મહારાષ્ટ્રના મુખ્યમંત્રી કોણ બનશે? જેને લઈને દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અને મહાયુતિના નેતાઓ વચ્ચે લગભગ 2 કલાક સુધી બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતું કે ભાજપમાંથી કોઈ વ્યક્તિ આગામી મુખ્યમંત્રી બનશે, જેના કારણે દેવેન્દ્ર ફડણવીસની વાપસી નિશ્ચિત માનવામાં આવે છે. સૂત્રોએ જણાવ્યું હતું કે ભાજપ, શિવસેના (શિંદે જૂથ), NCP (અજિત જૂથ) વચ્ચે પણ વિભાગો વહેંચવામાં આવ્યા હતા. આ દરમિયાન મહારાષ્ટ્રના સંભવિત મંત્રીઓની યાદી પણ બહાર આવી છે.
અમિત શાહ સાથેની બેઠકમાં મહાયુતિ સરકાર માટે 22:12:10નો ફોર્મ્યૂલા નક્કી કરવામાં આવ્યો હતો. એટલે કે ભાજપના 21-22, શિવસેનાના 10-12 અને NCPના 9-10 મંત્રીઓ બની શકે છે. ભાજપની સાથે શિવસેના અને NCPને પણ મોટા વિભાગો મળવાની આશા છે. નવી સરકારમાં મુખ્યમંત્રીની સાથે 2 નાયબ મુખ્યમંત્રી ઓ હશે, જેમાંથી એક શિવસેનાના અને બીજો NCPના હોઈ શકે છે.
જો આપણે ભાજપના વિભાગો વિશે વાત કરીએ, તો તેમનું ધ્યાન ગૃહ વિભાગ, આવાસ અને શહેરી વિકાસ, સિંચાઈ, ઉર્જા, PWD, પર્યાવરણ અને પ્રવાસન, સંસદીય બાબતો, કૌશલ્ય વિકાસ અને સામાન્ય વહીવટ (GAD) વિભાગો પર છે. એકનાથ શિંદે જૂથને શહેરી વિકાસ અને MSRDC મંત્રાલય, મહેસૂલ, કૃષિ, આરોગ્ય, ગ્રામીણ વિકાસ, ઉદ્યોગ અને સામાજિક ન્યાય જેવા મહત્ત્વના વિભાગો મળી શકે છે, જ્યારે અજીત પવાર જૂથની નજર નાણાં મંત્રાલય પર કેન્દ્રિત છે. તેમને કૃષિ, અન્ન અને નાગરિક પુરવઠા, મહિલા અને બાળ કલ્યાણ, તબીબી શિક્ષણ, રમતગમત, ગ્રામીણ વિકાસ, સહકાર અને માર્કેટિંગ જેવા વિભાગો મળી શકે છે.