિકોમ્યુનિકેશન વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર, ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર્સ (ISPs) અત્યારે પણ વેબસાઇટને બ્લોક કરી રહ્યા છે, જેના કારણે કેટલાક યુઝર્સ વેબસાઇટ કેવી રીતે જોઈ શકે છે તે સ્પષ્ટ નથી.
જૂન 2020માં, ભારત સરકારે રાષ્ટ્રીય સુરક્ષાનો સંદર્ભ આપીને TikTok સહિત ઘણી ચીની એપ્લિકેશનો પર પ્રતિબંધ મૂક્યો હતો. ભારત-ચીન સરહદ પર ગલવાન ખીણમાં થયેલી હિંસક અથડામણ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
તાજેતરના સમયમાં, ભારત અને ચીન વચ્ચેના સંબંધોમાં થોડી નરમાશ આવી છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર ભારે ટેરિફ લાદવામાં આવ્યા બાદ ચીનના વિદેમંત્રી વાંગ યીએ ભારતની મુલાકાત લીધી હતી. ભારતીય વિદેશ મંત્રી જયશંકર ઉપરાંત, તેમણે આ અઠવાડિયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ મુલાકાત કરી હતી. કહેવામાં આવ્યું હતું કે આ સમય દરમિયાન સરહદ પર શાંતિ જાળવવા, વેપાર ફરી શરૂ કરવા અને રોકાણને પ્રોત્સાહન આપવા જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આ વિકાસને ભારત અને ચીન વચ્ચે રાજદ્વારી વાતચીતની શરૂઆતના સંદર્ભમાં જોવામાં આવી રહી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp