શખ્સે એરહોસ્ટેસ સાથે વિમાનમાં એવી તો શું હરકત કરી કે પોલીસે કરી ધરપકડ, કોણ છે આરોપી?
ઇન્ડિગોની ફ્લાઇટમાં એર હોસ્ટેસ સાથે છેડતી કરવાના સમાચાર આવ્યા છે. એક મુસાફર પર આરોપ લગાવવામાં આવ્યો છે. આ બાબતને લઈને એરલાઇન કંપની ઇન્ડિગો દ્વારા એક સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. હવે પોલીસે આ મામલે આરોપીની ધરપકડ કરી છે.
માહિતી અનુસાર, 2 મે 2025ના રોજ, દિલ્હીથી શિરડી જતી ઇન્ડિગો ફ્લાઇટ 6E 6404માં એક મુસાફરે કેબિન ક્રૂ સાથે અનુચિત વ્યવહાર કર્યો. આરોપી મુસાફર નશાની હાલતમાં હતો અને ઉડાણ દરમિયાન બપોરે 1:40 થી 4:10 વાગ્યા વચ્ચે એર હોસ્ટેસને હેરાન કરતો રહ્યો. શિરડી એરપોર્ટ પર ઉતર્યા બાદ, ઇન્ડિગોના સ્ટાફે રાહાતા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. આરોપીની ઓળખ સંદીપ સુમેર સિંહ તરીકે થઈ છે, જે રાજસ્થાનના ચુરુ જિલ્લાનો રહેવાસી છે અને એક સરકારી કર્મચારી હોવાનું કહેવામા આવી રહ્યું છે.
સંદીપ સુમેર સિંહ પર એર હોસ્ટેસને 2 વખત અયોગ્ય રીતે સ્પર્શ કરવાનો અને અન્ય અનુચિત હરકતો કરવાનો આરોપ છે. ત્યારબાદ ફ્લાઇટ ક્રૂએ કંપનીની નિર્ધારિત પ્રક્રિયા મુજબ કાર્યવાહી કરતા મુસાફરને ‘અનિયંત્રિત’ જાહેર કર્યો. કેરળની રહેવાસી પીડિત એર હોસ્ટેસે આ મામલે લેખિત ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તપાસ બાદ આરોપીની ધરપકડ કરી છે.
તો, ઇન્ડિગો એરલાઇન્સે પોતાના નિવેદનમાં કહ્યું છે કે, ‘અમે બધા મુસાફરો અને કર્મચારીઓ માટે સુરક્ષિત અને સન્માનજનક વાતાવરણ સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છીએ. કોઈપણ અસુવિધા માટે અમે માફી માગીએ છીએ.’
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp