પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારતે સિંધુ જળ સંધિ રદ કરવાની જાહેરાત કરી હતી. તેનાથી પાકિસ્તાની નેતાઓ બોખલાઈ ગયા છે. પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની પાર્ટીના સાંસદ સૈયદ અલી ઝફરે આ નિર્ણયને લઈને કહ્યું કે આ આપણા પર લટકતો વોટર બોમ્બ છે. જેને આપણે તાત્કાલિક નિષ્ક્રિય કરવો પડશે. તેમણે દાવો કર્યો હતો કે ભારતના આ પગલાથી 10માંથી એક પાકિસ્તાનીને નુકસાન થશે.
શુક્રવારે પાકિસ્તાની સંસદમાં બોલતા, સાંસદ અલી ઝફરે ચેતવણી આપી હતી કે જો પાણીની કટોકટીનો ટૂંક સમયમાં ઉકેલ નહીં આવે તો તે ભૂખમરો ફેલાઈ શકે છે અને મોટા પ્રમાણમા મોત થઈ શકે છે. ઝફરે કહ્યું કે, સિંધુ બેસિન આપણી જીવાદોરી છે, જો આપણે અત્યારે જળ સંકટનો ઉકેલ નહીં લાવીએ તો આપણે ભૂખથી મરી જઈશું.
પાકિસ્તાની સાંસદે કહ્યું કે બહારથી દેશમાં પાણીનો ત્રણ-ચતુર્થાંશ હિસ્સો આના પર આધારિત છે. 10 માંથી 9 લોકો પોતાના અસ્તિત્વ માટે સિંધુ નદી બેસિન પર નિર્ભર છે, પાકિસ્તાનના 90 ટકા પાક અને તમામ મોટા પાવર પ્રોજેક્ટ્સ આજ પાણી પર નિર્ભર છે. તેમણે કહ્યું કે આ આપણા પર લટકતા વોટર બોમ્બ જેવું છે અને આપણે તેને નિષ્ક્રિય કરવો પડશે.
આંકડાઓ અનુસાર, પાકિસ્તાન સિંધુ નદી પ્રણાલીમાંથી મળતા 93 ટકા પાણીનો ઉપયોગ ખેતી અને વીજળી ઉત્પાદન માટે કરે છે. તેની લગભગ 80% સિંચાઈવાળી જમીન આ પાણી પર આધારિત છે અને તેનું અર્થતંત્ર મુખ્યત્વે કૃષિ આધારિત છે.
22 એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે આ પગલું ભર્યું હતું, જેમાં આતંકવાદીઓએ 26 લોકો માર્યા ગયા હતા. આ હુમલા બાદ, ભારતે સ્પષ્ટ કર્યું કે જ્યાં સુધી પાકિસ્તાન સરહદ પારનો આતંકવાદ બંધ ન કરે ત્યાં સુધી સિંધુ જળ સંધિ 'સ્થગિત' રાખવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ કહ્યું હતું કે લોહી અને પાણી એકસાથે નહીં વહી શકે.
ભારતને એવી આશંકા હતી કે પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય મંચ પર પોતાને પીડિત દર્શાવવાનો પ્રયાસ કરશે. એટલે ઓપરેશન સિંદૂર બાદ, ભારતે 7 દેશોમાં એક પ્રતિનિધિમંડળ મોકલ્યું છે જેથી વિશ્વને સમજાવી શકાય કે સિંધુ જળ સંધિનું સસ્પેન્શન ભારતની સુરક્ષા અને સાર્વભૌમત્વ સાથે સંબંધિત બાબત છે. પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન ઇશાક ડારે ભારતને આ નિર્ણય પર પુનર્વિચાર કરવા કહ્યું છે, પરંતુ ભારતે સ્પષ્ટ કર્યું છે કે આતંકવાદી ગતિવિધિઓ પર કાબુ ન આવે ત્યાં સુધી જળ સંધિ પુનઃસ્થાપિત કરવામાં નહીં આવે.