મ્યાનમારની જુન્ટા સરકારે જાહેર કર્યા ધરતીકંપમાં મૃત્યુ પામનારા લોકોના આંકડા
Myanmar Earthquake Update: મ્યાનમારમાં થોડા દિવસ અગાઉ ભયંકર ભૂકંપ આવ્યો હતો, જેણે દેશમાં ખૂબ તબાહી મચાવી દીધી છે. ઠેર-છેર બરબાદીના દૃશ્યો જોવા મળી રહ્યા છે. જેમ-જેમ રેસ્ક્યૂ ઓપરેશન આગળ વધી રહ્યું છે, તેમ-તેમ મૃત્યુઆંક વધી રહ્યો છે. જુન્ટા સરકારે સોમવારે (31 માર્ચ, 2025) નવા ધરતીકંપમાં મૃત્યુ પામનારા લોકોના આંકડા જાહેર કર્યા હતા.
પ્રચંડ ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 2,056 થઇ ગયો છે, જ્યારે 3,900થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. બચાવકર્મી ધરાશાયી થયેલી ઇમારતોના કાટમાળમાંથી બચાવ કામગીરી કરી રહ્યા છે. તો, મ્યાનમારે દેશમાં આવેલા વિનાશક ભૂકંપ માટે એક સપ્તાહનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. તબાહ થઇ ચૂકેલી ઇમારતોના કાટમાળમાં બચેલા વધુ લોકોની મળવાની આશા ધૂંધળી થઈ ગઈ છે. શાસક જુંટાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે શુક્રવારના રોજ આવેલા 7.7ની તીવ્રતાના ભૂકંપથી થયેલા જાનહાનિ અને નુકસાન માટે શોક વ્યક્ત કરવા માટે 6 એપ્રિલ સુધી રાષ્ટ્રીય ધ્વજ અડધો ઝુકેલો રહેશે.
ન્યૂઝ એજન્સી રોયટર્સ અનુસાર અધિકારીઓએ સોમવારે જણાવ્યું કે એક હોટલના કાટમાળમાંથી એક મહિલાને બહાર કાઢવામાં આવી છે. આ મહિલા ભૂકંપના 3 દિવસ બાદ આશાના કિરણના રૂપમાં દેખાઈ હતી, કારણ કે બચાવકર્મીઓ બચી ગયેલા લોકોને શોધવાના તમામ પ્રયાસો કરી રહ્યા છે.
મ્યાનમારમાં સ્થિત ચીની દૂતાવાસે ફેસબુક પોસ્ટમાં જણાવ્યું હતું કે, મહિલાને માંડલેમાં સ્થિત ગ્રેટ વૉલ હોટલના કાટમાળમાંથી બચાવી લેવામાં આવી છે. મહિલાની હાલત સ્થિર હોવાનું જણાવાયું હતું. માંડલે 28 માર્ચ, 2025ના રોજ આવેલા ભૂકંપના કેન્દ્રની નજીક છે. ધરતીકંપે મ્યાનમારમાં તો તબાહી મચાવી જ, સાથે જ પડોશી દેશ થાઈલેન્ડમાં પણ ભારે નુકસાન પહોંચાડ્યું.
ન્યૂઝ એજન્સી રોઈટર્સના જણાવ્યા અનુસાર, બેંગકોકમાં ઈમરજન્સી ટીમોએ સોમવારે એક નિર્માણાધીન ગગનચુંબી ઈમારત ધરાશાયી થયા બાદ કાટમાળ નીચે દબાયેલા 76 લોકોની શોધ ફરી શરૂ કરી દીધી છે. લગભગ 3 દિવસ બાદ, એવી આશંકા વધી રહી હતી કે બચાવ ટીમને મૃતદેહો મળશે, જેના કારણે થાઇલેન્ડમાં મૃત્યુઆંકમાં ભારે વધારો થઈ શકે છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp