ભારતે વૈશ્વિક વ્યાપારના મોર્ચે એક મોટી કૂટનીતિક સફળતા મેળવી છે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેના આર્થિક સંબંધોમાં એક નવો ઐતિહાસિક વળાંક આવ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્સન વચ્ચે થયેલી ટેલીફોન વાતચીત દરમિયાન ભારત-ન્યૂઝીલેન્ડ મુક્ત વ્યાપાર સમજુતિ (FTA)ની સંયુક્ત જાહેરાત કરવામાં આવી છે. આ સમજુતિ ન માત્ર બંને દેશોના આર્થિક સંબંધોને નવી ઊંચાઈ આપશે, સાથે અમેરિકાની સંરક્ષણવાદી વેપાર નીતિઓના દોરમાં ભારતની વૈકલ્પિક વૈશ્વિક ભાગીદારીને પણ મજબૂત કરશે.
ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સને સોમવારે આ અંગે સત્તાવાર જાહેરાત કરતા જણાવ્યું હતું કે, 'આ સમજૂતી બાદ ન્યૂઝીલેન્ડ તેના 100 ટકા ટેરિફ લાઇન પર ટેક્સ ખતમ કરી દેશે, જેનાથી ભારતીય નિકાસકારોને ન્યૂઝીલેન્ડના બજારોમાં શૂન્ય ડ્યુટી સાથે સીધો પ્રવેશ મળશે.' ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે એફટીએ પર વાતચીતની શરૂઆત માર્ચ 2025મા થઈ હતી, જ્યારે પ્રધાનમંત્રી લક્સન ભારતના પ્રવાસે આવ્યા હતા. માત્ર 9 મહિનાના રેકોર્ડ સમયમાં આ મુક્ત વ્યાપાર સમજુતિ પૂરી થવી બંને દેશોની રાજનીતિક ઈચ્છાશક્તિ અને રણનીતિક સમજને દર્શાવે છે. આ સમજૂતી હેઠળ ભારતે પણ ઉદારતા દાખવી ન્યૂઝીલેન્ડ માટે 70 ટકા લાઇન પર ટેરિફમાં છૂટછાટની ઓફર કરી છે.
ભારત મુખ્યત્વે ન્યૂઝીલેન્ડને એવિએશન ટર્બાઇન ફ્યુઅલ(ATF), ટેક્સટાઈલ્સ, ફાર્માસ્યુટિકલ્સ અને મશીનરીની નિકાસ કરે છે. ખાસ કરીને એટીએફ અને કાપડ ઉદ્યોગનો ફાળો આ નિકાસમાં મોટો રહ્યો છે. બીજી તરફ, ન્યૂઝીલેન્ડથી ભારતમાં મોટાભાગે કાચો માલ અને કૃષિ ઉત્પાદનોની આયાત થાય છે, જેમાં લાકડાની વસ્તુઓ, લાકડાનો માવો(પલ્પ), સ્ટીલ સ્ક્રેપ અને એલ્યુમિનિયમ સ્ક્રેપ મુખ્ય છે. આ મુક્ત વ્યાપાર સમજૂતી માત્ર આર્થિક લાભ જ નહીં, પરંતુ ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ભારતની વ્યૂહાત્મક સ્થિતિને પણ મજબૂત બનાવશે. આ સમજૂતી બંને દેશોની મજબૂત મિત્રતાનું પ્રતીક છે અને તેનાથી આગામી વર્ષોમાં દ્વિપક્ષીય વેપારને નવી ઊંચાઈ મળશે.
આ સમજુતિ હેઠળ ન્યૂઝીલેન્ડ આગામી 15 વર્ષમાં ભારતમાં 20 મિલિયન ડોલરનું રોકાણ કરશે. આ રોકાણ કૃષિ, ડેરી, ફૂડ પ્રોસેસિંગ, શિક્ષણ, ટેક્નોલોજી અને સ્ટાર્ટઅપ જેવા ક્ષેત્રોમાં નવી તક પેદા કરશે. ન્યૂઝીલેન્ડ સાથેનો આ કરાર તાજેતરના વર્ષોમાં ભારતનો સાતમો મુખ્ય FTA છે. અગાઉ, ભારતે ઓમાન, UAE, UK, ઓસ્ટ્રેલિયા, મોરેશિયસ અને EFTA (યુરોપિયન ફ્રી ટ્રેડ બ્લોક) દેશો સાથે સમાન કરારો પર હસ્તાક્ષર કર્યા છે. આ શ્રેણી એક વિશ્વસનીય વૈશ્વિક વેપાર કેન્દ્ર તરીકે ભારતના ઝડપી ઉદભવને દર્શાવે છે.