શ્રીલંકામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ‘મિત્ર વિભૂષણ મેડલ’ એનાયત, PM બોલ્યા- ‘આ મારું નહીં 140 કરોડ ભારતીયોનું સન્માન..’
Mithra Vibhushana Medal: વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા અને બંને દેશોની સહિયારી સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાને પ્રોત્સાહન આપવાના તેમના અસાધારણ પ્રયાસોના સન્માનમાં શ્રીલંકા સરકાર દ્વારા પ્રતિષ્ઠિત “મિત્ર વિભૂષણ મેડલ” એનાયત કરવામાં આવ્યો હતો. વડાપ્રધાન મોદીને વિદેશી રાષ્ટ્ર દ્વારા આપવામાં આવેલો આ 22મો આંતરરાષ્ટ્રીય પુરસ્કાર છે. અસાધારણ વૈશ્વિક મિત્રતાને માન્યતા આપવા માટે વિશેષરૂપે સ્થાપિત, આ ચંદ્રક ભારત-શ્રીલંકા સંબંધોની ઊંડાઈ અને ઉષ્માને દર્શાવે છે.
વડાપ્રધાન મોદીએ કોલંબોમાં શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા દિસાનાયકે સાથે સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધી હતી. તેમણે કહ્યું હતું કે, 'રાષ્ટ્રપતિ દિસાનાયકે દ્વારા આજે શ્રીલંકા મિત્ર વિભૂષણથી સન્માનિત થવું મારા માટે ગર્વની વાત છે. આ સન્માન માત્ર મારું જ નહીં, પરંતુ 140 કરોડ ભારતીયોનું સન્માન છે. તે ભારત અને શ્રીલંકા વચ્ચેના ઐતિહાસિક સંબંધો અને ગાઢ મિત્રતાનું સન્માન છે. ભારત માટે ગર્વની વાત છે કે અમે સાચા પાડોશી મિત્ર તરીકે અમારી ફરજો નિભાવી છે. પછી 2019નો આતંકવાદી હુમલો હોય, કોવિડ મહામારી હોય કે તાજેતરમાં આવેલું આર્થિક સંકટ હોય, ભારત દરેક મુશ્કેલ પરિસ્થિતિમાં શ્રીલંકાના લોકોની સાથે ઊભું રહ્યું છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, અમારી 'નેબરહુડ ફર્સ્ટ પોલિસી' અને વિઝન 'મહાસાગર' બંનેમાં શ્રીલંકાનું વિશેષ સ્થાન છે. ભારતે 'સબકા સાથ સબકા વિકાસ'નું વિઝન અપનાવ્યું છે. અમે અમારા ભાગીદાર દેશોની પ્રાથમિકતાઓને પણ મહત્ત્વ આપીએ છીએ. છેલ્લા 6 મહિનામાં જ અમે 100 મિલિયન ડોલરથી વધુની લોનને ગ્રાન્ટમાં રૂપાંતરિત કરી છે. અમારા ઋણ પુનર્ગઠન એગ્રીમેન્ટથી શ્રીલંકાના લોકોને તાત્કાલિક રાહત મળશે અને અમે વ્યાજ દર ઘટાડવાનો પણ નિર્ણય લીધો છે. આ દર્શાવે છે કે આજે પણ ભારત શ્રીલંકા સાથે મજબૂતીથી ઊભું છે.
તેમણે કહ્યું કે ભારત અને શ્રીલંકા વચ્ચે સદીઓ જૂના આધ્યાત્મિક અને આત્મીય સંબંધો છે. મને જણાવતા અત્યંત આનંદ થાય છે કે, 1960માં ગુજરાતના અરવલ્લીમાં મળેલા ભગવાન બુદ્ધના અવશેષો દર્શન માટે શ્રીલંકા મોકલવામાં આવી રહ્યા છે. ત્રિંકોમાલીમાં તિરુકોણેશ્વરમ મંદિરના જીર્ણોદ્ધારમાં ભારત સહયોગ કરશે. ભારત અનુરાધાપુરા મહાબોધિ મંદિર સંકુલમાં પવિત્ર શહેર અને નુરેલિયા ખાતે 'સીતા એલિયા' મંદિરના નિર્માણમાં પણ સહયોગ કરશે.
શ્રીલંકાના રાષ્ટ્રપતિ સાથેની બેઠકમાં થયેલી ચર્ચાનો ઉલ્લેખ કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, અમે માછીમારોની આજીવિકા સાથે જોડાયેલા મુદ્દાઓ પર પણ વાત કરી હતી. અમે સહમત છીએ કે આપણે આ બાબતે માનવતાવાદી અભિગમ સાથે આગળ વધવું જોઈએ. અમે માછીમારોને તાત્કાલિક મુક્ત કરવા અને તેમની બોટ પરત મોકલવા પર પણ ભાર મૂક્યો હતો. ભારત અને શ્રીલંકા વચ્ચેના સંબંધો પરસ્પર વિશ્વાસ અને સદ્ભાવના પર આધારિત છે. શ્રીલંકામાં ભારતીય મૂળના તમિલ સમુદાય માટે 10,000 ઘરોનું નિર્માણ ટૂંક સમયમાં પૂર્ણ થશે. આ ઉપરાંત, શ્રીલંકાના 700 કર્મચારીઓને ભારતમાં તાલીમ આપવામાં આવશે, જેમાં સાંસદ, ઉદ્યોગસાહસિકો અને યુવા નેતાઓનો સમાવેશ થાય છે. ભારતનું માનવું છે કે બંને દેશોના સુરક્ષા હિત એકબીજા સાથે જોડાયેલા છે. અમારી સુરક્ષા એકબીજા પર નિર્ભર છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp