સુરત: ઉકાઈ ડેમમાં પાણીની આવક વધતા રાંદેર-અડાજણ-કતારગામના લોકોનું સ્થળાંતર કરાયું! વિવિધ વિભાગો એલર્ટ મોડ પર!
સુરત, સોમવાર: દક્ષિણ ગુજરાતમાં સતત વરસાદ પડી રહ્યો છે. ઉકાઈ ડેમના ઉપરવાસમાં પણ વરસાદનું જોર સારું રહેવા પામ્યું છે. જેથી કરીને ઉકાઈ ડેમમાં સતત પાણીની આવક ચાલુ છે. આ દરમિયાન ડેમમાંથી પાણી છોડવાની જરૂરીયાત ઉભી થતા સુરતીઓ ટેન્શનમાં આવી ગયેલા જણાય છે. કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયાનો તો કેટલાક વિસ્તારોમાંથી લોકોના સ્થળાંતરના સમાચાર આવી રહ્યા છે
સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં પડી રહેલા અવિરત વરસાદને પગલે ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા તાપી નદી બે કાંઠે વહેતી થઈ છે. જેને પરિણામે તાપી નદીના કિનારાના નીચાણવાળા વિસ્તારોમાં આવેલા રેવાનગર(અડાજણ)માં પાણી આવવાની શક્યતા હોવાથી સાવચેતીના ભાગરૂપે તા.૨૫ ના રોજ સાંજે ૭:૩૫ કલાકે ૧૫ પરિવારોના ૪૨ લોકોને નજીકની નગર પ્રા. શાળા ક્રમાંક ૮૮ ખાતે સ્થળાંતર કરાયા છે. તેમજ ઉકાઈમાં વધતી પાણીની આવકને પરિણામે પાલ આર.ટી.ઓની બાજુના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયેલા હોવાથી સાવચેતીના પગલે આજે બપોરે ૧૨:૦૦ કલાકે સ્થાનિક ૫૦ જેટલા રહેવાસીઓને પોતાના સગા સંબંધીને ત્યાં સ્થળાંતર કરાવાયું છે. બંને સ્થળોના કુલ ૯૨ અસરગ્રસ્તોને પાલિકાના રાંદેર ઝોન દ્વારા ફૂડ પેકેટ વિતરણ કરાયું છે.
સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં પડી રહેલા અવિરત વરસાદને પગલે ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા તાપી નદી બે કાંઠે વહેતી થઈ છે. જેને પરિણામે તાપી નદીના કિનારાના નીચાણવાળા વિસ્તારોમાં આવેલા કતારગામ સહિતના ઘાસ્તીપુરા, વરિયાળી બજાર તથા ટુંકી ખાતે પાણી આવવાની શક્યતાંના ધ્યાને લઈને ૬૦ લોકોનું અગમચેતીના ભાગરૂપે "મીરઝા શામી હોલ" વરિયાળી બજાર ખાતે સ્થળાંતરીત કરવામાં આવ્યા છે.
ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા કરાયેલી ભારેથી અતિભારે વરસાદની આગાહીને ધ્યાને રાખીને તેમજ ઉપરવાસમાં ભારે વરસાદને પરિણામે ઉકાઈ ડેમમાં પાણીની આવક વધતા આવનાર ૭૨ કલાક સુધીમાં વધુ વરસાદ આવે તો કામરેજના અમુક ગામો, સુરત શહેરના પુણા, સીમાડા અને સરથાણા સહિત વિવિધ ખાડીવાળા વિસ્તારોમાં પાણી ભરવાની શકયતાને પગલે શિક્ષણ રાજ્ય મંત્રી અને કામરેજ ધારાસભ્ય શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ જરૂરી તમામ આગોતરી તૈયારીઓના ભાગરૂપે પ્રાંત અધિકારી, મામલતદાર, DGVCL અને ફાયર વિભાગના અધિકારીઓ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ સાથે કામરેજ પ્રાંત કચેરી ખાતે આયોજનલક્ષી બેઠક યોજી હતી. સાથે જ તેમણે પ્રવર્તમાન વરસાદની પરિસ્થિતિને ધ્યાને લઈ વહીવટીતંત્રના અધિકારી-કર્મચારીઓને હેડક્વાર્ટર ખાતે ફરજ પર હાજર રાખવા અને એલર્ટ રહેવા સૂચના આપી હતી.
રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસને ધ્યાને રાખી લોકો જ્યાં મોટી સંખ્યામાં ભેગા થવાની સંભાવના છે તે સ્થળોએ ભારે વરસાદથી કોઇ અકસ્માત કે હોનારત ન થાય તે અંગે ખાસ તકેદારી રાખવા રાજ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું.
વરસાદ બંધ થયા બાદ પાણી ભરાઈ ન રહે, રોગચાળો ન ફેલાય, બંધ રોડ-રસ્તા સત્વરે પૂર્વવત થાય, વીજ પુરવઠો ખોરવાય તો સત્વરે પૂર્વવત થાય, ડેમમાં પાણીની આવક થતાં પાણીની સપાટીનું સતત મોનિટરીંગ થાય, તે અંગે સંબંધિત લાઈન ડિપાર્ટમેન્ટને જરૂરી કાર્યવાહી કરવા મંત્રીશ્રીએ સૂચના આપી હતી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp