વક્ફ બિલને લઇને જયંત ચૌધરી પર આરોપ લગાવ્યા બાદ આ નેતાએ RLDમાંથી આપ્યું રાજીનામું
વક્ફ સંશોધિત બિલને ટેકો આપનાર રાષ્ટ્રીય લોકદળ (RLD)ના પ્રમુખ જયંત ચૌધરીની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ લઇ રહી નથી. પાર્ટીના નેતા RLD છોડી રહ્યા છે, હવે મેરઠમાં RLDના રાજ્ય મહાસચિવ શાહઝેબ રિઝવીએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. એટલું જ નહીં, તેમણે કહ્યું છે કે, મુસ્લિમોએ એકતરફી પાર્ટીને વોટ આપ્યા હતા પરંતુ વક્ફના મુદ્દે જયંત ચૌધરીએ ભાજપ સાથે જે સમજૂતી કરી છે તે મુસ્લિમોની વિરુદ્ધ છે, તેનાથી મુસ્લિમો દુઃખી છે અને હું પણ.
RLDમાંથી રાજીનામું આપનાર શાહઝેબ રિઝવીએ કહ્યું છે કે મુસ્લિમોની મોટી વોટ બેંકને કારણે પાર્ટી પશ્ચિમ ઉત્તર પ્રદેશની 10 સીટો પર ધારાસભ્યો લઇને લાવી હતી. વીડિયો જાહેર કરીને શાહઝેબ રિઝવીએ કહ્યું કે, જે પાર્ટીને મુસ્લિમોને મુખ્ય પ્રવાહમાં લાવ્યા, જયંત ચૌધરીએ આજે મુસ્લિમો વિરુદ્ધ જે વક્ફ કાયદો બની રહ્યો છે, તેની સામે પોતાની સહમતિ વ્યક્ત કરી. હું આ વાત પૂરા દિલથી કહું છું કે જે લોકો ધર્મનિરપેક્ષતાની વાત કરતા હતા, મુસ્લિમોના કારણે અહીં સુધી પહોંચ્યા હતા, તેઓ આજે સરકારમાં બેઠા છે. આજે મુસલમાનોને છેતરાયાનો અહેસાસ થયો છે.
તેમણે કહ્યું કે, ધર્મનિરપેક્ષતાની વાત કરવી ખૂબ જ સરળ છે, જ્યારે વોટિંગનો સમય આવે છે ત્યારે ઘણી પાર્ટીઓ હોય છે જે ધર્મનિરપેક્ષતાની વાત કરે છે અને મુસ્લિમોની વાત કરે છે. પરંતુ જ્યારે મુસ્લિમોને તેમની જરૂર હોય ત્યારે તેઓ સમજી વિચારીને નિર્ણય લેતા નથી. સરકાર તો આવતી-જતી રહે છે, આજે તમે સરકારમાં છો અને કાલે ન પણ હોવ, પરંતુ તમે ચૌધરી ચરણસિંહના બતાવેલા માર્ગથી ભટકી ગયા છો.
શાહઝેબ રિઝવીએ કહ્યું કે, હું તમારા નિર્ણયથી ખૂબ જ દુઃખી છું કારણ કે મુસ્લિમો તમને તેમની આંખોના તારા સમજી બેઠા હતા. પશ્ચિમ ઉત્તર પ્રદેશમાંમાં તમારી પાસે 10 ધારાસભ્યો છે, પરંતુ એવી કોઈ બેઠક નથી કે જેના પર મુસ્લિમોના મત ન હોય. મુસ્લિમોએ પણ તમને એકતરફી વોટ આપ્યા હતા, પરંતુ તમારા દ્વારા લેવામાં આવેલા નિર્ણયથી મુસ્લિમો ખૂબ જ દુઃખી છે.
શાહઝેબ રિઝવીના રાજીનામા સિવાય હાપુડના ઝકી ગૌહરીએ નારાજગી વ્યક્ત કરીને પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. તેમણે RLDના પ્રદેશ અધ્યક્ષ રામ આશિષ રાયને સંબોધીને એક પત્ર જાહેર કરીને તેમની પાર્ટી છોડવાનો નિર્ણય જાહેર કર્યો છે. ગૌહરી હાપુડ જિલ્લામાં રાષ્ટ્રીય લોકદળના જિલ્લા મુખ્ય મહાસચિવ તરીકે કામ કરતા હતા. તેઓ લાંબા સમયથી પાર્ટી સાથે જોડાયેલા હતા અને મુસ્લિમ સમુદાયના મુદ્દાઓ પર અવાજ ઉઠાવતા હતા.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp