હર્ષ સંઘવી બોલ્યા- 'કોઈ સલીમ સુરેશ બનીને ભોળી દીકરીઓને ફસાવે એ નહીં ચાલે, ભુપેન્દ્ર પટેલની સરકાર..'
Harsh Sanghavi on Love Jihad: બુધવારે અમદાવાદના પાલડી વિસ્તારમાં વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ના નવા ભવન માટે ભૂમિપૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ લવ-જિહાદ અંગે મહત્ત્વનું નિવેદન આપ્યું હતું.
હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, 'ભુપેન્દ્રભાઈ પટેલનો દંડો લવ-જિહાદ સામે સક્રિય છે. ભોળી દીકરીઓને ષડયંત્રપૂર્વક ફસાવવા આવે તેની સામે પોલીસ લાલ આંખ કરે છે. ઘણા વિસ્તારોમાં માતા-પિતા આ અંગે ફરિયાદ કરવા પણ આવતા નથી, પરંતુ હવે સલીમ સુરેશ બનીને હિન્દુ યુવતીઓને નહી ફસાવી શકે. આવા કિસ્સાઓમાં પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે. માત્ર આરોપીને પકડીને ભૂલી જનારી ભુપેન્દ્ર પટેલની સરકાર નથી. પોલીસે ઘણા કિસ્સાઓમાં માતા-પિતાને દીકરીઓ પરત કરી છે.
પોલીસ દ્વારા આ મહિને અમદાવાદ, સુરત, નવસારી અને કચ્છ સહિતના જિલ્લાઓમાં લવજિહાદના 7 કેસોનું નિવારણ લાવી માતા-પિતા સાથે દીકરીઓનો મેળાપ કરાવ્યો છે. હર્ષ સંઘવીએ વધુમાં કહ્યું કે, ઓવૈસી તેમના ધર્મ માટે બોલી શકે છે તો હું દીકરીઓ માટે કેમ ન બોલી શકું? રાજ્યની ભોળી દીકરીઓના રક્ષણ માટે હું એમ બોલી રહ્યો છું.'
અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરવા માટે બુધવારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે 56 પાકિસ્તાની લઘુમતી નાગરિકોને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. આ અવસર પર હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, આજે નાગરિકતા પ્રમાણપત્ર મેળવનારા લોકોના ચહેરા પર ખુશી અને વિશ્વાસની લાગણી છલકાઈ રહી છે.
તેમણે વધુમાં કહ્યું હતું કે, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ જેવા દેશોમાં કેટલાક ધર્મ અને જ્ઞાતિઓના લોકો લઘુમતીઓમાં આવે છે. આ દેશોમાં વર્ષોથી લઘુમતી નાગરિકોની પરિસ્થિતિ કપરી છે. તેમજ તેમની સુરક્ષા જોખમમાં છે. દેશનું દાયિત્વ સંભાળ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં નાગરિકતા નિયમોમાં બદલાવ લાવીને પાકિસ્તાનથી ભારત આવીને વસેલા નાગરિકોને તેમની ઓળખ સમાન નાગરિકતા પ્રમાણપત્ર મળે તે માટે દિશાસૂચક કામગીરી કરવામાં આવી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp