PM મોદી અને બાંગ્લાદેશના પ્રશાસક મોહમ્મદ યૂનુસની બેંગકોકમાં મુલાકાત, શું સંબંધો સુધરશે?
થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશની વચગાળાની સરકારના પ્રશાસક મોહમ્મદ યૂનુસ વચ્ચેની બેઠક સમાપ્ત થઈ ગઈ છે. બંને નેતાઓની આ મુલાકાત ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન બાદ વચગાળાની સરકારના પ્રશાસક તરીકે મોહમ્મદ યૂનુસની નિમણૂક કરવામાં આવી હતી.
મોહમ્મદ યૂનુસ સત્તામાં આવ્યા બાદ ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ હતી. સરહદ પર ઘૂસણખોરોની ગતિવિધિઓ પણ વધવા લાગી હતી. તો આ દરમિયાન મોહમ્મદ યૂનુસ વિરુદ્ધ દેશની અંદરથી અવાજો ઉઠવા લાગ્યા છે. લોકો ત્યાં વહેલી ચૂંટણીની માગ કરી રહ્યા છે.
મોહમ્મદ યૂનુસ છેલ્લા કેટલાક દિવસોથી વડાપ્રધાન મોદીને મળવાનો પ્રયાસ કરી રહ્યા હતા. મોહમ્મદ યૂનુસ દ્વારા કરવામાં આવેલા આગ્રહ પર જ BIMSTEC સંમેલન દરમિયાન આ બેઠકનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ પહેલા ડિનરમાં પણ બંને નેતાઓ એક-બીજાની બાજુમાં બેઠા જોવા મળ્યા હતા. BIMSTEC સમિટ દરમિયાન થાઈ વડાપ્રધાન પૈતોંગતાર્ન શિનવાત્રાએ ગુરુવારે રાત્રે ભોજન સમારંભનું આયોજન કર્યું હતું. આ ભોજન સમારંભમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા મોહમ્મદ યૂનુસ એક-સાથે બેઠા જોવા મળ્યા હતા. યૂનુસની ઓફિસે કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા ચાઓ ફ્રાયા નદીના કિનારે આવેલી હોટેલ 'શાંગરી-લા'માં મોદીની બાજુમાં બેઠા હતા. ત્યારબાદ જ સંભાવના વધી ગઈ હતી કે નરેન્દ્ર મોદી બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા મોહમ્મદ યૂનુસ સાથે વાતચીત કરી શકે છે.
ગયા વર્ષે ઑગસ્ટમાં વડાપ્રધાન શેખ હસીના દેશ છોડીને ભારત આવ્યા બાદ મોદી અને યૂનુસ વચ્ચે આ પહેલી મુલાકાત હતી. યૂનુસ સાથે મોદીની મુલાકાત મહત્ત્વપૂર્ણ છે કારણ કે શેખ હસીનાની સત્તામાંથી હકાલપટ્ટી થવા અને તે દેશમાં લઘુમતીઓ પર હુમલા બાદ ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી છે. યૂનુસની તાજેતરની ચીનની મુલાકાતની પૃષ્ઠભૂમિમાં પણ આ બેઠકનું મહત્ત્વ છે, જ્યાં તેમણે ભારતના પૂર્વોત્તર ક્ષેત્ર બાબતે કેટલીક ટિપ્પણીઓ કરી હતી, જે ભારતને પસંદ આવી નહોતી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp