‘મહાવીર’ જસવંત સિંહની રૂંવાડા ઉભા કરતી શૌર્યકથા : મૃત્યુ બાદ પણ એમને નોકરીમાં પ્રમોશન મળતું રહે

ભારતીય સેનાના ‘મહાવીર’ જસવંત સિંહની રૂંવાડા ઉભા કરતી શૌર્યકથા : મૃત્યુ બાદ પણ એમને નોકરીમાં પ્રમોશન મળતું રહે છે!

01/26/2021 Magazine

ભૂમિધા પારેખ
અચરજ એક્સપ્રેસ
ભૂમિધા પારેખ
લેખિકા, વાર્તાકાર

‘મહાવીર’ જસવંત સિંહની રૂંવાડા ઉભા કરતી શૌર્યકથા : મૃત્યુ બાદ પણ એમને નોકરીમાં પ્રમોશન મળતું રહે

17 નવેમ્બર, 1962

સ્થળ: નુરાનાંગ, અરુણાચલ પ્રદેશ,       ભારત.

સમય: મળસ્કે 5 વાગ્યે

અચાનક વહેલી સવારે એક પ્રચંડ ધડાકાથી નુરાનાંગની ધરતી હચમચી ઉઠી. ગઢવાલ રાઈફલ્સની ચોથી બટાલિયન, જે છેલ્લા 3 દિવસથી દરેક પળે આંખોમાં દેશપ્રેમના જુસ્સાની લાલાશ આંજીને ખડેપગે દુશ્મનોને લડત આપી રહી હતી, એના સૈનિકો ફરી એક નવા જોમ સાથે વળતો હુમલો કરવા તૈયાર થઈ ગયા.

સામેની બાજુથી ત્રણ અલગ અલગ દિશામાંથી અંધાધૂંધ ફાયરિંગ ચાલુ થઈ ગયું હતું. જે રીતે હુમલો થઈ રહ્યો હતો, એના પરથી અંદાજો લગાવવો જરાપણ મુશ્કેલ નહોતો કે દુશ્મનોની કેટલી મોટી ફોજ હતી. અવિરત આવી રહેલા ગોળીઓના વરસાદને કારણે ગઢવાલ રાયફલ્સના સૈનિકોને વળતો હુમલો કરવાનો મોકો નહોતો મળી રહ્યો. સામે રહેલા દુશ્મનો પાસે લાઈટ મશીન ગન (LMG) હતી, જે એમની સૌથી મોટી તાકાત હતી. ચાઈનીઝ બનાવટની એ ગન ભારતીય સૈન્ય પર કાળ બનીને તૂટી પડી હતી. નસીબજોગે હજી ભારતીય સૈનિકો પોતાની બહાદુરીથી પોતાની માતૃભૂમિની સુરક્ષા કરવામાં સફળ રહ્યા હતા. પરંતુ ક્યાં સુધી આ હુમલા સામે ટકી શકાય એ યક્ષ પ્રશ્ન હતો.

સવારે 7.45 વાગ્યે અને 9.10 વાગ્યે થયેલા બીજા હુમલાઓ એ સાબિત કરતાં હતા કે ચીની સૈન્ય પોતાની પૂરી તાકાત લગાવીને ભારતીય સૈન્ય પર હાવી થઈ રહ્યું હતું. ચોથીવર જ્યારે ચીની સૈન્યએ હુમલો કર્યો, ત્યારે તો ભારતીય સૈન્ય ડઘાઈ જ ગયું. આ વખતે ચીની સૈન્યએ મીડિયમ મશીન ગન(MGM) નો ઉપયોગ કર્યો હતો. અવિરત ફાયરિંગ કરતી આ ગન ભારતીય સૈન્યને હંફાવી રહી હતી. જો એ ચાઈનીઝ ડ્રેગનને અટકાવવો હોય, તો એક જ રસ્તો હતો. જેના પર એમનો સૌથી મોટો મદાર હતો, એ MGM ગન છીનવી લઈ, એનો નાશ કરવાનો. પરંતુ આ કામ મોતના મુખમાં જવા કરતાં પણ અત્યંત કપરું હતું. આ કામ કોણ કરી શકે એ સવાલ ઊભો થયો.

