રામનવમીના દિવસે PM મોદી કરશે ન્યૂ પંબન રેલ બ્રિજનું ઉદ્ઘાટન, જાણો શું છે તેની ખાસિયત
ભારતનો પ્રથમ વર્ટિકલ લિફ્ટ સમુદ્રી બ્રિજ એટલે કે ન્યૂ પંબન રેલ બ્રિજનું રવિવારે રામ નવમીના અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રોડ બ્રિજ પરથી ટ્રેન અને જહાજને લીલી ઝંડી બતાવશે અને બ્રિજના સંચાલનનું નિરીક્ષણ કરશે. ઉદ્ઘાટન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામેશ્વરમમાં રામનાથસ્વામી મંદિરની મુલાકાત લેશે અને પૂજા કરશે. પંબન બ્રિજનું ગાઢ સાંસ્કૃતિક મહત્ત્વ છે. રામાયણ અનુસાર, રામ સેતુનું નિર્માણ રામેશ્વરમ નજીક ધનુષકોડીથી શરૂ થયું હતું. આ 2.08 કિલોમીટર લાંબો પુલ 550 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે બનાવવામાં આવ્યો છે, જે રામેશ્વરમને મુખ્ય ભૂમિ સાથે જોડે છે.
તેમાં 99 સ્પેન અને 72.5 મીટરનો વર્ટિકલ લિફ્ટ સ્પેન છે જે 17 મીટરની ઊંચાઈ સુધી ઉઠે છે, જેનાથી જહાજોની સરળ રૂપે અવરજવર પણ થઇ શકશે અને ટ્રેનોનું અવિરત સંચાલન થઇ શકશે. આ બ્રિજમાં સ્ટેનલેસ સ્ટીલ અને હાઈ લેવલ પેઈન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેને ભવિષ્યની માગોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો છે. વડાપ્રધાન કાર્યાલયે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, બપોરે લગભગ 1.30 વાગ્યે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યમાં 8300 કરોડ રૂપિયાથી વધુની કિંમતની વિવિધ રેલ અને માર્ગ યોજનાઓનો શિલાન્યાસ કરશે અને તેમને રાષ્ટ્રને સમર્પિત કરશે. આ અવસર પર તેઓ ત્યાં હાજર લોકોને સંબોધિત પણ કરશે.
સરકારના જણાવ્યા અનુસાર, આ પ્રોજેક્ટ્સમાં NH-40ના 28 કિલોમીટર લાંબા વાલાજાપેટ-રાનીપેટ સેક્શનના ફોર લેન બનાવવાનો શિલાન્યાસ અને NH-332ના 29 કિલોમીટર લાંબા વિલુપ્પુરમ-પુડુચેરી વિભાગને ફોર લેન બનાવવાનું કામ, NH-32ના 57 કિલોમીટર લાંબા પૂંડિયાંકુપ્પમ-સત્તાનાથપુરમ વિભાગ અને NH-36 ના 48 કિલોમીટર લાંબા ચોલપુરમ તંજાવુર વિભાગને દેશ માટે સમર્પિત કરવાનું સામેલ છે. આ ધોરીમાર્ગો ઘણા યાત્રાધામો અને પ્રવાસન સ્થળોને જોડશે, શહેરો વચ્ચેનું અંતર ઘટાડશે, મેડિકલ કોલેજો અને હૉસ્પિટલો, બંદરો સુધી ઝડપી પહોંચ પ્રદાન કરશે, ઉપરાંત સ્થાનિક ખેડૂતોને કૃષિ ઉત્પાદનોને નજીકના બજારોમાં લઈ જવા અને સ્થાનિક ચામડા અને લધુ ઉદ્યોગોની આર્થિક પ્રવૃત્તિને વેગ આપવામાં સશક્ત બનાવશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp