પશુપાલન, દૂધ ઉત્પાદન સાથે જોડાયેલા લોકો માટે ખુશીના સમાચાર...
સાબરડેરીએ દૂધ ઉત્પાદકોના ભાવફેરને લઈ નિર્ણય કરતા વચગાળાના ધોરણે હાલમાં 9 મહિનાનો ભાવફેર ગત વર્ષના મુજબે ચૂકવી આપવામાં આવશે. જે ગુરુવારથી દૂધ મંડળીઓને ચૂકવી આપવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે.
સાબરડેરી દ્વારા અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના ચારેક લાખ જેટલા પશુપાલકોને લઈ મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. સાબરડેરીએ દૂધ ઉત્પાદકોના ભાવફેરને લઈ નિર્ણય કરતા વચગાળાના ધોરણે હાલમાં 9 મહિનાનો ભાવફેર ગત વર્ષના મુજબે ચૂકવી આપવામાં આવશે. જે ગુરુવારથી દૂધ મંડળીઓને ચૂકવી આપવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે.
દૂધ ઉત્પાદકો ભાવફેર અંગે રાહ જોઈ રહ્યા હતા. એક તરફ શૈક્ષણિક સત્ર જૂન માસથી શરુ થયુ છે અને બીજી તરફ ચોમાસુ વાવણીની શરુઆત થઈ છે. આવી સ્થિતિમાં ખેડૂતો અને પશુપાલકોને માટે આર્થિક સંકડામણ અનુભવાતી હોય છે. જેને લઈ હવે સાબરડેરીએ આ અંગે દૂધ ઉત્પાદકોના હિતમાં વચગાળાનો રસ્તો નિકળતા ભાવફેર 9 માસના ધોરણે ચૂકવી આપવામાં આવશે.
ભાવફેર અંગે ખેડૂતો રાહ જોઈ રહ્યા હતા, આ દરમિયાન જ હવે સાબરડેરીએ મહત્વનો નિર્ણય કર્યો છે. સાબરડેરીના મેનેજિંગ ડિરેક્ટરને આપવામાં આવેલી સત્તાની રુએ આ અંગેનો નિર્ણય કરવામાં આવ્યો છે. સાબરડેરીના એમડી દ્વારા જાહેર કરવામાં આવેલ પરીપત્ર મુજબ સાબરડેરી દ્વારા 258 કરોડ રુપિયા ભાવફેર રુપે પશુપાલકોને ચૂકવવામાં આવશે.
જૂના નિયામક મંડળ દ્વારા મંજૂર કરવામાં આવેલ એપ્રિલ 2023 થી ડિસેમ્બર 2023 સુધીના 9 માસના રીટેઈન મની ચૂકવવામાં આવનાર છે. જ્યારે જાન્યુઆરી 2024 થી માર્ચ અંત સુધીના ત્રણ માસના રીટેન્શન મનીની રકમ અને આખા વર્ષની વાર્ષિક ચૂકવણીની રકમ પણ આવનારા સમયમાં ચૂકવવામાં આવશે.
ગત માર્ચ માસમાં સાબરડેરીની સામાન્ય ચૂંટણી યોજવામાં આવી હતી. દરમિયાન ડેરીના નિયામક મંડળના 16 પૈકી 15 ડિરેક્ટર બિનહરીફ ચૂંટાયા હતા. જ્યારે એક ડિરેક્ટર પદ માટે ચૂંટણી યોજાઈ હતી. આમ સામાન્ય ચૂંટણી બાદ નવુ નિયામક મંડળ ચૂંટાઈ આવ્યું છે. હવે ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણી માટે રાહ જોવામાં આવી રહી છે. હવે નવા ચેરમેનની નિમણૂંક થવા બાદ ભાવફેર અંગે આખા વર્ષની ચૂકવવાપાત્ર રકમની ચૂકવણી કરવામાં આવશે. જેમાં બાકીના ત્રણ માસની રકમ અને સંપૂર્ણ વર્ષની વાર્ષિક ચૂકવણીની રકમ ચૂકવાશે. આમ હવે ચેરમેન પદની ચૂંટણી યોજાવાની રાહ જોવાઈ રહી છે. જે બાદ પશુપાલકોને બાકીની વધુ રકમ મળશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp