1980, કોલોરાડો
એક સુપરસ્ટોરમાં એક સાત વર્ષની બાળકી બોની લૌમેન (Bonnie Lohman) એના પિતાનો હાથ પકડી પોતાની આસપાસ બધી વસ્તુ કુતુહુલતાથી જોઈ ધીરેધીરે ચાલી રહી હતી. જ્યાં દૂધના કાર્ટુન્સ પડ્યા હતા, એ સેક્શનમાં પહોંચતા જ એ નાનકડી છોકરીની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. એનો ચહેરો એકદમ ખુશીથી ખીલી ઉઠ્યો. એણે ત્યાં પડેલા દૂધના કાર્ટુન્સમાંથી એક (milk can) ઊંચકીને એના પર ધ્યાનથી જોવા લાગી. એક નાની ત્રણેક વર્ષની બાળકીનો હસતો ચહેરો એના પર છપાયો હતો. આવા ઘણા કાર્ટુન્સ ત્યાં હતા, જેના પર અલગ અલગ નાના બાળકોના ફોટા છપાયેલા હતા.
થોડીવાર સુધી કાર્ટૂન પરના ચહેરા સામે જોયા બાદ એણે આગળ ચાલી રહેલા પિતાને બૂમ મારી. “ડેડ, આ જુઓ! આ કાર્ટૂન પર કોનો ચહેરો છપાયો છે! આ હું છું. હું નાની હતી ત્યારે આવી જ દેખાતી હતી. પ્લીઝ, મને આ જ દૂધનું કાર્ટૂન જોઈએ છે.”
બોનીના પિતા, જેમનું હજી સુધી આ કાર્ટૂન પર ધ્યાન નહોતું પડ્યું, એ બોનીના હાથમાં રહેલા કાર્ટૂનનો ચહેરો જોઈ ચમકી ઉઠ્યા. એણે ઝડપથી એણે હાથમાં લઈ જોયું. એક ક્ષણ બોનીના ખુશખુશાલ ચહેરા સામે જોયું. પછી પોતાની આસપાસ રહેલા લોકો સામે નજર કરી. કોઈનું ધ્યાન એમના પર નહોતું. એણે ઝડપથી એ કાર્ટૂન પોતાની બાસ્કેટમાં મૂકી દીધું. સાથે જ બોનીને કહ્યું, “બોની, હું તને આ અપાવીશ, પણ તારે કોઈને તારા છપાયેલા ફોટા વિષે નહીં જણાવવાનું. તું મને પ્રોમિસ આપ.”
નાનકડી બોનીને નહીં સમજાયું કે શા માટે એના પિતાએ આવી વિચિત્ર શરત મૂકી. પણ પોતાના ચહેરા વાળું દૂધનું કાર્ટૂન મળતું હતું એની લાલચમાં એણે હા પાડી દીધી. ઝડપથી બાકીની ખરીદી કરી, બોનીને સુપરસ્ટોરના ગેટ બહાર મોકલી દીધી. અને પછી ખરીદીનું બિલ કરાવ્યું.
ઘરે પહોંચતા જ બોનીના પિતાએ દૂધના કાર્ટૂન પરથી બોનીનો ફોટો કાપીને બોનીને રમવા આપી દીધો. સાથે જ એણે પોતાની શરત યાદ કરાવી. માસૂમ બોનીએ તરત જ ડોકું હલાવી હા પાડી. થોડા દિવસમાં બોનીના પિતા આખી વાત ભૂલી ગયા. પણ બોની હમેશા પોતાના ફોટાને પોતાની પાસે જ રાખતી.
એક દિવસ બોની પોતાના પડોશીના ઘરે રમવા ગઈ હતી. સાથે પોતાના રમકડાની બેગ પણ લઈ ગઈ હતી. થોડા સમય બાદ એ પોતાના ઘરે પાછી ફરી અને પોતાની બેગ પાડોશીના ઘરે જ ભૂલી ગઈ. અકસ્માતે બોનીના ફોટા વાળું કટિંગ પાડોશીના હાથમાં આવ્યું. એ જોતાં જ તેઓ ચોંકી ગયા. એમણે તરત જ પોલીસને ફોન કર્યો અને થોડી માહિતી આપી.
થોડી જ વારમાં પોલીસની ટીમ ત્યાં આવી પહોંચી. બોનીના પિતાની ધરપકડ કરવામાં આવી. સમગ્ર ઘટના બોનીની નજરો સામે બની. એ માસૂમ બાળકીને જરા પણ અંદાજો નહોતો કે શા માટે એના પિતાને પોલીસ પકડીને લઈ ગઈ.
સમગ્ર ઘટના કઈંક આ પ્રમાણે હતી. બોનીનો ફોટો જે મિલ્ક કાર્ટૂન પર છાપાયો હતો, એમાં ફોટા સાથે સૂચના હતી, Missing Child. એટ્લે કે ખોવાયેલ બાળક. લગભગ 1970 માં જ્યારે કોઈ બાળક ખોવાઈ જતું, અપહરણ થઈ જતું અથવા કોઈપણ રીતે પોતાના માતપિતાથી અલગ થઈ જતું, જેની ભાળ નહીં મળતી; ત્યારે પોલીસની કામગીરી ઘણી જ ઠંડી રહેતી. ત્રણ દિવસ સુધી બાળકના ખોવાયાની ફરિયાદ નહોતી નોંધાતી. જેને કારણે અપહ્યત બાળક અન્ય રાજ્યોમાં પહોંચી જતું અને એને શોધવાની શક્યતાઓ બહુ ધૂંધળી થઈ જતી. ત્યારે આવા માતપિતા પોતાના બાળકના ફોટા વાળા ચોપાનીયાં છપાવતા. અને શક્ય એટલો એનો ફેલાવો કરતાં. પરંતુ દરેક સ્થળે એ ચોપાનીયાં પહોંચાડવા શક્ય ન બનતા.
1984માં એક નવું અભિયાન શરૂ કરવામાં આવ્યું. દૂધના કાર્ટૂન પર આવા ખોવાયેલા બાળકોના ફોટા છાપી, એમના વિષે ટૂંકમાં માહિતી આપવાનું શરૂ કર્યું. આ અભિયાનનો હેતુ એ હતો કે દૂધ લગભગ દરેક ઘરમાં વપરાશમાં લેવાતું હોય છે. આ ઉપરાંત એની એક્સપાયરી ડેટ ટૂંક સમય માટેની હોય, એટ્લે ઝડપથી એનો વપરાશ કરવામાં આવે છે. જેને કારણે દૂધના કાર્ટૂન પર છપાયેલા બાળકોની માહિતી લગભગ દરેક વ્યક્તિ પાસે પહોંચે અને બાળકની શોધ ઝડપી બને. ઘણી મોટી સંખ્યામાં ડેરીઓ આ અભિયાનમાં જોડાઈ. ઘણા સમય સુધી આવા ખોવાયેલા બાળકોની માહિતી દૂધના કાર્ટૂન પર છપાતી રહી.
બોની લૌમેન જ્યારે ત્રણ વર્ષની હતી, ત્યારે એના માતપિતા અલગ થઈ ગયા હતા. બોની એના પિતા પાસે રહેતી હતી. અચાનક એક દિવસ બોની ગાયબ થઈ જાય છે. એનું અપહરણ થયું કે એ કશે ખોવાઈ ગઈ એના વિષે કોઈ માહિતી નહીં મળી. ઘણો લાંબો સમય પસાર થઈ ગયો પણ બોની નથી મળતી. ત્યારે બોનીના પિતાને દૂધના કાર્ટૂન પર બોનીનો ફોટો છપાવવાનો વિચાર આવ્યો.
નસીબજોગે બોનીની નજર જ એના ફોટા વાળા કાર્ટૂન પર પડી ગઈ. પણ એ નિર્દોષ બાળકીને જરા પણ અંદાજો નહોતો કે એ કાર્ટૂન પર શું લખ્યું છે. વાસ્તવમાં બોનીના પિતાથી છૂટી પડ્યા બાદ બોનીની માતાએ બીજા લગ્ન કર્યા હતા. અને પોતાના બીજા પતિની મદદથી નાનકડી બોનીનું અપહરણ કર્યું હતું. બોની પોતાની માતા સાથે રહેવા ટેવાયેલી હતી એટ્લે એ બહુ જલ્દી પોતાના નવા ઘરમાં એડ્જેસ્ટ થઈ ગઈ. ક્યારે એણે સાવકા પિતાને પોતાના પિતા માની લીધા એનો ખ્યાલ પણ નહીં રહ્યો. નાનું બાળક કોઈપણ પરિસ્થિતીમાં જલ્દી ઢળી જાય છે.
બોનીને લઈને એની માતા અને સાવકા પિતા સતત જગ્યા બદલતા રહ્યા. પહેલા સ્પેન હતા, ત્યાથી હવાઈ ગયા. અને અંતે કોલોરાડોમાં સ્થાયી થયા. તેઓ નાનકડી બોનીને હમેશા ઘરની અંદર જ રાખતા. એને બહાર જવાની કે આસપાસમાં જઈ રમવાની પણ છૂટ નહોતી. ધીરેધીરે બોની મોટી થતી ગઈ, એમ એના પર લાદવામાં આવેલા કડક નિયમો હળવા થતાં ગયા. બોની પોતાના માતપિતા સાથે બહાર જતી થઈ.
આખરે પાડોશીની સતર્કતાને કારણે બોનીની ભાળ મળી અને એનું પોતાના પિતા સાથે મિલન થયું. દૂધના કાર્ટૂન પર ખોવાયેલ બાળકની માહિતી છાપવાનું અભિયાન એટલું સફળ નહીં રહ્યું. પોતાના માતપિતા સાથે રહેતા બાળકો પર આવા કાર્ટૂન જોઈ નકારાત્મક અસર થાય છે, એવા કારણોથી આ અભિયાન થોડા વર્ષોમાં બંધ કરી દેવામાં આવ્યું. લગભગ 200 જેટલો ખોવાયેલા બાળકોની માહિતી આ રીતે ફેલાવવામાં આવી. જેમથી ફક્ત 2 જ બાળકો પોતાના માતપિતાને પાછા મળ્યા. જેમાં બોની લૌમેન એક હતી.