ગઢવાલ બટાલિયનના સેકન્ડ લેફટનન્ટ ટંડને પોતાની બટાલિયનને સમગ્ર પરિસ્થિતી સમજાવી. આવા ઓપરેશનમાં કોઈપણ સૈનિકને ઓર્ડર નથી અપાતો. આ દરેક સૈનિકનો સ્વૈચ્છિક નિર્ણય હોય છે. દુશ્મનોની છાવણીમાં જઈ મીડિયમ મશીન ગન ઝુંટવી લાવવા માટે ટહેલ નાખવામાં આવી. એક ક્ષણ માટે સમગ્ર છાવણીમાં સોપો પડી ગયો. દરેક વ્યક્તિ પરિસ્થિતી સમજતા હતા. દુશ્મનોની છાવણીમાં જઈ એમના હથિયારનો નાશ કરવો, એટ્લે મોતના મુખમાં જઈ, મૃત્યુને માત આપી, ફરી પાછા પોતાની છાવણીમાં પરત ફરવું. બટાલિયનના દરેક સૈનિક પોતાનું જીવન માતૃભૂમિ માટે સમર્પિત કરીને નીકળ્યા હતા. પરંતુ જો પોતે દુશ્મનોના હાથે પકડાઈ જાય, પછી એ ચાઇનીઝ ડ્રેગન પોતાની કેવી હાલત કરે એ સહુ જાણતા હતા. છતાં માતૃભૂમિ માટે બધુ સહન કરવા તૈયાર સૈનિકો પોતાની મરજી જણાવે એ પહેલા એક એકવીસ વર્ષીય નવયુવાન આગળ આવ્યો.

“હું જઈશ એ દુશ્મનોની છાવણીમાં."

લેફટનન્ટ એસ.એન.ટંડન આ યુવાન સામે જોઈ રહ્યા. એ હતા જસવંત સિંહ રાવત. હમણાં જ બે વર્ષની આર્મી ટ્રેનીંગ પૂરી કરીને રાયફલમેન તરીકે એમનું પહેલું જોઈનિંગ ગઢવાલ યુનિટની ચોથી બટાલિયનમાં થયું હતું. અને પહેલી જ વારમાં એમને યુધ્ધ ક્ષેત્રમાં પોતાનું યોગદાન આપવાનો મોકો મળ્યો હતો.


લેફ્ટનન્ટ ટંડને એમને ચકાસતા કહ્યું, "જસવંત સિંહ, તમને ખ્યાલ છે ખરો આ કેટલી કપરી જવાબદારી છે?"

છાતીને ટટ્ટાર કરી, મસ્તક ઊંચું કરી, આંખોમાં એક મક્કમ નિર્ણય સાથે જસવંત સિંહે જવાબ આપ્યો, "જ્યારથી મનમાં ઇન્ડિયન આર્મીમાં જોડાવાનો વિચાર આવ્યો હતો, ત્યારથી માથા પર કફન બાંધી લીધું હતું. આ તો શરીર પર ત્રિરંગો લપેટવાનો અવસર છે."

જસવંત સિંહનો જુસ્સો જોઈ લેફટનન્ટ ટંડને એમને મંજૂરી આપી દીધી. જસવંત સિંહની સાથે લાન્સનાયક ત્રિલોક સિંઘ નેગી અને રાયફલમેન ગોપાલ સિંઘ ગોંસાઈ પણ દુશ્મનોની છાવણીમાં જવા તૈયાર થઈ ગયા. એક હાથમાં સ્ટેનગન અને બીજા હાથમાં હેન્ડ ગ્રેનેડ લઈ ત્રણે વીરોએ એક નજર પોતાની માતૃભૂમિની દિશામાં નાખી. નીચા નમી પોતાની ધરતીમાંને ચૂમી લીધું અને એક નારો લગાવ્યો, ‘ભારત માતા કી જય’ અને મૃત્યુની દિશામાં ચાલી નીકળ્યા.

બંને દિશામાંથી આવી રહેલ ગોળીઓના આક્રમણ વચ્ચે ત્રણે વીરો ભોંયસરસા થઈને પેટ પર ઘસડાઈને દુશ્મનોની છાવણી તરફ આગળ વધ્યા. પોતાની સુરક્ષા કરવા માટે આ ત્રણે વીરો પાસે ખાસ કોઈ જ સાધન નહોતા. લગભગ ચૌદ મીટર જેટલું અંતર કાપીને, દુશ્મનોથી પોતાને બચાવીને ત્રણે ચીની સૈન્યની એક છાવણી પર પહોંચ્યા અને એ છાવણી પર એક હેન્ડ ગ્રેનેડ ફેંક્યો. છાવણી પર હાજર બે ચીની સૈનિકો ત્યાં જ મૃત્યુ પામ્યા અને ત્રણ સૈનિકો ખરાબ રીતે ઘાયલ થઈ ગયા. જસવંત સિંહે પોતાના બંને હાથે ચીની સૈનિક પાસેથી મીડિયમ મશીન ગન ઝુંટવી લીધી. અને તરત જ પોતાની છાવણી તરફ દોટ મૂકી. ગોપાલ સિંહ એમની આગળ દોડી રહ્યા હતા. લાન્સનાયક ત્રિલોક સિંઘ નેગી જસવંત સિંહ અને ગોપાલ સિંઘની પાછળ રહીને દુશ્મનોને વળતું ફાયરિંગ આપી રહ્યા હતા.

એકાએક એક ફાયર થયું અને લાન્સનાયક ત્રિલોક સિંઘ નેગી ત્યાં જ ઢળી પડ્યા. એક બુલેટ એમના શરીરમાં ધૂસી ગઈ હતી. જસવંત સિંહે આ જોયું. એકક્ષણ એમના પગલાં આગળ વધતાં અટકી ગયા. પોતાના સાથીને આવી રીતે છોડી જતાં એમનું મન નહીં માન્યું. પરંતુ એમના કાને ગોપાલ સિંઘનો અવાજ પડ્યો અને એ ફરી સચેત થયા. શહીદ ત્રિલોક સિંઘને ત્યાં જ મૂકી જસવંત સિંહ પોતાની માતૃભૂમિની દિશામાં આગળ વધ્યા.

હવે એમની પાછળ રક્ષા કરનાર લાન્સનાયક નહોતા રહ્યા. એટ્લે એક બુલેટ આવી અને જસવંત સિંહનું માથું વીંધી ગઈ. એક જોરદાર ઝાટકા સાથે એ ઢળી પડ્યા. થોડીક્ષણ બેશુદ્ધ થઈ ગયા. પરંતુ એમની માતૃભૂમિ એમને સાદ આપી રહી હતી. જસવંત સિંહનું કર્તવ્ય હજી પૂરું નહોતું થયું. એમણે લોહીથી નીંગળતી આંખો ખોલી. એમની માતૃભૂમિ થોડા જ ડગલાં દૂર હતી. માથામાં વાગતા અસંખ્ય સણકાને અવગણી જસવંત સિંહ ઊભા થયા. ત્યાં જ એમની ધૂંધળી દ્રષ્ટિએ જોયું કે એમની આગળ ભાગી રહેલા ગોપાલ સિંઘના શરીરમાં પણ ગોળીઓ ઘૂસી ગઈ હતી. છતાં તેઓ લડખડાતા પગે પોતાની છાવણી તરફ આગળ વધી રહ્યા હતા. આ જોઈ જસવંત સિંહમાં નવું જોમ આવ્યું. તેઓ પણ ઝડપથી પોતાના લક્ષ્યાંક તરફ આગળ વધવા લાગ્યા. પાછળથી અવિરત ગોળીઓનો વરસાદ ચાલુ જ હતો.

આખરે પોતાની છાવણી દેખાતા જસવંત સિંહે એક રાહતનો શ્વાસ મૂક્યો અને ભારતમાતાના ખોળામાં પોતાનું માથું મૂકી, ચીર નિંદ્રામાં પોઢી ગયા. આ સમગ્ર ઓપરેશન ફક્ત પંદર મિનિટ જેટલું ચાલ્યું. પરંતુ એમના આ અપૂર્વ પરાક્રમે ભારત-ચીનના યુધ્ધની દિશા જ ફેરવી નાખી. જસવંત સિંહના મૃત્યુ બાદ પણ ચીની સૈન્યએ 11.40 વાગ્યે ફરી હુમલો કર્યો, પરંતુ આ વખતે ભારતીય સૈન્યની પરિસ્થિતી એક્દમ અલગ હતી. એમણે પણ જોરદાર વળતી લડત આપી અને ચીની સૈન્યને પીછેહઠ કરવા મજબૂર કર્યું.


ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા યુધ્ધમાં પહેલીવાર એવું બન્યું કે ભારતીય સૈન્ય ચીની ડ્રેગન પર ભરી પડ્યું. ચીની સૈન્યની તાકાત મીડિયમ મશીન ગનને આભારી હતી, જેને જસવંત સિંહે છીનવી લીધી. ચીને ફરી 2.45 વાગ્યે હુમલો કર્યો, જેને પણ ભારતીય સૈન્યએ નિષ્ફળ બનાવી દીધો. છેવટે પોતાના 300 કરતાં વધુ સૈનિકોને ગુમાવી ચીને ત્યાંથી પોતાના યુધ્ધને સમાપ્ત કર્યું. જ્યારે ભારતીય સૈન્યએ પોતાના બે બહાદુર સૈનિકોને હમેશા માટે ગુમાવ્યા અને આઠ સૈનિકો ઘાયલ થયા.


સહુ જાણે જ છે કે 1962ના એ યુધ્ધમાં ભારત સામે ચીન જીતી ગયું હતું, પરંતુ ભારતીય સૈન્યની બહાદુરી પર ચીન પણ એક સમયે નતમસ્તક થયું હતું. રાયફલમેન જેવા એક સામાન્ય હોદ્દો ધરાવનાર જસવંત સિંહ જેવા યુવાને જે અપ્રતિમ બહાદુરી બતાવી, એના પરથી એ સમજવું મુશ્કેલ નથી કે ભારતીય સૈન્ય આવા અનેક બહાદુરોથી સજ્જ હોય છે.

1962ના એ યુધ્ધમાં ફક્ત ગઢવાલની ચોથી બટાલિયન એક માત્ર એવી યુનિટ હતી, જેને Battle of Honour થી સન્માનવામાં આવી હતી. જસવંત સિંહ રાવતને મરણોપરાંત મહાવીર ચક્રથી સન્માનવામાં આવ્યા. અરુણાચલ પ્રદેશનો એ નૂરનાંગ વિસ્તાર, જ્યાં ભારતીય સૈન્યએ ચીની સૈન્યને હરાવ્યું હતું અને જસવંત સિંહ રાવત જ્યાં શહીદ થયા હતા એ જગ્યાનુ નામ બદલીને જસવંત ગઢ કરવામાં આવ્યું. ત્યાં જસવંત સિંહ રાવતનું મંદિર બનાવવામાં આવ્યું છે.

જસવંત સિંહ રાવત વિશે ત્યાંના વિસ્તારમાં અનેક વાયકાઓ પ્રચલિત છે. જેમકે, જસવંત સિંહ રાવત આજે પણ ભારતીય સીમાની રક્ષા કરે છે. ત્યાં ડ્યુટી પર હાજર કોઈ સૈનિક ઊંઘી જાય, તો એને લપડાક મારી જગાવે છે. દરરોજ પાંચ સૈનિક જસવંત ગઢ પર એમની સેવામાં હાજર રહે છે. સૌથી વધુ અચરજની વાત એ છે કે આજે પણ જસવંત સિંહને પ્રમોશન મળે છે. આ ઉપરાંત એમને ઓફિશિયલ રજા પણ મળે છે. એ સમયે એમના ફોટાને એમના ગામ બાડ્યૂ પટ્ટી ખાટલી, પૌડી (ગઢવાલ) લઈ જવામાં આવે છે. અને રજા પુરી થતા ફરીથી એમના મંદિરમાં સ્થાપિત કરવામાં આવે છે. આજે પણ ત્યાં સરહદે તૈનાત સૈનિકો, ડ્યુટી પર જતાં પહેલાં જસવંત સિંહ રાવતના મંદિરે માથું ટેકવીને જાય છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top