અફઘાનિસ્તાનના કાંધારમાં કવરેજ દરમિયાન ભારતીય પત્રકારની હત્યા

અફઘાનિસ્તાનના કાંધારમાં કવરેજ દરમિયાન ભારતીય પત્રકારની હત્યા

07/16/2021 World

SidhiKhabar

SidhiKhabar

અફઘાનિસ્તાનના કાંધારમાં કવરેજ દરમિયાન ભારતીય પત્રકારની હત્યા

અફઘાનિસ્તાન: અફઘાનિસ્તાનમાં (Afghanistan) તાલિબાનના વધતા વર્ચસ્વ વચ્ચે દેશમાં સુરક્ષાની સ્થિતિ સતત બગડતી જોવા મળી રહી છે. દેશમાં સતત ચાલતી હિંસા વચ્ચે ગુરુવારે સમાચાર મળ્યા કે અફઘાનિસ્તાનના કંધાર વિસ્તારમાં કવરેજ માટે ગયેલા ભારતીય મૂળના પત્રકાર દાનિશ સિદ્દીકીની (Danish Siddiqui) હત્યા કરી નાંખવામાં આવી છે.

પુલિત્ઝર એવોર્ડથી સન્માનિત દાનિશ સિદ્દીકી એક ફોટો જર્નલિસ્ટ હતા અને તેઓ ન્યુઝ એજન્સી રોયટર્સ માટે કામ કરતા હતા. અફઘાનિસ્તાનમાં ચાલી રહેલી હિંસા કવર કરતી વખતે તેમની હત્યા કરી નાંખવામાં આવી હતી. આ પહેલા તેમની ઉપર ૧૩ જુલાઈએ પણ હુમલો થયો હતો પરંતુ તેમાં તેઓ બચી ગયા હતા.

દાનિશ સિદ્દીકીએ હાલમાં જ અફઘાનિસ્તાનના કવરેજ દરમિયાનના વિડીયો અને તસવીરો પણ તેમના ટ્વીટર અકાઉન્ટ પરથી શેર કર્યા હતા. તેમના કાફલા ઉપર હુમલો પણ થયો હતો, જેની તસવીરો પણ તેમણે શેર કરી હતી.

અફઘાનિસ્તાનની ન્યૂઝ ચેનલે સૂત્રોના હવાલેથી જણાવ્યું છે કે સિદ્દીકીની હત્યા કંધારના સ્પિન બોલ્ડેક જિલ્લામાં કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ સિદ્દીકી તાજેતરમાં જ એક પોલીસકર્મીને બચાવવા માટે અફઘાન સ્પેશ્યલ ફોર્સ દ્વારા ચલાવવામાં આવતા મિશનને કવર કરવાના કારણે આતંકવાદીઓના નિશાના પર હતા. તેમના અહેવાલમાં અફઘાન સૈન્યના વાહનોને નિશાન બનાવતા રોકેટની ગ્રાફિક તસવીરો સામેલ છે.

અફઘાનિસ્તાનમાં તાલિબાનના વધી રહેલા નિયંત્રણને કારણે દેશના અનેક વિસ્તારોમાં હિંસાનો દોર શરૂ થઇ ગયો છે. દુનિયાભરના પત્રકારો અફઘાનિસ્તાનમાં જઈ ત્યાંની પરિસ્થિતિ ઉપર કવરેજ કરી રહ્યા છે અને દુનિયાને જાણકારી આપી રહ્યા છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, અફઘાનિસ્તાનના સ્પેશ્યલ ફોર્સના સાદિક કરજઈનું પણ મોત થયું છે, તેઓ હિંસા દરમિયાન દાનિશ સિદ્દીકી સાથે જ હતા.

સિદ્દીકીએ તેમની કારકીર્દીની શરૂઆત એક ટીવી પત્રકાર તરીકે કરી હતી. તેમણે ભારતની મીડિયા ચેનલો માટે પણ કામ કર્યું હતું. ત્યારબાદ તેઓ ફોટો જર્નલિસ્ટ બની ગયા. વર્ષ ૨૦૧૮ માં તેમણે રોહિંગ્યા મામલે કરેલા કવરેજને કારણે તેમને પુલિત્ઝર પ્રાઈઝથી નવાજવામાં આવ્યા હતા.

અફઘાનિસ્તાનમાં તાલિબાનનું વધતું નિયંત્રણ, ભારતે અધિકારીઓ પરત બોલાવ્યા 

ઉલ્લેખનીય છે કે આ પહેલા ભારત દ્વારા અફઘાનિસ્તાનમાં સુરક્ષાની બગડી રહેલી સ્થિતિ અને કંધાર આસપાસના વિસ્તારોમાં તાલિબાનના વધતા નિયંત્રણ ઉપરાંત કટ્ટરપંથી સમૂહો વચ્ચેના સંઘર્ષને ધ્યાનમાં લઈને દક્ષિણ અફઘાન શહેરમાં સ્થિત દૂતાવાસમાંથી લગભગ ૫૦ જેટલા અધિકારીઓ અને સુરક્ષાકર્મીઓને પરત સ્વદેશ બોલાવી લીધા છે. જોકે, વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે ભારતે વાણિજ્ય દૂતાવાસ બંધ કર્યું નથી અને સ્થાનિક કર્મચારીઓ દ્વારા તેનું સંચાલન થતું રહેશે.

તાલિબાને અફઘાનિસ્તાનના જે વિસ્તારો ઉપર કબજો મેળવી લીધો છે તેમાંથી મોટાભાગના જિલ્લા ઈરાન, ઉઝબેકિસ્તાન અને તાજીકિસ્તાનની સરહદોના વિસ્તારમાં આવેલા છે. અફઘાનિસ્તાનના કુલ ૪૨૧ જિલ્લાઓમાંથી એક તૃતીયાંશ કરતા વધુ વિસ્તાર ઉપર તાલિબાને કબજો મેળવી લીધો છે.

તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top