Pakistan Train Hijack Update: પાક. સેનાએ આટલા બંધકોને મુક્ત કરાવ્યા, BLAએ 30 સૈનિકોને માર્યા હોવાનો દાવો કર્યો
બલૂચ લિબરેશન આર્મી (BLA) દ્વારા હાઇજેક કરાયેલી જાફર એક્સપ્રેસ ટ્રેનમાંથી બંધકોને છોડાવવા માટે પાકિસ્તાન આર્મી સતત ઓપરેશન ચલાવી રહી છે. ન્યૂઝ એજન્સી એપી અનુસાર, પાક સેનાએ અત્યાર સુધીમાં 104 બંધકોને છોડાવ્યા છે. સુરક્ષા અધિકારીઓએ જણાવ્યું કે પાકિસ્તાન સેનાએ ઓછામાં ઓછા 104 મુસાફરોને બચાવ્યા છે, જેમાં 31 મહિલાઓ અને 15 બાળકોનો સમાવેશ થાય છે. આ ઓપરેશનમાં 16 BLA લડવૈયાઓ પણ માર્યા ગયા છે. જોકે, બાકીના મુસાફરોનું શું થયું તે હજુ જાણવા મળ્યું નથી.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ટ્રેનને હાઇજેક કરનાર આતંકવાદીઓ અફઘાનિસ્તાનમાં બેઠેલા માસ્ટરમાઇન્ડના સંપર્કમાં છે. તેમણે મહિલાઓ અને બાળકોને ઢાળ બનાવ્યા છે. પાકિસ્તાની સુરક્ષા દળોએ આતંકીઓને ચારેય બાજુથી ઘેરી લીધા છે. બંને તરફથી ગોળીબાર ચાલુ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, લોકેશનના કારણે ઓપરેશન ખૂબ મુશ્કેલ છે અને સાવધાની સાથે ચલાવવામાં આવી રહ્યું છે કારણ કે આતંકીઓએ મહિલાઓ અને બાળકોને ઢાળ તરીકે રાખ્યા છે.
બલૂચ આર્મીએ દાવો કર્યો છે કે બચાવ અભિયાનમાં લાગેલા 30 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા છે. ગ્રાઉન્ડ ઓપરેશનની સાથે પાકિસ્તાની સેના હવાઈ કાર્યવાહી પણ કરી રહી છે. આ દરમિયાન હેલિકોપ્ટર અને ડ્રોનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
જાફર એક્સપ્રેસ આજે સવારે 9 વાગે ક્વેટાથી પેશાવર માટે રવાના થઈ હતી પરંતુ વચ્ચે જ બલૂચ આર્મીના આતંકવાદીઓએ તેનું હાઈજેક કરી લીધું હતું. ટ્રેન કેટલાય કલાકોથી ટનલમાં ઉભી છે.
તેલ અને ખનિજોથી સમૃદ્ધ બલુચિસ્તાન પાકિસ્તાનનો સૌથી મોટો અને સૌથી ઓછી વસ્તી ધરાવતો પ્રાંત છે. અહીંના મોટાભાગના લોકો બલૂચ છે, જેઓ કહે છે કે તેઓ પાકિસ્તાન સરકાર દ્વારા ભેદભાવ અને શોષણનો સામનો કરી રહ્યા છે. પાકિસ્તાની અધિકારીઓનો અંદાજ છે કે BLA પાસે લગભગ 3,000 લડવૈયાઓ છે. BLA સતત પાકિસ્તાની સુરક્ષા દળોને નિશાન બનાવે છે. તેણે ચીન-પાકિસ્તાન આર્થિક કોરિડોર (CPEC) સંબંધિત પ્રોજેક્ટ્સ પર કામ કરતા નાગરિકો તેમજ ચીની નાગરિકો પર હુમલો કર્યો છે.
બલુચિસ્તાનમાં ઘણા અલગતાવાદી જૂથો સક્રિય છે. બલૂચ લિબરેશન આર્મી પણ તેમાં સામેલ છે. આ એક અલગતાવાદી સંગઠન છે, જે બલુચિસ્તાનની સ્વતંત્રતાની માગ કરી રહ્યું છે. આ સંસ્થાની સ્થાપના વર્ષ 2000ની આસપાસ થઈ હતી. BLA સતત પાકિસ્તાની સેના અને ચીન સાથે પાકિસ્તાનમાં ચાલી રહેલા પ્રોજેક્ટ્સને નિશાન બનાવી રહ્યું છે.
પાકિસ્તાને તેને પ્રતિબંધિત સંગઠન જાહેર કર્યું છે. આ ઉપરાંત અમેરિકા અને યુકે સહિત ઘણા પશ્ચિમી દેશોએ પણ તેને આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે. BLA હાલમાં બશીર ઝેબના કમાન્ડ હેઠળ છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp