ભાગેડુ મેહુલ ચોક્સીના ભારત પ્રત્યાર્પણમાં વિલંબ થશે? ડોમિનિકન કોર્ટે જામીન આપ્યા

ભાગેડુ મેહુલ ચોક્સીના ભારત પ્રત્યાર્પણમાં વિલંબ થશે? ડોમિનિકન કોર્ટે જામીન આપ્યા

07/13/2021 World

SidhiKhabar

SidhiKhabar

ભાગેડુ મેહુલ ચોક્સીના ભારત પ્રત્યાર્પણમાં વિલંબ થશે? ડોમિનિકન કોર્ટે જામીન આપ્યા

ડોમિનિકા: પંજાબ નેશનલ બેંક સ્કેમનો (PNB Scam) આરોપી ભાગેડુ મેહુલ ચોક્સી (Mehul Choksi) એન્ટીગુઆ (Antigua) રહેતો હતો, જ્યાંથી ગયા મહિને ફરાર થઇ ગયો હતો અને પડોશી દેશ ડોમિનિકામાં (Dominica) રહેતો હતો. હવે ડોમિનિકાની કોર્ટે તેને જામીન આપી દીધા છે, અને ફરી એન્ટીગુઆ જઈ શકશે. તેને કોર્ટે ખરાબ સ્વાસ્થ્યને આધારે જમીન આપ્યા છે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ, મેહુલ ચોક્સીએ તેના સ્વાસ્થ્યનો હવાલો આપીને ડોમિનિકા કોર્ટ સમક્ષ એન્ટીગુઆ જવા માટેની પરવાનગી માગી હતી. આ માટે તેણે કોર્ટને વચગાળાના જામીન માટેની અપીલ કરી હતી. ત્યારબાદ કોર્ટના ન્યાયાધીશોએ પરસ્પર સહમતિથી મેહુલને જામીન આપી દીધા હતા.

સંપૂર્ણ સ્વસ્થ થયે ફરી ડોમિનિકા આવવું પડશે : કોર્ટ

જોકે, રિપોર્ટ્સ અનુસાર, મેહુલ ચોક્સીને આ રાહત ત્યાં સુધી જ રહેશે જ્યાં સુધી તે સંપૂર્ણ રીતે સ્વસ્થ ન થઇ જાય. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે સ્વસ્થ થયા બાદ મેહુલ ચોક્સીએ ફરી ડોમિનિકા આવવું પડશે. કોર્ટે કહ્યું છે કે મેહુલ ચોક્સીને માત્ર મેડિકલ ટ્રીટમેન્ટ (Medical Treatment) માટે જ એન્ટીગુઆ જવાની પરવાનગી આપવામાં આવે છે. ત્યાં સુધી ડોમિનિકામાં તેની ગેરકાયદેસર પ્રવેશ સાથે જોડાયેલી સુનાવણી સ્થગિત રહેશે.

કોર્ટે પોણા ત્રણ લાખ રૂપિયા જમા કરાવવા કહ્યું

કોર્ટે આ સાથે ચોક્સીને દસ હજાર ઇસ્ટર્ન કેરેબિયન ડોલર જમા કરાવવા માટે પણ કહ્યું છે. જેની ભારતીય ચલણ પ્રમાણે કિંમત લગભગ પોણા ત્રણ લાખ રૂપિયા થાય છે. ઉલ્લેખનીય છે કે મેહુલના મેડીકલ રિપોર્ટમાં ડોક્ટરોએ કહ્યું હતું કે તેને ગંભીર બીમારીઓ છે અને તેને ન્યુરોલોજિસ્ટની જરૂર છે. આ રિપોર્ટના આધારે ચોક્સીએ અમેરિકા અને એન્ટીગુઆના ન્યૂરોસર્જન પાસે સારવાર કરાવવાની મંજૂરી માગી હતી. મેહુલ ચોક્સી હાલ ડોમિનિકાની રાજધાની રુઝોની એક હોસ્પિટલમાં દાખલ છે.

ભારત લાવવામાં વિલંબ થઇ શકે

મેહુલ ચોક્સીને ભારત લાવવા માટે સરકાર સતત કાર્યવાહી કરી રહી છે. સરકાર આ પહેલા મેહુલને ડોમિનિકાથી જ પરત લાવવા માટે પ્રયત્નો કરી રહી હતી પરંતુ હવે તેને જામીન મળ્યા બાદ પ્રત્યાર્પણમાં હજુ વિલંબ થઇ શકે છે. કારણ કે, મેહુલ સ્વસ્થ થઈને નહીં આવે ત્યાં સુધી સુનાવણી સ્થગિત કરવામાં આવી છે. મેહુલ ચોક્સી પોતાને એન્ટીગુઆનો નાગરિક ગણાવે છે જ્યારે ભારત સરકાર સતત કહેતી રહી છે કે મેહુલે ભારતની નાગરિકતા છોડી નથી અને તે એન્ટીગુઆનો નાગરિક નથી.

કોણ છે મેહુલ ચોક્સી?

મેહુલ ચોક્સી ભારતના સૌથી મોટા બેંક ગોટાળાના મુખ્ય આરોપીઓમાંનો એક છે. વર્ષ ૨૦૧૮ માં આ કેસ પ્રકાશમાં આવે તે પહેલા જ મેહુલ વિદેશ ભાગી ગયો હતો અને તેણે એન્ટીગુઆની નાગરિકતા લઇ લીધી હતી. ભારતની એજન્સીઓ દ્વારા તેના પ્રત્યાર્પણ માટેના પ્રયાસો સતત ચાલુ છે. જેની વચ્ચે ગત ૨૩ મેની સાંજે તે અચાનક એન્ટીગુઆથી ગાયબ થઇ ગયો હતો. ત્યારબાદ ૨૬ મેના રોજ તે ડોમિનિકાથી પકડાયો હતો. ડોમિનિકામાં ગેરકાયદેસર પ્રવેશ માટે તેની વિરુદ્ધ કાર્યવાહી ચાલી રહી છે.

તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top