Om Prakash Chautala Passes Away: હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી અને INLD સુપ્રીમો ઓમ પ્રકાશ ચૌટાલાનું 89 વર્ષની વયે નિધન થયું છે. તેમણે ગુરુગ્રામની હૉસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. મળતી માહિતી મુજબ પૂર્વ CM ઓ.પી. ચૌટાલા છેલ્લા કેટલાક સમયથી ગુરુગ્રામમાં રહેતા હતા. આ સમય દરમિયાન, શુક્રવારે સવારે લગભગ 11:30 વાગ્યે, તેમને ગુરુગ્રામની મેંદાતા હૉસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા અને અહીં તેમણે 12:00 વાગ્યે અંતિમ શ્વાસ લીધા. જો કે તેઓ સ્વસ્થ હતા. પરંતુ શ્વાસ લેવામાં પરેશાની થતા તેમને હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી અને વર્તમાન કેન્દ્રીય મંત્રી મનોહર લાલ ખટ્ટરે તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
સ્વ.ચૌધરી ઓમપ્રકાશ ચૌટાલાનો જન્મ 1 જાન્યુઆરી 1935ના રોજ હરિયાણાના સિરસાના ડબવાલીના ચૌટાલા ગામમાં થયો હતો. તેમનો જન્મ સિહાગ ગોત્રના જાટ પરિવારમાં થયો હતો. તેઓ ભારતના પૂર્વ નાયબ વડાપ્રધાન દેવીલાલના સૌથી મોટા પુત્ર હતા. ચૌટાલા 5 વખત હરિયાણાના CM રહી ચૂક્યા છે. ચૌટાલા 2 ડિસેમ્બર, 1989ના રોજ પ્રથમ વખત મુખ્યમંત્રી બન્યા અને તેઓ 22 મે, 1990 સુધી આ પદ પર રહ્યા.
12 જુલાઈ, 1990ના રોજ, ચૌટાલાએ બીજી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લીધા, જ્યારે તત્કાલિન મુખ્યમંત્રી બનારસી દાસ ગુપ્તાને 2 મહિનાની અંદર પદ પરથી હટાવી દેવામાં આવ્યા. જોકે, ચૌટાલાએ પણ 5 દિવસ બાદ પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું. 22 એપ્રિલ, 1991ના રોજ, ચૌટાલાએ ત્રીજી વખત CM પદ સંભાળ્યું, પરંતુ 2 અઠવાડિયા બાદ કેન્દ્ર સરકારે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદી દીધું હતું.
1996ની લોકસભાની ચૂંટણી બાદ, તેમણે હરિયાણા લોકદળ (રાષ્ટ્રીય) નામથી એક નવી પાર્ટી બનાવી. 1998માં, વચગાળાની લોકસભા ચૂંટણીમાં, તેમણે BSP સાથે ગઠબંધન કરીને હરિયાણામાં 5 લોકસભા બેઠકો જીતી. ત્યારબાદ તેમની પાર્ટીને ઓળખ મળી. આ પછી તેમની પાર્ટીનું નામ બદલીને ઈન્ડિયન નેશનલ લોકદળ (INLD) કરી દેવામાં આવ્યું.
24 જુલાઈ, 1999ના રોજ, ચૌટાલાએ ચોથી વખત CM તરીકેનો કાર્યભાર સંભાળ્યો અને ડિસેમ્બર 1999માં તેમણે વિધાનસભા ભંગ કરી દીધી અને વિધાનસભાની ચૂંટણી બાદ, 2 માર્ચ, 2000ના રોજ ચૌટાલા પાંચમી વખત મુખ્યમંત્રી બન્યા. ત્યારબાદ ચૌટાલા પૂરા 5 વર્ષ સુધી મુખ્યમંત્રી રહ્યા. જો કે ત્યારબાદ હરિયાણામાં ક્યારેય INLDની સરકાર બની નથી. ચૌટાલાની પાર્ટી 2004થી સત્તાથી દૂર રહી હતી. મહત્ત્વની વાત એ છે કે JBT શિક્ષક ભરતીમાં તેમને કોર્ટે સજા પણ ફટકારી હતી અને તેઓ જેલમાં રહ્યા હતા.
કેન્દ્રીય મંત્રી મનોહર લાલ ખટ્ટરે કહ્યું કે તેમને હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી, INLDના વડા શ્રી ઓમ પ્રકાશ ચૌટાલાના નિધનના દુઃખદ સમાચાર મળ્યા છે. રાજ્યના વિકાસમાં તેમનું મહત્ત્વનું યોગદાન હંમેશાં યાદ રાખવામાં આવશે. દુઃખના આ સમયમાં મારી સંવેદના શોકગ્રસ્ત પરિવાર સાથે છે. ભગવાન તેમના શ્રીચરણોમાં દિવંગત આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના.