મધ્ય પ્રદેશના વિદિશામાં મોટી દુર્ઘટના : બાળકને બચાવવા જતા ૨૫ થી વધુ લોકો કૂવામાં પડ્યા

મધ્ય પ્રદેશના વિદિશામાં મોટી દુર્ઘટના : બાળકને બચાવવા જતા ૨૫ થી વધુ લોકો કૂવામાં પડ્યા

07/16/2021 National

SidhiKhabar

SidhiKhabar

મધ્ય પ્રદેશના વિદિશામાં મોટી દુર્ઘટના : બાળકને બચાવવા જતા ૨૫ થી વધુ લોકો કૂવામાં પડ્યા

ભોપાલ: પડોશી રાજ્ય મધ્ય પ્રદેશની (Madhya Pradesh) રાજધાની ભોપાલથી ૧૨૦ કિલોમીટર દૂર વિદિશા (Vidisha) જિલ્લાના એક ગામમાં ગુરુવારે મોડી સાંજે મોટી દુર્ઘટના ઘટી, જેમાં ૩ લોકોના મોત થઇ ગયા જ્યારે ૧૫ થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઉપરાંત લગભગ એક ડઝન લોકો હજુ પણ લાપતા છે. હાલ રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે.

વાત જાણે એમ છે કે, ગામમાં આવેલા કૂવામાં પાણી ભરવા જતા એક ૧૪ વર્ષનું બાળક કૂવામાં પડી ગયું હતું. આ કૂવાને સિમેન્ટના ત્રણ-ચાર સ્લેબથી ઢાંકવામાં આવ્યો છે અને આ સ્લેબમાં એક મોટો હોલ હતો, જેમાંથી ગામલોકો પાણી ભરતા હતા. ગતરોજ પાણી ભરતી વખતે એક બાળક હોલમાંથી કૂવામાં પડી ગયું હતું.

બાળક કૂવામાં પડી ગયાની ઘટનાની ખબર પડતા જ આસપાસના લોકો કૂવા નજીક આવી પહોંચ્યા હતા અને બાળકને બહાર કાઢવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. પરંતુ આ દરમિયાન અચાનક માટી ધસી પડતા સ્લેબ તૂટી ગયો હતો અને કૂવા નજીક ઉભા રહેલા લગભગ ૨૦ થી વધુ લોકો અંદર પડી ગયા હતા.

કૂવામાં પડી ગયા બાદ બચાવી લેવામાં આવેલા બે લોકોએ મીડિયાને જણાવ્યું કે, કૂવામાં પડી ગયેલી એક બાળકીને બચાવતી વખતે આ દુર્ઘટના ઘટી. બાળકીને બચાવવા માટે કેટલાક લોકો કૂવામાં ઉતર્યા હતા અને બાકીના તેમની મદદ કરવા અને જોવા માટે કેટલાક કૂવાની આસપાસ અને કેટલાક કૂવાની છત ઉપર ચડી ગયા હતા. તેમણે કહ્યું કે, આ દરમિયાન અચાનક કૂવાની છત તૂટી ગઈ અને આસપાસની માટી ધસી પડી જેના કારણે ૨૫ થી ૩૦ લોકો કૂવામાં પડી ગયા. તેમણે કહ્યું કે, તેઓ બંને સહિત ૧૨ લોકોને ગામલોકોએ બચાવી લીધા હતા, જ્યારે બાકીનાનું રેસ્ક્યુ હાલ ચાલી રહ્યું છે.

બચાવવા ગયેલું ટ્રેક્ટર પણ પડ્યું

ગ્રાઉન્ડ રિપોર્ટ અનુસાર, રાત્રે ૧૧ વાગ્યે બચાવકાર્યમાં જોડાયેલું ટ્રેકટર પણ આ કૂવામાં પડી ગયું હતું. જેની સાથે ચાર પોલીસકર્મીઓ સહિત અન્ય કેટલાક લોકો પણ પડી ગયા. જેમાંથી ત્રણ પોલીસકર્મીઓ અને અન્ય લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, ગઈકાલે રાત્રે ૯ વાગ્યાથી રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે અને લગભગ બે ડઝનથી વધુ લોકો કૂવામાં પડ્યા છે એથી રેસ્ક્યુ ઓપરેશન સતત ચાલી રહ્યું છે. માટીની નીચે કેટલાક લોકો દબાયા હોવાની આશંકા છે, એથી સાવચેતીપૂર્વક માટીનું ખોદકામ ચાલી રહ્યું છે.

બીજી તરફ, એમપીના સીએમ શિવરાજસિંહ ચૌહાણ વિદિશામાં દત્તક લીધેલી દીકરીઓના લગ્નમાં હજાર હતા જેથી તેમણે લગ્નસ્થળને જ કંટ્રોલ રૂમ બનાવી દીધો અને ત્યાંથી જ તમામ અધિકારીઓ સાથે સંપર્કમાં રહી આઈજી, કમિશ્નર અને કલેક્ટર સહિતના અધિકારીઓને ઘટનાસ્થળે જવા અને રાહત બચાવકાર્યમાં ઝડપ લાવવા કહ્યું હતું.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top