શું વિનેશ ફોગાટ ખોટું બોલી? પેરિસ ઓલિમ્પિક અને પી.ટી. ઉષા અંગે હરીશ સાલ્વેના દાવાએ મચાવી સનસનાટી
વિનેશ ફોગાટે તાજેતરમાં દાવો કર્યો હતો કે પેરિસ ઓલિમ્પિકમાં તેને ગેરલાયક ઠેરવ્યા બાદ ભારત સરકારે જાણી જોઇને તેની મદદ કરી નહોતી. સાથે જ એવો પણ આરોપ લગાવ્યો હતો કે ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (IOA)ના પ્રમુખ પી.ટી. ઉષા તેમની સાથે માત્ર ફોટો પડાવવા માટે પહોંચ્યા હતા. તેમના આ દાવાને હવે ભારતના પૂર્વ સોલિસિટર જનરલ હરીશ સાલ્વેએ ખોટો ગણાવ્યો છે. કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સ (CAS)માં વિનેશનો કેસ લડનારા સાલ્વેએ તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં દાવો કર્યો છે કે આ મામલે ભારત સરકારની કોઇ ભૂમિકા નહોતી કેમ કે IOAએ સરકારથી સ્વતંત્ર રીતે કામ કરવાનું હોય છે. સરકાર હસ્તક્ષેપ કરતા જ એસોસિએશનને બહાર કરી દેવામાં આવે છે.
પેરિસમાં ફાઇનલ મેચમાંથી ગેરલાયક ઠેરવ્યા બાદ વિનેશ ફોગાટના કેસને IOA દ્વારા CASમાં પડકારવામાં આવ્યો હતો. CAS એ આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક કમિટીના નિર્ણયને યોગ્ય ઠેરવતા વિનેશ વિરુદ્ધ નિર્ણય આપ્યો હતો. હવે હરીશ સાલ્વેએ દાવો કર્યો છે કે, IOA આ નિર્ણયને સ્વિસ કોર્ટમાં પડકારવા માગતું હતું, પરંતુ વિનેશે પોતે તેના માટે ઇનકાર કરી દીધો હતો. સાલ્વેના આ દાવા બાદ સનસનાટી મચી ગઇ છે. વિનેશ પર ખોટુ બોલવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે.
વિનેશે પેરિસ ઓલિમ્પિકમાં મહિલા 50 કિગ્રા ભારવર્ગના પ્રથમ રાઉન્ડમાં જાપાનની વર્લ્ડ નંબર-1 યુઇ સુસાકીને હરાવીને હાહાકાર મચાવી દીધો હતો. ત્યારબાદ, તેણે તેની ક્વાર્ટર ફાઇનલ મેચ પણ સરળતાથી જીતી લીધી અને સેમીફાઇનલમાં ક્યૂબાના ગુજમેન લોપેજને હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી હતી. તે ઓલિમ્પિકની ફાઇનલમાં પહોંચનારી ભારતની પ્રથમ મહિલા પહેલવાન બની ગઇ હતી, પરંતુ ફાઇનલ અગાઉ તેનું વજન નિર્ધારિત મર્યાદા કરતા 100 ગ્રામ વધુ હોવાનું જાણવા મળ્યું હતું, ત્યારબાદ તેને ફાઇનલમાંથી બહાર કરી દેવામાં આવી હતી.
વિનેશ ફોગટના બાળપણના ગુરુ અને તેના કાકા મહાવીર ફોગટે તેના ચૂંટણી લડવા પર નારાજગી વ્યક્ત કરી છે. મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે વિનેશે 2028 ઓલિમ્પિક પછી ચૂંટણી લડવી જોઇતી હતી. અત્યારે તેણે ઓલિમ્પિકમાં દેશ માટે ગોલ્ડ મેડલ જીતવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઇતું હતું. વિનેશના ચૂંટણી લડવાના નિર્ણયથી ચાહકોને ઘણું દુઃખ પહોંચ્યું છે.
હરિયાણામાં 5 ઓક્ટોબરથી વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ દરમિયાન વિનેશ ફોગાટ તાજેતરમાં કોંગ્રેસ પાર્ટીમાં જોડાઇ હતી. કોંગ્રેસે તેને જુલાના વિધાનસભા સીટથી ટિકિટ આપી છે. વિનેશે ચૂંટણીની મૌસમમાં IOA પ્રમુખ પી.ટી. ઉષા અને ભારત સરકાર પર મદદ ન કરવાનો આરોપ લગાવીને પ્રહાર કર્યો હતો, ત્યારબાદ હોબાળો મચી ગયો હતો. તેણે એક ઇન્ટરવ્યુમાં દાવો કર્યો હતો કે, પેરિસમાં બીમાર પડ્યા બાદ પી.ટી. ઉષા તેને મળવા પહોંચ્યા હતા. ત્યારબાદ પૂછ્યા વિના ફોટો ક્લિક કરાવ્યો અને સોશિયલ મીડિયા પર પોસ્ટ નાખી દીધો.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp